જયેશ શાહ.ગાંધીધામ, કોરોના વાયરસને લઈને સરકારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તો ક્યાંક આ અંગે પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે. આવો જ પ્રશ્ન સરહદી કચ્છ જિલ્લામાં જોવા મળી રહ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કચ્છમાં કુલ 21.64 લાખ વ્યક્તિને તપાસવામાં આવ્યા છે કચ્છ જિલ્લાની વસ્તી અંદાજે 22 લાખ છે ત્યારે લોકો પ્રશ્ન એ કરી રહ્યા છે કે, એવી તે કેવી રીતે કામગીરી કરવામાં આવી છે કે કચ્છનાં લગભગ તમામ લોકોની તપાસણી થઈ ગઈ છે આરોગ્ય વિભાગનાં આ દાવા અંગે લોકમાં સવાલ અને ચર્ચા પણ કે અમારે ત્યાં હજુ કોઈ આવ્યું નથી
કચ્છનાં પાટનગર ભુજની જ વાત કરીએ તો અહીંના નગર પાલિકાનાં કેટલાક વોર્ડના લોકોએ વોટ્સએપથી માંડીને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમ થકી આશ્ચર્ય સાથે તેમની વાત કરી છે કે, તેમના ઘરે કોઈ આવ્યું જ નથી ભુજમાં પત્રકારત્વની સાથે સાથે જીવદયાની સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અમિષ મહેતાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ખૂદ ભાજપ શાસિત ભુજ નગર પાલિકાનાં વોર્ડના નગર સેવકથી માંડીને પ્રમુખ લતાબેન તથા કારોબારી ચેરમેન ભરત રાણા પણ કહી રહ્યા છે કે હજુ મોટાભાગની તપાસ બાકી છે વિરોધ પક્ષનાં નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ તો આક્રોશ સાથે આખી વાત સાવ ખોટી હોવાનું જણાવ્યું હતું. ત્યારે એમ થાય કે, તો કચ્છનો આરોગ્ય વિભાગ જે 21 લાખ લોકોને તપાસવાની વાત કરે છે તે ખરેખર કચ્છનાં જ છે કે કોઈ બીજા જિલ્લામાં જઈને તપાસ કરી આવ્યા છે.
કચ્છનાં આરોગ્ય અધિકારી દરરોજ કોરોના વાયરસને લઈને શુ કામગીરી કરવામાં આવી તેની સત્તાવાર પ્રેસનોટ આપે છે બીજી એપ્રિલ ગુરુવારનાં સાંજે આપેલી વિગતમાં પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે, કચ્છમાં કુલ ૮,૪૩,૩૬૭ ઘરમાં રહેતા ૨૧,૬૪,૦૦૯ લોકોને તપાસમાં આવ્યા છે. ઘરે ઘરે જઈને આશા/આંગણવાડી કાર્યકરો ઘ્વારા આ કામગીરી કરવામાં આવેલી છે આ કામગીરીમાં તેમના વિભાગની કુલ ૨૧૧૬ ટીમને કામે લગાડવામાં આવેલી છે.આ અંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીનો સંપર્ક કરતા તેમણે જિલ્લામાં 21 લાખથી વધુ લોકોની તપાસણીની વાતને સમર્થન આપ્યું હતું ડીડીઓ જોશીએ એમ પણ કહ્યું કે કચ્છની 22 લાખની વસ્તી વર્ષ 2011ની છે તેમાં હવે વધારો પણ થયેલો હશે આ ઉપરાંત કચ્છમાં બહારથી આવીને સ્થાયી થયેલા લોકો પણ છે તેમના કર્મચારીઓ દ્વારા ટેબ્લેટ અને મોબાઈલ ફોન દ્વારા આ સર્વે અને તપાસ કરવામાં આવી રહી છે એટલે ઝડપથી કામગીરી થઈ રહી છે.
જિલ્લાનું તંત્ર ભલે ગંભીર બની કામ કરી રહ્યું હોય પરંતુ ક્યાંક સંકલનનના અભાવે પૂરતી માહિતી પહોંચતી નથી એ હકીકત છે
જિલ્લા મથક ભુજના વોર્ડની ચકાસણી પણ સત્વરે થાય તો લોકો દ્વારા ઉદભવતા સવાલોનું સમાધાન અને રાહત થાય એ પણ
એટલુંજ જરૂરી છે.