અબડાસા વિધાનસભા પેટા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે વચ્ચે રાજકીય તોડજોડની નિતીઓ શરૂ થઇ છે. અને બન્ને પાર્ટીઓ પોતાની રણનીતી મુજબ આગળ વધી રહી છે. જો કે તે વચ્ચે અબડાસા બેઠકમાં રાજકીય ભુકંપ સર્જાય તો નવાઇ નહી કેમકે કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ અને મુસ્લિમ આગેવાન ઇબ્રાહીમ હાલેપોત્રાએ સમિતીમાંથી રાજીનામુ આપી દીધુ છે. અને મુસ્લિમ સમાજનુ પ્રભુત્વ ધરાવતી અબડાસા બેઠક પર ચુંટણી લડવાની તૈયારી પણ શરૂ કરી છે. આમતો છેલ્લા ધણા દિવસોથી વાયરલ ઓડીયોમાં આ બાબતની ચર્ચા ચાલી રહી હતી પરંતુ અંતે ઇબ્રાહીમ હાલેપોત્રાએ રાજીનામુ આપતા અબડાસા બેઠક પર ઉમેદવારી કરતી પાર્ટીઓને હવે નવુ ગણીત માંડવુ પડશે
મુસ્લિમ ઉમેદવારી કોગ્રેસને કેટલુ નુકશાન કરશે
અબડાસા બેઠક પર 4 જ્ઞાત્રીઓનુ પ્રભુત્વ છે. અને ચુંટણીની હારજીત હમેંશા આ ચાર સમાજ નક્કી કરતા હોય છે. જેમાં સૌથી વધુ મતો મુસ્લિમ સમાજના છે. ત્યાર બાદ ક્ષત્રિય,દલિત અને પાટીદાર સમાજ છે. તેવામાં ઇબ્રાહીમ હાલેપોત્રાએ રાજીનામુ આપ્યા બાદ હવે AIMI પાર્ટીના નેજામાં ચુંટણી લડવાની તૈયારી શરૂ કરી છે તેવામાં જો તેઓ ઉમેદવારી નોંધાવે તો તેનો સીધો ફાયદો ભાજપને મળે તેમ છે. કેમકે મુસ્લિમ કમીટેડ મતો હમેંશા કોગ્રેસ તરફી રહ્યા છે. તેવામાં મુસ્લિમ સમાજના આગેવાન ઉમેદવારી નોંધાવે તો ચોક્કસથી કોગ્રેસની વોટબેંક પર મોટી અસર થાય તેમ છે. જો કે સમાજ હવે ઇબ્રાહીમ હાલેપોત્રાને કેટલો સપોટ કરે છે તે જોવુ રહ્યુ
ઓડીયો વિવાદ અને અંતે રાજીનામુ આપી દીધુ
છેલ્લા 3 વર્ષથી મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખની જવાબદારી સંભાળતા ઇબ્રાહીમ હાલેપોત્રાનો સમયગાળો પુર્ણ થઇ રહ્યો છે. તેવામાં તેઓ કોઇ રાજકીય પાર્ટીના બેનેર હેઠળ ચુંટણી લડે તેવી વાતો વહેતી થતા સમાજના ધણા લોકોએ તેમને વ્યક્તિગત ફોન કરી સત્ય જાણવા પ્રયત્ન કર્યો હતો. અને જેની ઓડીયો ક્લીપ પણ વાયરલ થઇ હતી. જેમાં એક ઓડીયોમાં તો સેટીંગ કરી લેવાની વાત આવતા ઇબ્રાહીમ હાલેપોત્રા ઉશ્કેરાઇ ગયા હતા. અને ઉધડો પણ લીધો હતો. જો કે સમાજની સમિતીના નિયમો મુજબ તેઓએ સ્પષ્ટતા કરી હતી કે જો તેઓ રાજકીય મેદાનમાં ઝંપલાવશે તો સમાજના હોદ્દા પરથી રાજીનામુ આપશે ત્યારે આજે તેઓએ રાજીનામુ આપતા એક વિવાદનો અંત થયો હતો. જો કે હવે તેઓ અબડાસા વિધાનસભામાં ઉમેદવારી નોંધાવે છે. કે નહી તે જોવુ રહ્યુ
કચ્છમાં મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ હોવા છંતા જ્ઞાતી સમિકરણને ધ્યાને લઇ રાજકીય પાર્ટીમાંથી મુસ્લિમ ઉમેદવારને ટીકીટ મળવાના અને જીતવાના કિસ્સાઓ ખુબજ ઓછા રહ્યા છે. જો કે મુસ્લિમ સમાજના હિતની વાત આગળ ધરી હવે મુસ્લિમ આગેવાને ચુંટણી જંગમાં મેદાને પડવાનુ નક્કી કર્યુ છે. જો કે હજુ તે પ્રાયોગીક ધોરણે છે પરંતુ જો તેઓ ઉભા રહેશે તો ચોક્કસ રાજકીય પાર્ટીઓને રણનીતી બદલવી પડશે ખાસ કરીને કોગ્રેસને….જો કે ચર્ચા એવી પણ છે. કે રાજકીય સોગઠાબાજીના ભાગરૂપે ઇબ્રાહીમ ભાઇની એન્ટ્રી થઇ છે. જો કે તેઓએ સ્પષ્ટ સમાજના હિતની વાત સાથે ચુંટણી મેદાને ઉતરવાની વાત કરી છે.