Home Social સરહદ ડેરીની 11 મી સામાન્ય સભામાં વિકાસનો એજન્ડા નવી ડેરીના શ્રી ગણેશ...

સરહદ ડેરીની 11 મી સામાન્ય સભામાં વિકાસનો એજન્ડા નવી ડેરીના શ્રી ગણેશ સાથે જાણો સભામાં શુ થયુ…?

551
SHARE
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની અંજાર ખાતે ૧૧મી વાર્ષિક સાધારણ સભા મળી હતી સરકારના પ્રયાસોથી કચ્છમાંથી પશુપાલકોના બંધ થયેલા સ્થળાંતર સહિત દુષ્કાળમાં રાજ્ય સરકારે કરેલી મદદથી કચ્છનુ દુધ ઉત્પાદન જળવાઇ રહ્યુ છે. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા રાજ્યમંત્રી વાસણ આહિર અને કચ્છના સાંસદ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો અમુલ ડેરીના MD આર.એસ.સોઢી પણ ખાસ સભામાં ઉપસ્થિત રહ્યા હતા દુધ ઉત્પાદન વધારવા પર ભાર સાથે પશુપાલન વ્યવસાયને વેગ આપનાર મંડળી અને પશુપાલકોનુ સન્માન પણ કરવામાં આવ્યુ હતુ. પા.પા પગલી કરતા 700 કરોડના ટર્ન ઓવર સુધી પહોચેલી સરહદ ડેરીની સિધ્ધીઓ કાર્યક્રમમાં વર્ણવાઇ હતી. તો ભવિષ્યમાં પશુપાલન ક્ષેત્રને થનાર ફાયદા વિષે પણ ચર્ચા થઇ હતી
-કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદાર યોજનાઓ છેવાડાના પશુપાલકો તથા ડેરી સંચાલકો સુધી પહોંચે તે દિશામાં પ્રયાસો કરવા પણ આગ્રહ કરાયો હતો. ઊંટણીના દૂધ થકી સમગ્ર કચ્છના પશુપાલકોએ અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે હવે પ્રોડક્ટના પેકેજીંગ પર ધ્યાન આપી ગ્રાહકોને આકર્ષવા પ્રયાસ કરવાનું નમ્ર સુચન કર્યું હતું. આ ઉપરાંતે ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ કરીને પશુપાલકો અને ખેડૂતોની પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવા પણ સુચન કરાયુ હતુ.
-આ પ્રસંગે સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, કચ્છના ભૂકંપ બાદ જિલ્લામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિના મંડાણ થયા અને કચ્છને ખડુ કરવામાં પશુપાલકોનો બહુ મોટો ફાળો રહેલ છે. દુષ્કાળના સમયમાં પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છનો સતત પ્રવાસ કરીને પશુપાલકોની સતત ચિંતા કરી હતી, અને દુષ્કાળના કપરા સમયે ૬૦૦ કરોડ રૂપિયા પશુપાલકોને ફાળવીને નવજીવન આપ્યું હતું.
-સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલે ઉત્પાદક સંઘની ૧૧મી વાર્ષિક સાધારણ સભાના પ્રસંગે જણાવ્યું કે, સરહદ ડેરીએ શરૂઆતના ૩ જ વર્ષમાં ૩ લાખ લીટર દૂધ ઉત્પાદન તેમજ પ્રોસેસીંગ પ્લાન્ટ ઊભો કર્યો તેમજ ૫ વર્ષમાં કેટલ ફીડ પ્લાન્ટ ૫૫ કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવ્યો હતો જે કચ્છના પશુપાલકોનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરે છે. હાલે સરહદ ડેરીમાં ૭૦૦ મંડળી જોડાયેલ છે જેને દરરોજ ૨ કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવે છે અને વાર્ષિક ટર્નઓવર ૭૦૦ કરોડ રૂપિયા પહોંચી ચૂક્યું છે. અમૂલમાં એક કચ્છીને વાઇસ ચેરમેન પદ મળે તે સૌ કચ્છી પશુપાલકો માટે ગૌરવની વાત છે.
-કચ્છ-મોરબી મતવિસ્તારના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું કે, આફતને અવસરમાં બદલવા માટે કચ્છીઓ માહીર છે ત્યારે ભૂકંપ બાદ કચ્છ જિલ્લાને વિકાસશીલથી વિકસીત જિલ્લો બનાવવામાં પશુપાલકો અને સરહદ ડેરીએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. સરહદ ડેરીના માધ્યમથી ૭૦ હજાર પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. ટેક્નોલોજીનો વધુને વધુ ઉપયોગ કરી આગળ આવવા અપીલ કરી હતી.
-અમૂલના મેનેજીંગ ડિરેક્ટરશ્રી ડૉ. આર.એસ. સોઢીએ જણાવ્યું કે, પશુપાલકોને ધનાઢ્ય ઉદ્યોગપતિઓ સાથે સરખામણી કરી પશુપાલકોને પોતાના વ્યવસાય પ્રત્યે હંમેશા સજાગ રહેવા અનુરોધ કર્યો હતો.
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ૧૧મી વાર્ષિક સાધારણ સભા પ્રસંગે કચ્છ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર તત્કાલીન નાયબ પશુપાલન નિયામક અને હાલે સંયુક્ત પશુપાલન નિયામક ડૉ. કે.જી બ્રહ્મક્ષત્રિયનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેડ ટેગ ડે ઉજવણી અંતર્ગત મસ્કા દૂધ ઉત્પાદક મંડળીના મયુરભાઇ મોતા, બલરામ દૂધ ઉત્પાદક મંડળીના અરજણબાઇ પોકાર, સુદાણાવાંઢ દૂધ ઉત્પાદક મંડળીના મેઘુભા ગઢવીને ૧૦,૦૦૦ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દૂધ સંઘ દ્વારા ચાલતી આકસ્મિક જૂથ વિમા સહાય યોજના અંતર્ગત ખેડોઇની આશાપુરા દૂધ ઉત્પાદક મંડળીના સભાસદ રઘુવીરસિંહ જાડેજાના અવસાન બાદ તેમના વારસદાર મિતરાજસિંહ જાડેજાને ૧,૦૦,૦૦૦ (એક લાખ રૂપિયા)નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સૌથી વધુ દૂધ ભરાવતી મહિલા મંડળીઓ પૈકી માધાપર નવાવાસ મહિલા મંડળીના વનીતાબેન હુંબલ, ભૂજ મહિલા મંડળીના મંજૂબેન ચાવડા, સુચિત ઢોરી મહિલા મંડળીના શાંતાબેન ગાગલને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સૌથી વધુ દૂધ ભરાવતી મંડળીઓ પૈકી સુમરાસર શેખ દૂધ ઉત્પાદક મંડળીના વિરમભાઇ ચાડ, મોમાઇમોરા ચોબારી દૂધ ઉત્પાદક મંડળીના જેઠાભાઇ ઢીલા, સુચિત નાની ખાખર દૂધ ઉત્પાદક મંડળીના નરેન્દ્રસિંહ જાડેજાને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.