Home Social અંજારથી ૮૦ વર્ષની વૃદ્ધ માતાનો ફોન પર અવાજ સાંભળીને બંગાળમાં રહેતા ત્રણ...

અંજારથી ૮૦ વર્ષની વૃદ્ધ માતાનો ફોન પર અવાજ સાંભળીને બંગાળમાં રહેતા ત્રણ દિકરાઓની આંખોમાં આંસુ આવી ગયા – કરુણાભર્યો કિસ્સો

1013
SHARE
વાત આમ જુઓ તો સાવ નાનકડી છે, પણ તેની પાછળ છુપાયેલી કરુણાનો ભાવ આપણને એ દર્શાવે છે કે, સરકારી વરદીની નીચે પણ માનવતા ધબકી રહી છે. જો સરકારી કર્મચારીઓ પૂરતી ફરજનિષ્ઠા સાથે કામ કરે તો સરકાર દ્વારા શરૂ કરાયેલી લોકઉપયોગી સેવાઓ ખરા અર્થમાં સાર્થક બને છે. બે દિવસ પહેલા ૧૮/૧૧ ના રાત્રે ૮ વાગ્યે અંજારથી ભુજની 181 મહિલા અભયમ ટીમને એક ફોન આવે છે, અહીં એક ૮૦ વર્ષના વૃદ્ધ માજી ભૂલા પડી ગયા છે. તેમની ભાષા સમજાતી નથી. ફરજ અનુસાર 181 ની ટીમ સાથે કાઉન્સેલર મનીષાબેન રાઠોડ ત્યાં પહોંચે છે. સ્થળ ઉપર પરિસ્થિતિને સમજીને વૃદ્ધા બંગાળી હોવાનું ખ્યાલમાં આવતાં બંગાળી ભાષી સજ્જનને બોલાવીને મનીષાબેન આખીયે વાત જાણવાનો પ્રયાસ કરે છે અન્ય બંગાળી ભાષી વ્યક્તિને જોઈને આ વૃદ્ધા થોડી હળવાશ અનુભવીને પોતાનું નામ ઠામ, સરનામા વિશેની માહિતી આપે છે. વાતે વાતે ભીમાસર બોલતા જાનકુદાસ નામના આ વૃદ્ધા પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના રઘુનાથપુરના રહેવાસી હોવાનું જણાવે છે. પણ, અહીં કેવી રીતે આવ્યા તે વિશે અસમંજસભરી સ્થિતિ હોઈ હવે શું કરવું? એ વિચારીને મનીષાબેને પોતાનો અનુભવ કામે લગાડે છે.

અને છેક બે હજાર કીમી દૂર ખાખી વરદીએ કચ્છથી આવેલો માનવતાનો સાદ સાંભળ્યો

ઈન્ટરનેટ ઉપરથી વેસ્ટ બંગાળના પુરુલિયા જિલ્લાના રઘુનાથપુરાના પોલીસ કન્ટ્રોલ રૂમનો મનીષાબેને સંપર્ક કર્યો. ફરજ ઉપર રહેલા પીએસઆઇએ છેક પશ્ચિમ સરહદે થી આવેલો માનવતાનો સાદ સાંભળ્યો, એ વૃદ્ધાનો વ્હોટ્સ એપ્પ પર ફોટો બતાવી તેમના ઘેર પહોંચીને આખીયે વાત સમજાવી કે તેમના ઘરના વડીલ વૃદ્ધા ગુજરાતમાં અંજાર મધ્યે ભૂલા પડ્યા છે. તરત જ ફોન ઉપર વાત કરાવી અને ત્રણેય પુત્રો અને માતા એકબીજા સાથે વાત કરતા કરતાં રડી પડ્યા. જોકે, હવે આ આખીયે વાતમાં વળાંક અહીંયા આવ્યો, તેમના એક પુત્રની પુત્રી અંજારના ભીમાસરમાં રહેતી હોય એ વૃદ્ધા પોતાની પૌત્રીને મળવા વેસ્ટ બંગાળથી કચ્છના ભીમાસર આવવા એકલા નીકળ્યા હતા અને ભૂલ થી અંજાર ઉતરી ગયા. આટલી જાણકારી મળ્યા બાદ કાઉન્સેલર મનીષાબેન રાઠોડે ભીમાસર મધ્યે કોન્ટેક્ટ કરીને દાદી પૌત્રીનો મેળાપ કરાવી દીધો. આમ, 181 ની ગુજરાતની ટીમ તેમજ વેસ્ટ બંગાળ પોલીસના માનવીય અભિગમે ૨૦૦૦ કીમી દૂર ઘર ભૂલેલા એક સીનીયર સીટીઝન વૃદ્ધ મહિલાને સુખરૂપ રીતે પહોંચાડી પોતાની ફરજનિષ્ઠાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કર્મચારીઓની માનવતાને સલામ…