કેન્દ્ર સરકારના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા આ વર્ષથી અલગ અલગ કેટેગરીના સીએસઆર એવોર્ડ શરૂ કરાયા છે જેમાં દેશના અલગ અલગ ઉદ્યોગગૃહો દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે કરાયેલા કાર્યોની સમીક્ષા કરીને એવોર્ડ એનાયત કરાયા હતા જે અંતર્ગત અદાણી પોર્ટસ એન્ડ સ્પે. ઇકોનોમિક ઝોન (APSEZ) ને પડકાર વચ્ચે વેસ્ટ ઝોનમાં માછીમાર સમુદાય માટે લાંબા ગાળાનું આયોજન કરવા બદલ સીએસઆર ક્ષેત્રે કરાયેલ શ્રેષ્ઠ કામગીરી માટે “ઓનરરી સ્પેશ્યલ મેન્શન એવોર્ડ’ એનાયત કરાયો હતો. નવી દિલ્હી મધ્યે યોજાયેલા ભવ્ય સમારોહ મધ્યે નાણાં અને કોર્પોરેટ વિભાગના કેબિનેટ મંત્રી નિર્મલા સીતારામનની ઉપસ્થિતિમાં રાજયકક્ષાના મંત્રી અનુરાગ ઠાકુરના હસ્તે અદાણી ગ્રુપના માનવ સંશાધન પ્રેસિડેન્ટ મલય મહાદેવીયા, એપીએસઇઝેડના ડાયરેકટર રક્ષિત અદાણી, સીઓઓ અવિનાશ રાયએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. દેશના ૫૦૦ જેટલા ઉદ્યોગગૃહો દ્વારા આવેલી એન્ટ્રીઓ પૈકી વિવિધ કેટેગરી (૧) એક્સલન્સ ઇન સીએસઆર (૨) સીએસઆર ઇન ચેલેન્જીસ ઇન સર્કમટેન્સીસ અને (૩) નેશનલ પ્રાયોરિટી સ્કીમ હેઠળ ૧૯ જેટલા ઉદ્યોગગૃહોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ૧૯ સન્માનીય એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. કચ્છમાં કાર્યરત અદાણી ગ્રુપને પડકાર યુક્ત સંજોગોમાં ‘માછીમાર સમુદાયની આવકો તથા જીવનધોરણમા લાંબા ગાળાની નોંધપાત્ર અસર પેદા કરવાની કામગીરી બદલ’ નેશનલ સીએસઆર ક્ષેત્રે આ ગૌરવરૂપ એવોર્ડ મળ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા સીએસઆર, કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી (ઉદ્યોગગૃહોની સામાજિક જવાબદારી) હેઠળ કચ્છમાં મુન્દ્રા અને અંજાર વિસ્તારમાં થઈ રહેલા સામાજિક કાર્યો વિશે માહિતી આપવામાં આવી છે.
જાણો અદાણી ગ્રુપના સામાજિક કાર્યો..
કચ્છના મુન્દ્રાને કર્મભૂમિ બનાવીને દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે ખાનગી બંદર બનાવીને સાહસ કરનાર અદાણી ગ્રુપ આજે મુન્દ્રા ઉપરાંત દેશમાં ૧૦ ખાનગી બંદરો ધરાવે છે એટલું જ નહીં, પણ દેશના દરિયાઈ વ્યાપારમાં ૨૪ % હિસ્સો ધરાવનાર અદાણી ગ્રુપનો દેશ અને વિદેશમાં ડંકો વાગે છે જોકે, કચ્છમાં અદાણી પોર્ટ અને સ્પે. ઇકોનોમિક ઝોનના વિકાસ દરમ્યાન અનેક વ્યવસાયિક મુશ્કેલીઓ વચ્ચે પર્યાવરણ અને સ્થાનિક પરંપરાગત રોજગારીનો પડકાર સૌથી મોટો હતો પણ, અદાણી ગ્રુપ દ્વારા કરાયેલા સામાજિક કાર્યો વિશે અપાયેલી માહિતી અનુસાર અદાણી ફાઉન્ડેશનની મદદથી મુન્દ્રા અને અંજાર વિસ્તારમાં માછીમાર સમુદાય માટે ૬ મહત્વના ક્ષેત્રોને આવરી લેતો પ્રોજેકટ ‘જીવન અને આજીવિકા પરિવર્તન’ હેઠળ ખાસુ એવું ચાલી રહ્યું છે. જે ૬ ક્ષેત્રમાં કામ થઈ રહ્યું છે તે આ પ્રમાણે છે. (૧) આજીવિકા (૨) મહિલા સશક્તિકરણ (૩) ગુણવત્તાયુક્ત શિક્ષણ (૪) કૌશલ્ય તાલીમ (૫) આરોગ્ય અને (૬) માળખાકીય સુવિધાઓનો વિકાસ. અદાણી ગ્રુપના ‘ ગ્રોથ વિથ ગુડનેસ’ ના સિદ્ધાંત અનુસાર આ પ્રોજેકટમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ૭ ગામોના ૬૦૬૭ માછીમારો અને તેમના પરિવારની જીવન સ્થિતિ સુધારી લાંબા ગાળાની અસર પેદા કરવાના સફળ પ્રયાસો કરાઈ રહ્યા છે આ પ્રયાસો થકી માછીમારીની મુખ્ય સિઝનમાં માછીમારીની બહેતરીન ટેક્નિક તેમજ મંદ સિઝન દરમ્યાન વૈકલ્પિક વ્યવસાયની કૌશલ્યવર્ધન તાલીમ થકી આજીવિકાની તકો વધી છે સારી આરોગ્ય સેવાના કારણે બીમારી ઘટી હોઈ મેડિકલ ખર્ચ ઘટવાના કારણે બચત વધી છે હેલ્થકાર્ડ દ્વારા પણ બીમારીમાં મદદ મળી રહે છે. ‘જળ યોજના’ મારફત પીવાનું શુદ્ધ પાણી, બાલવાડીમાં બાળકોને પૌષ્ટિક આહાર, સીનીયર સિટીઝનોને નાણાકીય સહાય અપાય છે શિક્ષણક્ષેત્રે ભદ્રેશ્વરમાં ‘અદાણી વિદ્યા મંદિર’ શાળા શરૂ કરાઇ છે આ શાળામાં ૧૭૮૦ બાળકો અભ્યાસ કરે છે દરિયાઈ પર્યાવરણ અને બાયોડાઈવર્સીટી માટે નોંધપાત્ર કાર્ય કરાયું છે ૨૮૮૯ હેકટર દરિયાઈ વિસ્તારમાં ચેરીયા (મેનગ્રુવ્ઝ)નુ વાવેતર કરાયું છે જેના કારણે સ્થાનિક રોજગારીની સાથે કુદરતી આપત્તિ સામે રક્ષણ વધ્યું છે ૧૯૯૬ માં સ્થપાયેલું અદાણી ફાઉન્ડેશન દેશના ૧૮ રાજ્યોના ૨૨૫૦ ગામોમાં પ્રોફેશનલ ટીમ સાથે સીએસઆર હેઠળ ઇનોવેશન, લોકભાગીદારી, સહયોગ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે અદાણી ફાઉન્ડેશનના માધ્યમથી લગભગ ૩૦ લાખ જેટલા ગ્રામીણ અને શહેરી લોકો સુધી સામુદાયિક શિક્ષણ, આરોગ્ય, રોજગારી, માળખાગત સુવિધાઓનો લાભ પહોંચે છે જે સામાજિક મૂડી ઉભી કરી રાષ્ટ્ર નિર્માણનું ઉમદા કાર્ય કરે છે.