લાંબા સમયથી અટકેલા ભુજોડી ઓવરબ્રીજના ઇસ્યુ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંગત રસ લઈને આપેલી સૂચના પછી તંત્ર એલર્ટ થઈ ગયું છે. અત્યારે ભુજોડી પાસે રેલ્વે ઓવરબ્રીજની કામગીરી હાલે પ્રગતિ હેઠળ ચાલી રહી છે. આ બ્રીજમાં ગેબીઓન ડીઝાઇન ભૂકંપગ્રસ્ત ઝોન-૫ પ્રમાણે ડીઝાઇન મંજૂર કરાઇ છે તે એપ્રોચીસનું કામ પ્રગતિ હેઠળ છે, જયારે રેલ્વે લાઇન ઉપર ગર્ડરના લોન્ચીંગની કામગીરી હવે શરૂ થનાર છે ત્યારે ભુજોડી ઓવરબ્રિજની ચાલતી કામગીરીની પ્રગતિ જોવા અર્થે જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજને સ્થાનિકે મૂલાકાત લઇ અધિકારીઓ સાથે કન્સ્ટ્રક્શનના કામ અંગે સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે ભુજ પ્રાંત મનીષ ગુરવાણી,જીએસઆરડીસી, ગાંધીનગરના કાર્યપાલક ઇજનેર આર.જે.મકવાણા ઉપરાંત પાણી પુરવઠા બોર્ડ, નર્મદા નિગમ, પીજીવીસીએલ સહિતના વિભાગોના કાર્યપાલક ઇજનેર અને બ્રીજની કામગીરી માટે નિમાયેલી એજન્સી સાથે જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજને સ્થળની રૂબરૂ મૂલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ભચાઉ રેલ્વે ઓવરબ્રીજની કામગીરી પણ હાલે પ્રગતિ હેઠળ ચાલી રહી છે જેમાં મુળ મંજૂર થયેલી ડીઝાઇન મુજબની કામગીરી પ્રગતિમાં છે અને પુલની કામગીરી માર્ચ-૨૦૨૦ સુધીમાં પૂર્ણ થઇ જશે.