વૈશ્ર્વિક મહામારી કોરોનાની અસર ભારતના ધણા ઉદ્યોગ-ધંધા અને વ્યવસાય પર પડી છે. સરકારે જાહેર કરેલી વિવિધ ગાઇડલાઇન અને કોરોના મહામારીના ડરના પગલે કચ્છમાં પ્રવાસીઓની સંખ્યામા ગત વર્ષ કરતા મોટો ધટાડો નોંધાયો છે. કચ્છમાં દર વર્ષે આયોજીત રણ ઉત્સવમાં સફેદરણ નિહાળવા માટે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવે છે. પરંતુ ચાલુ વર્ષે એક તરફ જ્યા ગુજરાતના અન્ય પ્રવાસન ધામો પર પ્રવાસીઓની વિશેષ હાજરી જોવા મળી ત્યા કચ્છમાં સફેદરણમાં પાણી ભરાવાના કારણે અને કોરોના મહામારીને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ધટાડો નોંધાયો છે. આંકડાકીય માહિતી પર નઝર કરીએ તો કચ્છમાં ગત વર્ષે રણ ઉત્સવ દરમ્યાન 2,20,870 પ્રવાસીઓ આવ્યા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 1,01,222 પ્રવાસીઓ જ આવ્યા છે. જે દર્શાવે છે કે કચ્છમાં એક લાખ પ્રવાસીઓનો ધટાડો નોંધાયો છે
સરકારી આવક પણ ધટી!
સરકારી તીજોરી પર પણ કોરોનાની અસર દેખાઇ છે. જ્યા એક તરફ કચ્છમાં હોટલ ઇન્ડસ્ટ્રી અને પ્રવાસનને સલગ્ન ઉદ્યોગો પર કોરોનાની અસર દેખાઇ છે ત્યા સરકારી તીજોરમાં પણ આવક ધટી છે. ગત વર્ષે રણ ઉત્સવ દરમ્યાન સરકારને 1.99 કરોડ રૂપીયાની આવક થઇ હતી જેની સરખામણીએ ચાલુ વર્ષે 1.03 કરોડ રૂપીયાનીજ આવક સરકારને થઇ છે. ચાલુ વર્ષે 15274 કાર,778 બાઇક,અને 448 બસો દ્રારા કચ્છમાં પ્રવાસીઓ આવ્યા છે. જેની આવક ગત વર્ષે કરતા ધણી ઓછી છે તો આસપાસના રીસોર્ટ અને હસ્તકળા અને હોટલ-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પણ તેની અસર આંકડાઓ પરથી લગાવી શકાય છે.
અનલોકની જાહેરાત અને સરકારે આપેલી છુટછાટ આપ્યા બાદ ગુજરાતમા અનેક સ્થળોએ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પરંતુ ચાલુ વર્ષે કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા ધટી છે. હા પાછલા મહિનાઓમાં ચોક્કસ પ્રવાસીઓ સરકાર અને ટુરીઝમ વિભાગના અભીગમ પછી કચ્છ આવ્યા છે. પરંતુ ગત વર્ષની તુલનાએ પ્રવાસન ક્ષેત્રે કચ્છને થતા નફા પર અસર દેખાઇ છે.