જયેશ શાહ.ગાંધીધામ ઇરફાનનાં મૃત્યુના આઘાતમાંથી માંડ બહાર આવ્યા હતા ત્યાં આજે સવારે સવારે રિશી કપુરના અવસાનની ખબર આંચકો આપી ગઈ. યોગાનુયોગ કહો કે ગમે, પરંતુ આ બંને કલાકારની રીલ અને રિયલની એક્ઝીટ પણ લગભગ સાથે જ થઈ છે અને તેમાં પણ એવી ફિલ્મ,જેનું શૂટિંગ કચ્છમાં થયું હતું. પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઉપર બનેલી ફિલ્મમાં રિશીએ દાઉદનો અને ઇરફાને ભારતની પ્રીમિયર ઇન્ટેલિજન્સ એજન્સી ‘રો’નાં પાકિસ્તાનમાં રહેતા એજન્ટનો અભિનય કર્યો હતો જેમાં રિશીને પાકિસ્તાનમાંથી ભારત પાછા લાવતી વખતે ફિલ્મમાં ઇરફાનનું પણ મોત થાય છે અને રિશી કપૂરનું પણ. ‘ડી ડે’ મુવીની જેમ રિયલ લાઈફમાં પણ બોલિવુડના આ બંને અદાકારે સાથે વિદાય લીધી છે.
વર્ષ 2013માં દાઉદને પાછા ભારત લાવવાના પ્લોટ ઉપર ફિલ્મ બનાવવાનું નક્કી થયું ત્યારે આ લખનારનો મુંબઈથી સંપર્ક કરવામાં આવ્યો હતો કચ્છમાં અગાઉ ‘રોડ મુવી’ નામની ફિલ્મ બનાવનાર ટીમ દ્વારા ડાયરેક્ટર નિખિલ અડવાણી વતી કહેવામાં આવ્યું કે, તેઓ રિશી કપૂરને લઈને દાઉદને લગતી એક ફિલ્મ બનાવવા માંગે છે જેમાં બોર્ડરની પરમિશન અને આર્મીના હેલિકોપટરની જરૂર પડશે. પાકિસ્તાનની બોર્ડર રણ વિસ્તાર ખાવડાથી નજીક હોવાને કારણે નેશનલ સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને શૂટિંગ પૂર્વ કચ્છમાં જંગી પાસે કરવામાં આવ્યું હતું ફિલ્મના પ્લોટ અનુસાર દાઉદ બનેલા રિશીને ‘રો’નાં એજન્ટ બનેલા ઇરફાન ઉપરાંત હુમા કુરેશી તથા અર્જુન રામપાલ કચ્છની બોર્ડરથી ભારતમાં લાવવવાનો હોય છે જેમાં ફિલ્મનાં અંતે જયાં એક તરફ ઇરફાન પણ મોતને ભેટે છે ત્યાં બીજી તરફ દાઉદનો રોલ કરનારા ગોલ્ડમેન બનેલા રિશીને પણ અર્જુન રામપાલ ગોળી મારીને મારી નાખે છે ફિલ્મમાં કરાંચી જેવો પ્લોટ દેખાડવાનો હોવાથી તેનુ શૂટિંગ અમદાવાદમાં પણ થયું હતું કારણ કે જુના અમદાવાદનો અમુક ભાગ પાકિસ્તાનના કરાંચી શહેર જેવો છે અમદાવાદનો સૌથી જૂનો પુલ એલિસબ્રિજ પણ આ ફિલ્મમાં જોવા મળે છે.
17 વર્ષ પહેલા જયારે આ ફિલ્મ બની હશે ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ફિલ્મની જેમ રિયલ લાઈફમાં પણ આ બંને દિગ્ગજ કલાકાર એક માત્ર એક દિવસના અંતરે જ આ ફાની દુનિયાને અલવિદા કરી જશે.
લાંબા ફિલ્મી કરિયર ઉપરાંત ટ્વીટર ઉપર કોઈપણ જાતની શેહ શરમ રાખ્યા વિના બેબાક પોસ્ટ કરનારા રિશીના મૃત્યુનું કારણ પણ ઇરફાનની જેમ કેન્સરની બીમારી જ રહી છે બાળ કલાકારથી માંડીને હીરો ઉપરાંત કોમેડિયન સહિતનાં અનેક કિરદાર નિભાવનાર રિશી મૃત્યુનાં અંતિમ દિવસોમાં પણ સોસીયલ મીડિયામાં સક્રિય રહ્યા હતા કરીના કપુરના દીકરાનું નામ તૈમુર રાખવામાં આવતા સોસીયલ મીડિયામાં ટ્રોલ થતા રિશીએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો આ ઉપરાંત જયારે દેશમાં બીફ ખાવા અંગેનો વિવાદ ચાલતો હતો ત્યારે પોતે બીફ ખાય છે તેવું ટ્વીટ કરનાર રિશીની છેલ્લે લોકડાઉનમાં રહેલા લોકો માટે લીકર શોપ ખોલવાની ટ્વીટ પણ થોડા દિવસ પહેલા જ ચર્ચામાં આવી હતી આમ અંતિમ દિવસોમાં પણ ઇરફાન હોય કે રિશી, બંને કલાકારોએ તેમની વિચારસરણી સાથે કોઈ સમાધાન કર્યું ન હતું. અલવિદા રિશી…