આરોગ્ય ક્ષેત્રથી લઈને સામાજિક તેમજ જીવદયાના કાર્યમાં ભુજ સ્વામિનારાયણ મંદિર સતત અગ્રેસર રહ્યું છે, વર્તમાન લોકડાઉનના સમયમાં પણ મંદિરના સંતો અને હરિભક્તોએ પોતાની ફરજ અદા કરીને સરકાર તેમજ લોકોને સહાય દ્વારા પોતાનો ધર્મ બજાવ્યો છે ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ઔષધાલય અનેક વર્ષોથી રુગ્ણ માનવીઓની સ્વાસ્થ્ય સેવામાં કાર્યરત રહ્યું છે અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા સેવીને “નિરામય મંજૂષા” સ્વાસ્થ્યવર્ધક સામગ્રી આપીને લોકોના સારા સ્વાસ્થ્યની ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી છે.
મંદિરના સંતો અને અગ્રણીઓએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કોરોના મહામારીએ અનેક માનવીઓને સંક્રમિત કરી નાદુરસ્ત કર્યા છે. રોગપ્રતિકારક શક્તિના અભાવે કેટલાય માનવી મૃત્યુ પામ્યા છે. આપણું શરીર પ્રકૃતિના પાંચ તત્ત્વોથી નિર્મિત છે. આ સંદર્ભે શરીરના પોષણ માટે શક્ય એટલું પ્રકૃતિથી નજીક રહેવાય તેટલું આપણા સૌ માટે હિતાવહ છે.
સમગ્ર વિશ્વ જે મહામારી સામે લડત લડી રહ્યું છે એ જ મહામારીથી કચ્છ ભૂમિને સુરક્ષિત રાખવા માટે દિવસ રાત પ્રશાસન સ્તરના અનેક વિભાગો કાર્યરત છે. કાર્યદક્ષ અધિકારીઓને વધુ ને વધુ કાર્યક્ષમતા મળે અને કોરોના વિષાણુથી સંક્રમિત વ્યક્તિ યોગ્ય સારવાર બાદ આ પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ વર્ધક સામગ્રીનો ઉપયોગ કરી પોતાના શરીરને વધુ ને વધુ સશક્ત બનાવે તે હેતુસર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત સદગુરુ પુરાણી સ્વામી શ્રીધર્મનંદનદાસજી, સદગુરુ પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી અને સદગુરુ કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતની આજ્ઞાથી સ.ગુ.કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી શાસ્ત્રી કોઠારી શુકદેવ સ્વરૂપ દાસજી કોઠારી પાર્ષદ ખીમજી ભગત તથા મુખ્ય કોઠારી પ.ભ. રામજીભાઈ ઉપકોઠારી પ.ભ. મુરજીભાઈ ટ્રસ્ટીશ્રી જાદવજીભાઈ ટ્રસ્ટી શ્રી શશીકાંતભાઈ ઠક્કર તથા સમાજના અગ્રણી સેવાભાવિ દિલીપભાઇ ત્રિવેદી આદી ભક્તોના પ્રયાસ થી “નિરામય મંજૂષા” નામક ૫૧ જેટલી સ્વાસ્થ્યવર્ધક વસ્તુ સામગ્રીની કીટ જિલ્લા કલેકટરશ્રીના માધ્યમથી કોરોના વિષાણુથી મુક્ત થયેલ સ્વસ્થ વ્યક્તિઓના ઉત્તમ સ્વાસ્થ્ય માટે અર્પણ કરી રહ્યા છીએ.