ન્યૂઝ4કચ્છ. ગાંધીધામ કચ્છનાં ભુજમાં મેડિકલ સ્ટુડન્ટ યુવતીના કોરોના રિપોર્ટની ખબર વચ્ચે કેટલીક ચોંકાવનારી હકીકત પણ બહાર આવી છે જેને કારણે પોતાના જીવની પરવા કર્યા વિના લડત આપી રહેલા મેડિકલ ક્ષેત્રનાં રિયલ કોરોના વોરિયર્સ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે પોતે પોઝીટીવ છે એ ખબર હોવા છતાં મુંબઈમાં તેની કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવેલી હોસ્ટેલમાંથી કચ્છમાં આવી છે માત્ર એટલું જ નહીં તેના પરિવારજનોએ પણ તેમના સંપર્કોનો ઉપયોગ કરીને વાત દબાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેને પગલે તંત્ર દ્વારા યુવતી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
શરૂઆતમાં તંત્ર અને કચ્છનાં મીડિયાને ગેરમાર્ગે દોરીને વાહવાહી બટોરી લેનારી આ ઘટનામાં વધુ એક ચોંકાવનારી હકીકત એ પણ બહાર આવી છે કે, આ યુવતી પાસે કચ્છમાં પ્રવેશ કરવા અંગેની મહારાષ્ટ્રની સ્થાનિક પરમિશન પણ નથી. તંત્રમાં સારા સંપર્ક ધરાવતા યુવતીના ફેમિલી મેમ્બર દ્વારા ગાંધીનગર કલેક્ટર કચેરીમાંથી મંજૂરી મેળવીને અહીંથી કાર તથા ડ્રાયવર સાથે તેને કચ્છમાં લઈ અવાયા હોવાની વિગતો ભાર આવી છે . જેને કારણે યુવતીના પરિવારજનોની સાથે સાથે વહીવટી તંત્ર પણ ક્યાંકને કયાંક શંકાના દાયરામાં આવી ગયું છે. સમગ્ર મામલામાં એક પછી એક હકીકત બહાર આવતા મોડીરાતે યુવતી સામે ભુજમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો યુવતીનાં પરિવારજનોએ ફરિયાદ ન નોંધાય તે માટે ગાંધીનગરથી તેમની રાજકીય વગનો પણ ઉપયોગ કર્યો હતો. જેમાં તેઓ ફાવ્યા ન હતા.
પોલીસ ફરિયાદ કરવામાં પણ કચ્છનાં આરોગ્ય વિભાગ સાથે તેમજ મામલતદાર ઓફિસનાં કેટલાક ભ્રષ્ટ વ્યક્તિ દ્વારા મોડીરાત સુધી સેટિંગ કરવા માટે તડજોડ કરી હતી જેને પગલે એફઆઈઆર નોંધવામાં પણ વિલંબ થયો હતો. સામાન્ય રીતે આવા કિસ્સામાં અત્યાર સુધી કચ્છમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જ ફરિયાદ નોંધાવવામાં આવેલી છે ત્યારે કચ્છનાં આ એકમાત્ર કેસમાં આરોગ્ય વિભાગ આગળ ન આવતા પોલીસ દ્વારા જાતે સુઓમોટો કાર્યવાહી કરીને મોડીરાતે FIR નોંધવામાં આવી છે. જેમાં યુવતીને મુંબઈથી કચ્છ લાવવામાં મદદ કરનાર તથા ચાર દિવસ સુધી સેટિંગ કરવામાં વ્યસ્ત યુવતીના અંકલને બાકાત રાખવામાં આવીને માત્ર મેડિકલ સ્ટુડન્ટ સામે જ ફરિયાદ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો ભુજમાં ફર્નિચરની દુકાન સાથે સંકળાયેલા આ ફેમિલીના કેટલાક મેમ્બર સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હોવાથી તેમજ તંત્ર ઉપરાંત સ્થાનિક રાજકારણમાં પણ ખાસ્સા એવા સંપર્ક હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
પુત્રી મોહમાં ભુજનાં લોકોનાં જીવ જોખમમાં મુક્યા
પોતાની દીકરી કોરોના પોઝીટીવ હોવાની જાણ હોવા છતાં ભુજનાં વેપારીએ ભુજ શહેરનાં લોકોનાં જીવ જોખમમાં મૂકી દીધા છે કારણ કે મુંબઈથી આવ્યા પછી પણ આ યુવતી ઘરમાં રહેવાને બદલે ભુજની બજારોમાં ફરી હોવાનું પણ બહાર આવ્યું છે યુવતી મુંબઈથી આવ્યા પછી અવાર નવાર ઘરની બહાર નીકળી હોવાથી તેમના પાડોશીઓ પણ ડરી ગયા છે.