૩ વર્ષ કચ્છના DDO તરીકે કાર્યરત સી.જે.પટેલની ગાંધીનગર ખાતે બદલી થયા બાદ તેમણે કાર્યભાર છોડતી વખતે ન્યૂઝ4કચ્છ સાથે ખાસ વાત કરી હતી. કચ્છ માં જિલ્લા વિકાસ અધિકારી તરીકે શૌચાલય અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવાની યોજના માં ૮૦ ટકા થી વધુ સફળતા મળી હોવાની કામગીરી અને મહેસુલી આવક માં છેલ્લા ૨ મહિનામાં ૩૫ કરોડ ની વસૂલાતને તેમણે યાદગાર ગણાવી હતી, તેમણે બન્ની અને અબડાસામાં અતિવૃષ્ટિ દરમ્યાન લોકો ને મદદરૂપ બનવાની કામગીરી સફળ રહી તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. કચ્છ ના રાજકારણીઓ વિશે ન્યૂઝ4કચ્છે પૂછેલા સવાલનો તેમણે ચતુરાઈપૂર્વક જવાબ આપીને તેમણે થોડામાં ઘણું બધું કહી દીધું હતું.
જિલ્લાપંચાયતમાં કચ્છ ભાજપના આંતરિક રાજકારણ અને કોંગેસ દ્વારા ભાજપના વહીવટ સામે થતાં ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિરોધ હમેંશા ચર્ચાનો વિષય રહ્યા છે ,ત્યારે DDO સી.જે.પટેલે આ રાજકારણીઓ વિશે શું કહ્યું ? હા, મારા ઉપર રાજકારણીઓ દ્વારા વહીવટમાં દખલગીરી માટે દબાણ કરાતું હતું એમ કહેતા ડીડીઓ સી.જે.પટેલે વ્યંગભર્યું હાસ્ય કરતા કહ્યું હતું કે, કચ્છના રાજકારણીઓ સાથેનો મારો અનુભવ ખાટો મીઠો રહ્યો.બાકી,કચ્છએ સજા નો જિલ્લો છે એ માન્યતા ખોટી છે, કચ્છમાં કામ કરવાની મજા આવી, હજીયે કચ્છમાં રહેવાનું મન થાય છે. કચ્છમા આવનારા રડે છે તે જતી વખતે પણ રડે છે તેનું કારણ કચ્છના લોકોનો પ્રેમ છે,અને હવે તો કચ્છ વિકાસશીલ જિલ્લો બની ગયો છે.