વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શાસન વ્યવસ્થા સુધારવા માટે સારા એવા પ્રયાસો થઈ રહ્યા છે. પણ, એ લેખે ત્યારે લાગે જ્યારે તે પ્રયાસોનું પરિણામ લોકો સુધી પહોંચે અને લોકો માટે ઉપયોગી બને. પણ, પરિસ્થિતિ એવી સર્જાય છે કે, ક્યાંક વહીવટની આંટીઘૂંટીમાં તો ક્યાંક ખાનગી એજન્સીઓ દ્વારા બેજવાબદાર રીતે થઈ રહેલી કામગીરીના કારણે સરકારના પ્રયાસો એળે જાય છે અને સરકારની પ્રતિષ્ઠા ખરડાય છે. જોકે, ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓ પોતાની રીતે વહીવટીતંત્રનું ધ્યાન દોરીને પ્રજાની મુશ્કેલી તો રજૂ કરે છે. એવા જ પ્રયાસો ભુજના બે પ્રજાકીય પ્રતિનિધિઓએ કર્યા છે, અલબત્ત એક સત્તા પક્ષ ભાજપના છે, તો બીજા કોંગ્રેસના છે. પણ, મુખ્ય મુદ્દો એ છે કે, એમના પ્રશ્નો પ્રજાલક્ષી છે, જે ઉકેલવા માટે તેમણે જિલ્લા કલેકટરની મદદ માંગી છે.
સાહેબ, આ કોન્ટ્રાક્ટરોની મનમાનીને કારણે આખા ભુજ શહેરના લોકો પરેશાન થાય છે, પ્રજાના અને સરકારના પૈસા વેડફાય છે..
જિલ્લા કલેકટરશ્રી નાગરાજનને શાસક પક્ષ ભાજપના નગરસેવક એવા ભુજ નગરપાલિકાના વોટર સપ્લાય સમિતિના ચેરમેન કૌશલ મહેતાએ લેખિતમાં જણાવ્યું છે કે ભુજમાં સરકારના અલગ વિભાગો દ્વારા કરાતાં વિકાસ કાર્યો દરમ્યાન કામ કરતાં કોન્ટ્રાક્ટરો ભુજ પાલિકાને જાણ કર્યા વગર આડેધડ પોતાની રીતે કામ કરે છે. પરિણામે ગટર અને પાણીની લાઈનો તૂટી જાય છે, ઘણી જગ્યાએ પીવાનું પાણી દૂષિત વિતરણ થાય છે. જે લોકો માટે બીમારીનું કારણ બને છે અને આવી પરિસ્થિતિ તંત્ર માટે વધારાની મુશ્કેલી સર્જે છે. રોડ રસ્તાઓ આડેધડ ખોદી નાખે છે, અને ઘણી જગ્યાએ ખોદેલી હાલતમાં મૂકી જાય છે, એવી પણ ફરિયાદો આવે છે. કૌશલ મહેતાએ કલેક્ટરશ્રીને લખેલા પત્રમાં વિનંતી કરી છે કે, કોન્ટ્રાક્ટરો જ્યારે ભુજ પાલિકા વિસ્તારમાં કામ કરે ત્યારે ભુજ પાલિકાને સૂચિત કરે, તેમજ પાલિકાના એન્જીનયરને હાજર રાખે જેથી ગટર, પાણી તેમજ ખોદેલા રસ્તા સંબધિત મોટી મુશ્કેલી ઉભી ન થાય. કોન્ટ્રાક્ટરોની બેજવાબદારીને કારણે ભુજ શહેરના લોકો મુશ્કેલીમાં મુકાય અને પાલિકાની તિજોરી ઉપર વધારાનો ખર્ચનો બોજ આવે તે યોગ્ય નથી. માટે આપ (કલેકટરશ્રી) કોન્ટ્રાક્ટરોને યોગ્ય સૂચના આપો.
સરકારે નવી કચેરી મંજુર તો કરી, પણ ભુજ શહેરના લોકોની મુશ્કેલી દૂર થઈ નથી..સાહેબ, આપ કંઈક કરો..
કલેકટરશ્રી નાગરાજનને બીજો પત્ર ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ લખ્યો છે. કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા આ નગરસેવકે ભુજ શહેરની પ્રજાને રાશનકાર્ડ તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે થઈ રહેલી મુશ્કેલીની વાત લખી છે. રાજેન્દ્રસિંહ જાડેજાએ રાજ્ય સરકાર દ્વારા ભુજ શહેરને ફળવાયેલી નવી સીટી મામલતદાર કચેરી તેના માટે ફળવાયેલી ઓફિસ જૂની મામલતદાર કચેરીમાં જ શરૂ કરવા રજુઆત કરી છે. સરકારે મામલતદાર, નાયબ મામલતદારો સહિતનો સ્ટાફ ફાળવી દીધો હોવા છતાંયે અત્યારે ભુજ સીટી મામલતદાર કચેરીનો વહીવટ નવી મામલતદાર કચેરીમાંથી ચલાવાય છે. સરકારે ભુજ શહેર અને ભુજ તાલુકા એમ બે મામલતદાર કચેરીઓ એટલે મંજુર કરી છે કે, ભુજ શહેર અને તાલુકાનો વિસ્તાર મોટો હોઈ જો તાલુકા અને શહેર એમ બે અલગ મામલતદાર કચેરી હોય તો લોકોનું કામ ઝડપભેર થાય. પણ, અત્યારે નવી મામલતદાર કચેરીમાંથી વહીવટ ચાલે છે, પરિણામે લોકોને સરકારની વિવિધ લાભદાયી યોજનાઓના કામમાં વિલંબ થાય છે, રાશનકાર્ડ અને નાના મોટા મહેસુલી કામો પણ સમયસર થઈ શકતા નથી સીટી મામલતદાર કચેરી માટે જૂની મામલતદાર કચેરીનું બિલ્ડીંગ તેમજ સ્ટાફ પણ ફાળવાઈ ગયો છે.
અહીં વાત પ્રજાને પડતી મુશ્કેલીની છે, ત્યારે જિલ્લા કલેકટરશ્રી જનહિતમાં યોગ્ય નિર્ણય કરશે એવી આશા રાખી શકાય.