(ન્યૂઝ4કચ્છ) કચ્છ જિલ્લા કોંગ્રેસની આજે મળેલી કારોબારી બેઠક આવનારા દિવસોમા રાજકીય તડાફડી સર્જશે એવું દેખાઈ રહ્યું છે.સામાન્ય રીતે શાંત અને મૃદુભાષી ગણાતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પોતાના રાજકીય પ્રવચનમા પ્રથમ જ વાર એક અલગ અંદાજ માં રાજકીય પ્રહારો કર્યા હતા.માંડવી બેઠક ઉપરથી હાર થયા બાદ અત્યાર સુધી શાંત રહેલા શક્તિસિંહે થોડા આકરા શબ્દોમા કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો કયારેય ગદ્દારો ને માફ કરતા નથી. આ સમયે તેમનો ઈશારો સમજી ગયેલા “ચોક્કસ” કોંગ્રેસી નેતાઓના મોઢા પડી ગયા હતા.જો કે, આકરા મિજાજ સાથે શક્તિસિંહે ગદ્દારી કરનારાઓ ને આડકતરી ચીમકી પણ આપી હતી કે કોંગ્રેસ દ્વારા જ્યારે પક્ માં નવા હોદ્દાઓ ની પસંદગી કરાશે ત્યારે પક્ષને દગો આપનારાઓને પક્ષ માં કોઈ હોદ્દો આપવો કે નહીં તે અંગે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિર્ણય કરાશે.જાહેર પ્રવચનમાં આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી જીતવાનું આહવાન કર્યા બાદ તેમણે ભાજપ સરકારને નિષ્ફળ ગણાવી હતી.
નવા પ્રદેશ પ્રમુખ વિશે શું કહ્યું ?
કાર્યક્રમ બાદ મીડિયાને ઇન્ટરવ્યુ આપતી વેળા એ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે કચ્છ કોંગ્રેસમાંથી લઘુમતી આગેવાનો દ્વારા તેમને ફોન પર એવી ફરિયાદ કરાઈ હતી કે તેમના ઉપર રાજીનામા માટે દબાણ કરાઈ રહ્યું છે.તેમણે ફોન કરનારા લઘુમતી આગેવાનોને વિચારધારાની આ લડાઈ માં શાંત રહીને કોંગ્રેસને મજબૂત બનાવવા સમજાવ્યા હતા.કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને તેમણે સક્ષમ અને અનુભવી નેતા ગણાવ્યા હતા.તો,વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીને પણ કાર્યદક્ષ નેતા ગણાવ્યા હતા.
ગદ્દાર કોણ ? : જિલ્લા પ્રમુખને ખબર નથી !!
કચ્છમા કોંગ્રેસના જે ઉમેદવારો વિધાનસભામાં હારી ગયા હતા તે સમયે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ કરનારાઓની રજૂઆતો પ્રદેશ કક્ષાએ થઈ હતી. શિસ્તભંગ ના પગલાં ભરવાની વાત પણ કોંગ્રેસ માં ચર્ચાતી રહી હતી. ફરી શક્તિસિંહ ગોહિલે પક્ષ વિરોધીઓ કામ કરનારાઓની વાત છેડયા બાદ ગદ્દાર કોણ એ મુદ્દે ચોંકાવનારી વાત જાણવા મળી હતી.કચ્છ કોંગ્રેસ માં કોણે ગદ્દારી કરી છે ? અને પ્રદેશ કોંગ્રેસે શું કાર્યવાહી કરી છે ? ન્યૂઝ4કચ્છ એ પ્રમુખ નરેશ મહેશ્વરીનો સમ્પર્ક કરતા તેમણે સ્પષ્ટ શબ્દો માં કહ્યું હતું કે ,પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ હજી સુધી કચ્છ કોંગ્રેસના એક પણ હોદ્દેદાર, આગેવાન, કે કાર્યકરને પ્રદેશ કોંગ્રેસ દ્વારા નોટિસ નથી મળી. ત્યારે, હવે એ જોવું રહ્યું કે આવનારા સમયમા પક્ષ વિરૂદ્ધ કામ કરનારાઓ સામે પ્રદેશ કોંગ્રેસ શુ કરશે ? શક્તિસિંહ ગોહિલની વાત આ વખતે હળવાશ થી લેવાય તેવી નથી,તેવું કાર્યકરોનુ માનવુ છે.