Home Current PM-CM દ્વારા સરદાર પટેલની જન્મ જ્યંતીની ઉત્સાહભરી ઉજવણી વચ્ચે કચ્છના નેતાઓનો નિરુત્સાહ...

PM-CM દ્વારા સરદાર પટેલની જન્મ જ્યંતીની ઉત્સાહભરી ઉજવણી વચ્ચે કચ્છના નેતાઓનો નિરુત્સાહ – એકાદ, બે ને બાદ કરતાં બાકીનાની ગેરહાજરી ચર્ચામાં

799
SHARE
સરદાર પટેલની જન્મ જ્યંતી પ્રસંગે દેશની પશ્ચિમી સરહદે આવેલા કચ્છ જિલ્લામાં ‘રન ફોર યુનિટી’ ના કાર્યક્રમમાં વાસણભાઇ આહીર અને સાંસદ વિનોદ ચાવડાએ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે લોકોએ શપથ ગ્રહણ કરી દેશની એકતા, અખંડીતતા સાથે સરહદની સુરક્ષા જાળવવાનો સંકલ્પ કર્યો હતો. રાષ્ટ્રીય એકતા દિવસના આ પ્રસંગે નાગરિકો સાથે લશ્કરી જવાનો, પોલીસ જવાનોએ દોડમાં ભાગ લીધો હતો જિલ્લાના અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ, પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયા ‘રન ફોર યુનિટી’માં જોડાયા હતા. ભુજની કલેકટર કચેરીથી જિલ્લા પંચાયત ભવન સુધીની દોડ દરમ્યાન સરહદી કચ્છ જિલ્લાના નાગરિકોએ ‘એકતા’નો સંદેશ વહેતો કર્યો હતો. જોકે, સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ અન્ય દોડવીરો સાથે જિલ્લા પંચાયત સુધીની દોડ પુરી કરી હતી તેમજ દોડનારા સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

PM-CM ના ઉત્સાહ વચ્ચે કચ્છના આગેવાનોનો નિરુત્સાહ રહ્યો ચર્ચામાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાષ્ટ્રીય અને રાજયસ્તરે સરદાર પટેલ જ્યંતિની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું અને આ ઉજવણી જિલ્લા સ્તરે પણ ભવ્ય રીતે થાય તે માટે જબરદસ્ત પ્રચાર પ્રસાર કરાયો, જિલ્લા સ્તરે કાર્યક્રમોનું આગોતરું આયોજન પણ કરાયું. સરદાર પટેલની જન્મજયંતી ની કચ્છમાં જિલ્લા સ્તરની ઉજવણી આજે ભુજ મધ્યે કરાઈ હતી. આ ઉજવણી દરમ્યાન રાજકીય આગેવાનોની ઉદાસીનતા ચર્ચાનું કેન્દ્ર બની હતી. રન ફોર યુનિટીના આ કાર્યક્રમમાં રાજયમંત્રી વાસણભાઈ આહીર અને સાંસદ વિનોદ ચાવડા સમયસર ઉપસ્થિત રહ્યા હતા. પણ, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય મોડા પડ્યા હતા તો,  ભાજપના અન્ય આગેવાનોમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, ઉપરાંત કચ્છ જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતોના, નગરપાલિકાઓના સભ્યોની ગેરહાજરી વરતાઈ આવી હતી જોકે, ભુજ પાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી પ્રથમ નાગરિક તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપના ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓ, સંગઠનના આગેવાનો અને કાર્યકરોના ઉત્સાહની અપેક્ષાએ કચ્છમાં જિલ્લા સ્તરની ઉજવણીમાં પ્રજાકીય પ્રતિનિધિઓ અને આગેવાનો, કાર્યકરોમાં નિરુત્સાહ વરતાયો હતો. તો, સરદાર પટેલને સ્વાતંત્ર્યતા સંગ્રામ અને ત્યારબાદ આઝાદીના સમયમાં કોંગ્રેસના આગેવાન ગણાવનાર કોંગ્રેસના કચ્છના પ્રજાકીય પ્રતિનિધિઓ ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને સંતોકબેન પટેલ તેમજ અન્ય કોંગ્રેસી આગેવાનોની પણ ગેરહાજરી વરતાઈ જોકે, બીએસએફ, પોલીસના જવાનો અને સરકારી કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા પણ, ગણી ગાંઠી સંસ્થાઓ, ગણ્યા ગાંઠ્યા નાગરિકો તેમજ વેકેશનના કારણે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી એકંદરે કચ્છમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી મોળી રહી. સરદાર પટેલ જેવા સન્માનનીય મહામાનવ અને ગુજરાતના આ સપૂતને અંજલિ અર્પવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ભવ્ય આયોજનો વચ્ચે કચ્છમાં નિરુત્સાહ વરતાયો એ કડવી વાસ્તવિકતા છે.