ભુજ સહિત કચ્છભરમાં જાણીતી એવી મીઠાઈની દુકાન ખાવડા મેસુક ઘર સામે ગ્રાહક દ્વારા કરાયેલી ફરિયાદનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. જેમાં ગ્રાહક ખાવડા મેસુક ઘરની હોસ્પિટલ રોડ, ભુજની દુકાનમાં તેમની પાસેથી ખરીદેલા ગુલાબપાકમાં ફૂગ વળી ગઈ હોવાની ફરિયાદ કરે છે. આ વીડીયો વ્યક્તિગત રીતે સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો જે અંગે ન્યૂઝ4કચ્છ દ્વારા પણ વેબન્યૂઝમાં આ સમાચાર પ્રસારિત કરાયા હતા. તો, આ મુદ્દે કચ્છના કોંગ્રેસી આગેવાન ઘનશ્યામસિંહ ભાટીએ પણ આ બનાવને ગંભીર ગણાવીને કચ્છની મીઠાઈની દુકાનોમાં ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા સેમ્પલ લઈને ચકાસણી કરવાની માંગણી કરાઈ હતી. દરમ્યાન ન્યૂઝ4કચ્છને મળેલી સત્તાવાર જાણકારી મુજબ ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા ખાવડા મેસુક ઘરની દુકાનમાંથી મીઠાઈના સેમ્પલ લેવાયા છે. કચ્છના જિલ્લા કલેકટરે પણ આ મુદ્દે ટ્વીટ કરીને લખ્યું છે કે, ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા વિવિધ મીઠાઈની દુકાનો ઉપર સેમ્પલ લઈને સઘન ચેકીંગ હાથ ધરાયું છે. અહીં સવાલ એ છે કે, ગ્રાહક મો માંગ્યા રૂપિયા આપે છે તો મીઠાઈની ગુણવત્તા પણ યોગ્ય હોવી જોઈએ. જોકે, મીઠાઈના ભાવો આસમાનને આંબે છે, સામે તેમાં વપરાતા માવાની ગુણવત્તા મોટે ભાગે તૈયાર હોય છે. એક સમયે મીઠાઈના દુકાનદાર દૂધમાંથી જાતે માવો બનાવતા હતા. તો, બીજો સવાલ મીઠાઈના વસુલાતા આકરા ભાવ પછી પણ ગ્રાહકને મોટેભાગે પાકું જીએસટી રજીસ્ટર વાળું બિલ આપવામાં આવતું નથી. એટલે ગ્રાહક ફરિયાદ પણ કરવામાં લાચારી અનુભવે છે.
આથી અગાઉ ભુજના જાગૃત નાગરિક રામજીભાઈ આમના દ્વારા મહેશ દૂધ કેન્દ્ર દ્વારા વેચાતા દેશી ઘી ની ગુણવત્તા અંગે સીધી કલેકટરને ફરિયાદ કરાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ કિસ્સામાં તો મહેશ દૂધ કેન્દ્રનું દેશી ઘીનું સેમ્પલ ફેલ થયું હતું જેને પગલે કલેકટર દ્વારા મોટી રકમનો દંડ પણ કરાયો હતો.