લોકડાઉનમાં સી.એમ રૂપાણી તેમની ઓફિસના ડેશબોર્ડ મારફતે વિડિઓ કોંફેરન્સ કરીને વાત કરી રહ્યા છે ત્યારે કચ્છમાં તેમનાં નામે કચ્છ ભાજપનાં એક નેતાએ ભાંગરો વાટતા કલેક્ટર સહિતનાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા કચ્છમાં સી.એમનાં નામે તંત્ર તો ઠીક ખુદ કચ્છ ભાજપનાં નેતાઓને વારંવાર દોડતા કરવા માટે જાણીતા ભાજપના આગેવાને આ વખતે પણ આવું કર્યું હતું થોડા દિવસ પહેલા જયારે કચ્છ કલેક્ટર સહિત પુરવઠા વિભાગનાં એક ન્યૂઝ તસ્વીર સાથે મીડિયામાં જોવા મળ્યા કે, સસ્તા ભાવની દુકાનોની તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી હકીકતમાં અહીં ચેકીંગનો કોઈ કાર્યક્રમ જ ન હતો મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના ડેશબોર્ડ દ્વારા સસ્તા અનાજની દુકાનદાર સાથે વાત કરવાના છે એમ કહીને ભાજપના અગ્રણી દ્વારા સમગ્ર તંત્રને અહીં બોલાવી લેવામાં આવ્યું હતું આ આગેવાન સી.એમની નજીક છે એટલે અધિકારીઓ પણ સાચું માનીને ખરાઈ કર્યા વિના રેશનિંગની દુકાને કેમેરા આગળ ગોઠવાઈ ગયા હતા લાંબા સમય સુધી સી.એમ કચ્છનાં કેમેરા સામે ન આવતા અધિકારીઓ મૂંઝાઈને એ આગેવાન સામે જોયું તો તેમણે પોતાની શાખ બચાવવા ગાંધીનગર ફોન કર્યો કે, સાહેબ કેમ કચ્છમાં વાત કરતા નથી ત્યારે સામેથી સી.એમ.ઓનાં અધિકારીઓએ મુખ્યમંત્રી રૂપાણીને પૂછ્યું તો, સાહેબે પણ સાફ ના પાડી દીધી કે કચ્છમાં આજે વાત કરવાનો વારો જ નથી તંત્રનાં ટોચનાં અધિકારીઓનો કાફલો હાજર થઈ ગયો હતો અને મીડિયા પણ હાજર હતું એટલે છેવટે સસ્તા અનાજની દુકાનનું ચેકીંગ કરીને વાતને વાળી લેવામાં આવી હતી.
ભુજની જી.કે.ને કોરોના હોસ્પિટલ જાહેર કરવાની વાત અટકી..?
કચ્છમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ મળી આવતા જ કચ્છનાં વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે કયા પગલા લઈ શકાય તેના માટે મંથન શરૂ થઈ ગયું હતું જેમાં જિલ્લાની ભુજમાં આવેલી જી.કે.જનરલ હોસ્પિટલને ખાસ કોરોનાગ્રસ્ત લોકો માટે અલાયદી તૈયાર કરવાની વાત ઉપર મહોર મારી દેવામાં આવી હતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો ત્યાંજ દિલ્હીથી ગાંધીનગર મારફતે જીકે ને માત્ર કોરોનાનાં દર્દીઓ માટે અનામત રાખવાનાં નિર્ણય ઉપર રૂક જાવનો આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે સાચું ખોટું ભગવાન જાણે પણ, સૂત્રોની વાત માનીએ તો સમગ્ર મામલામાં અંદરની વાત એવી છે કે, અદાણી ગ્રુપ દ્વારા દિલ્હીમાં આ અંગે દબાણ કરવામાં આવતા હજુ કોઈ ચિત્ર સ્પષ્ટ થયું નથી.
ધ્યાન રાખજો, તમારી ઉપર “નજર” છે હો..!
દિલ્હીનાં મરકઝની ઘટના પછી જે રીતે દિલ્હી ગયેલા લોકોના સંપર્કમાં રહેતા લોકોને શોધવામાં આવ્યા છે તેને જોતા સરકારની કામગીરીને સો ટકા વખાણવી જોઈએ પરંતુ સમગ્ર ઘટનાને તથા તેને રિલેટેડ ન્યૂઝ જોતા એક વાત એવી ધ્યાનમાં આવી કે, જે લોકોને શોધવા માટે દિલ્હીના તે વિસ્તારમાં એક્ટિવ મોબાઈલ ફોનનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું જેને કારણે જાણકાર લોકો પણ ચોંકી ઉઠયા છે કે, શું અન્ય લોકોનાં મોબાઈલ ફોન ઉપર આ રીતે નજર તો રાખવામાં નથી આવી રહીને?
ખાખીની કડક છાપ વચ્ચે પોલીસનો માનવીય ચહેરો
કોરોનાને કારણે એક વાત સારી બહાર આવી છે અને તે છે પોલીસનો માનવીય ચહેરો ખાખીની કડક છાપ વચ્ચે કચ્છમાં પોલીસ દ્વારા એવા કામ કરવામાં આવી રહ્યા છે કે લોકો તો ઠીક ખુદ પોલીસ બેડામાં પણ ચર્ચા છે કે, શુ આપણે આવું પણ કામ કરી શકીએ છે ? પશ્ચિમ કચ્છનાં એસ.પી સૌરભ તોલંબિયા હોય કે પૂર્વ કચ્છ પોલીસ બેડાના અધિક્ષક પરીક્ષિતા રાઠોડ હોય બંને દ્વારા રાઉન્ડ ધ ક્લોક જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેને જોઈને સેલ્યુટ કરવાનું મન થઇ જાય… ઓલ ધ બેસ્ટ.
ચેક કે રાહત સામગ્રી આપો અને ફોટો પડાવો
લોકડાઉનમાં લોકોને મદદ કરવી એ સારી વાત છે ઘણા લોકો મદદ કરી રહ્યા છે પરંતુ મદદની આડમાં મોઢા ઉપર ઉપર લગાવેલા માસ્ક ઉતારીને ફોટા પડાવતા લોકોની ફૌજ પણ ઓછી નથી ચેક કે રાહત સામગ્રી આપીને ફોટા પડાવતા લોકો પોતાની પ્રસિદ્ધિ માટે એટલા ભૂખ્યા છે કે, એક જ મદદનાં બબ્બે વાર ફોટા પડાવે છે અને “મને સી.એમ ઓળખે છે” તેમ કહીને ભુજથી છેક ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય સુધી આંટો મારી આવે છે હા, બસ એજ…ફોટો તો જોયો જ હશે તમે…કચ્છ કલેક્ટર અને સીએમ રૂપાણી સાથેનો
પબ્લિસિટી કરાવવી છે પણ દાન નથી આપવું
ફોટો પડાવીને દાન આપનાનારને પણ ટક્કર આપે તેવા લોકો પણ છે જેમને મીડિયામાં પ્રેસનોટ આપીને પોતાની વાહવાહ તો કરાવવી છે પરંતુ લોકોને મદદ માટે એક રૂપિયો પણ આપવો નથી કુશળ-અકુશળ મજૂર સંગઠનને નામે તેમના હિતની માત્ર વાતો કરનારા પૂર્વ કચ્છના મહિલા નેતા તથા તેમના પતિની ચંચુપાતથી પોર્ટનાં મજૂરો પણ હેરાન છે કે, ખરેખર સંગઠનને નામે આ લોકો કોનું કલ્યાણ કરવા માંગે છે.
કચ્છનાં DDO અને આરોગ્ય અધિકારીના સંકલનનો અભાવ બધાને નડશે
કોરોના મહામારી વચ્ચે લોકોની સાથે સાથે તંત્રનું સંકલન પણ જરૂરી છે ત્યારે કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી(DDO) અને જિલ્લા આરોગ્ય અધિકારી(DHO) વચ્ચે સંકલનના અભાવની ચર્ચા છે શરૂઆતમાં કોરોનાને લગતી માહિતી DHO દ્વારા આપવામાં આવી તો DDO દ્વારા કમાન પોતાના હસ્તક લેવામાં આવી હવે કોઈ પ્રશ્ન આવે અને DDOને ફોન કરી વિગત માંગવામાં આવે છે તો જિલ્લા વિકાસ અધિકારી આરોગ્ય અધિકારીને પૂછો એમ કહે છે બંનેથી કંટાળી કલેક્ટરને પૂછવામાં આવે છે તો એસ.ડી.એમ તરફ બોલ ફગાવી દેવામાં આવે છે ટ્વીટર પર ભલે કલેક્ટર અને અન્ય અધિકારીઓ સક્રિય હોય પરંતુ સાથે સાથે માહિતી આપવામાં પણ સક્રિય થશે તો જ કામગીરી લેખે લાગશે એવું મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.
મંત્રી માટે નિયમમાં છૂટ હોય ??
બધાની ચર્ચા થતી હોય અને રાજ્યકક્ષાનાં મંત્રીની ચર્ચા ન થાય એમ કેમ ચાલે? નક્કી જ કર્યું હતું કે આ વખતે તેમના વિશે કંઈજ ન લખવું પરંતુ તેઓથી થઇ જાય છે એવું કે, મેટર બની જ જાય છે. બન્યું એવું કે સાહેબ ગયા અબડાસમાં કીટ વિતરણ કરવા. કોરોનાને કારણે કલમ 144 લાગુ છે એટલે ચારથી વધુ લોકોએ ભેગા ન થવું એ નિયમ છે પણ સાહેબ તો સાહેબ છે અધિકારીઓ પણ હાજર હતા અને જોયું કે નિયમ ભંગ થાય છે પણ મંત્રીને થોડું કહેવાય બાય ધ વે નવરાત્રીમાં જયારે માતાનાં મઢ મંદિર તમામ લોકો માટે બંધ હતું ત્યારે પણ તેમના દર્શન કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી હદ તો ત્યારે થઈ જયારે રતનાલ ગામમાં એક મેડિકલ કેમ્પમાં તેમનો એક ‘શિષ્ય’ છેક ભુજથી બી.પી ચેક કરાવવા માટે પહોંચી ગયો એટલેજ ફરી મીડિયા અને કાર્યકરોમાં ચર્ચા થાય એ સ્વાભાવિક છે.
બાવીસ લાખની વસ્તી અને માત્ર બાવીસનો જ ટેસ્ટ? બુદ્ધિજીવીઓ નો સવાલ
કચ્છમાં માધાપરમાં બીજો પોઝીટીવ કેસ મળી આવતા તંત્ર અને સરકાર સહિત કચ્છનાં લોકોમાં પણ ભય છે ત્યારે આરોગ્ય વિભાગની એક વિગત એવી બહાર આવી છે જેને લઇને લોકોમાં છુપા ભય સાથે ચિંતા છે આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન મુજબ અમુક લક્ષણો દેખાય પછી જ દર્દીનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવે છે જેને કારણે તાલ એવો સર્જાયો છે કે, કચ્છની બાવીસ લાખથી પણ વધુ વસ્તીમાંથી માત્ર બાવીસ લોકોનાં જ ટેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારે કેટલાક બુદ્ધિજીવીઓ સવાલ કરી રહ્યા છે કે શુ આરોગ્ય વિભાગને બીક છે કે, વધુ ટેસ્ટ થશે તો વધુ કેસ બહાર આવશે ? કારણ ગમે તે હોય પરંતુ ફલૂ જેવા લક્ષણ ધરાવતા લોકોનો પણ જો ટેસ્ટ કરવામાં આવે તો માધાપરનાં કેસ જેવું મોડું ન થાય અને તેમના સંપર્કમાં આવનારા લોકોને ટ્રેસ કરી શકાય આવા સૂચનો પણ લોકો આપી રહ્યા છે.
ફોન ઉપર માર્ગદર્શન તો આપશો, પણ પ્રિસ્ક્રીપશન વગર દવા કોણ આપશે?
કોરોનાના સંકટમાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફ ભગવાનની તોલે આવ્યા છે તેમ કહીએ તો સહેજ પણ ખોટું નથી પરંતુ ભાજપના ડોકટર સેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત લોકોને ગળે ઉતરતી નથી કચ્છ ભાજપનાં ડોક્ટર સેલ દ્વારા જાહેરાત કરીને તબીબોના નામ-નંબર વહેતા કરવામાં આવ્યા કે, તેઓ ફોન ઉપર લોકોને માર્ગદર્શન આપશે સારી વાત છે પણ અહીં કેટલાક લોકો પ્રશ્ન કરે છે કે ટેલિફોનિક કન્સલટંસી પછી જો દવાની વાત કરવામાં આવે તો પ્રિસ્ક્રીપશન વગર દવા આપશે કોણ ? સેવા કરવી જ હોય તો સોશીયલ ડિસ્ટન્સ સાથે દવાખાના જેવી સુવિધા કેમ આપતા નથી..?
સાહેબ આવવાના છે, હાજર રહેજો
કચ્છમાં કોરોનાનો બીજો પોઝિટવ કેસ બહાર આવતા તંત્ર અને પોલીસ કડક થઇ છે અને નગર પાલિકા વિસ્તાર માટે તો કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને લોકોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવામાં પોલીસ દ્વારા જ વોટ્સએપ ગ્રુપમાં કરવામાં આવેલા મેસેજે આશ્ચર્ય સર્જ્યું છે બન્યું એવું કે, બોર્ડર રેન્જના આઈજી સુભાષ ત્રિવેદી મંગળવારે ગાંધીધામની મુલાકાતે આવ્યા હતા ત્યારે વોટ્સએપ મીડિયા ગ્રુપમાં ખુદ પોલીસ દ્વારા ગાંધીધામનાં ઓસ્લો સર્કલ ઉપર હાજર રહેવા માટેનો મેસેજ મુકવામાં આવ્યો હતો કલમ 144 હેઠળ ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ છે ત્યારે પોલીસનાં ઉચ્ચ અધિકારીની હાજરીમાં આમ લોકોના જમાવડાએ કેટલાક લોકોમાં એવી છાપ ઉભી કરી કે…શું નિયમ ભૂલાયા? એ પણ જયારે ત્રિવેદી સાહેબ જેવા કડક અને પ્રામાણિક પોલીસ અધિકારીની હાજરી માં? પણ લોકોનો ઉત્સાહ હતો પોલીસની કામગીરી બિરદાવવાનો એટલે કદાચ કોઈ અમલ ન થયો.
અહીં વાચકોએ વ્યક્ત કરેલા સવાલો અને માહિતી રજૂ કરી છે આપ પણ આપના સુઝાવ કે માહિતી માટે ઇ-મેઇલ [email protected] પર અથવા 99099 44076 પર સંપર્ક કરી શકો છો.