બેરાજામાં સીસા ઉદ્યોગ સામે પ્રદૂષણનો મુદ્દો ગરમાયો, મંજૂરીની શરતો ભંગની તપાસ કરી એકમ બંધ કરાવવાની માંગ સાથે ખેડૂતો મેદાને ભુજમાં કલેકટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ
ભુજ તા. ૨૨
મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે ભુજ-મુન્દ્રા હાઇવે પર કાર્યરત મે.એન્વારી ગ્લોબલ મેટલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.સામે પ્રદૂષણ અને પર્યાવરણીય મંજૂરીઓની શરતોના કથિત ભંગ અંગે બેરાજા,બોચા તથા આસપાસનાં ગામોના રહેવાસીઓ અને ખેડૂતોએ રાજ્ય સરકાર,પર્યાવરણ વિભાગ,કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કચ્છ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ છે. કંપની દ્વારા મંજૂરી વિના ઉત્પાદન શરૂ કરાયું હોવાની આશંકા,પ્રદૂષણ નિયંત્રણની અધૂરી વ્યવસ્થા,જોખમી કચરાના નિકાલ અને પાણીના વપરાશના આંકડાઓમાં વિસંગતતા સહિતના મુદ્દે તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, કંપની વપરાયેલી લેડ-એસિડ બેટરી અને લેડના ભંગારમાંથી સીસું તથા સીસાની મિશ્રધાતુ બનાવવા ઉપરાંત પ્લાસ્ટિકનું પુનઃપ્રક્રિયાકરણ અને તાંબુ-એલ્યુમિનિયમ ગાળવા જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે.આવી પ્રક્રિયાઓથી ભારે ધાતુઓ,એસિડ,ધૂળ-રજકણો,ધુમાડો અને જોખમી કચરો ઉત્પન્ન થવાની સંભાવના હોવાથી આસપાસના લોકોના આરોગ્ય,ખેતી,પશુધન અને પીવાના તથા સિંચાઈના પાણી પર અસર થવાની ચિંતા વ્યક્ત કરાઈ છે.રજૂઆતમાં ઉત્પાદન ક્ષમતા અને જોખમી કચરાના પ્રમાણ અંગેની મંજૂરીઓમાં મોટા તફાવતો હોવાનો મુદ્દો ઉઠાવાયો છે.લેડ ધરાવતા કચરાના વાર્ષિક જથ્થા,તેના સંગ્રહ અને નિકાલ તથા રિસાયક્લિંગ માટે મોકલાયેલા કચરાની વિગતોની મૂળ રેકોર્ડના આધારે તપાસ કરવા અને લિથિયમ સંબંધિત પ્રવૃત્તિઓ માટે જરૂરી મંજૂરીઓ છે કે નહીં અને સ્થળ પર વાસ્તવમાં કઈ સામગ્રીની પ્રક્રિયા થાય છે તેની સ્વતંત્ર ચકાસણીની પણ માંગ કરાઈ છે.છેલ્લે, પર્યાવરણીય મંજૂરી અને સંચાલન સંમતિની પ્રક્રિયાની સ્વતંત્ર સમીક્ષા કરી જવાબદાર અધિકારીઓની ભૂમિકા તપાસવા અને ગંભીર ઉલ્લંઘન સાબિત થાય તો મંજૂરીઓ રદ કરવા સહિત કંપની તથા જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.જે મામલે આજે કલેકટર સહિતના જવાબદાર તંત્રને રજુઆત કરાઇ હતી. જેમાં બેરાજા ગામના સરપંચ લાલુભા જાડેજા,આશાપુરા ટ્રસ્ટના ગજેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ,કે.ડી.જાડેજા,યુવરાજસિંહ જાડેજા,રિઝવાન મિરઝા,શેલૈશ જોષી,ચંદુભા જાડેજા,મીઠુભા જાડેજા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા હતા.
નદી અને જળસ્ત્રોતોની નજીકતાનો મુદ્દો તપાસ માંગતો
પર્યાવરણીય મૂલ્યાંકન અહેવાલમાં બોચા ગામનું અંતર આશરે ૧.૨ કિલોમીટર અને કુદરતી નાળાનું અંતર ૬૦ મીટર દર્શાવાયું હોવાનો ઉલ્લેખ કરી રજૂઆતમાં જણાવાયું છે કે, ઉપલબ્ધ માહિતી મુજબ સુરઈ નદીની શાખા કંપનીના એકમથી આશરે ૩૦ મીટરના અંતરે પસાર થાય છે. આથી જળસ્ત્રોતોની વાસ્તવિક સ્થિતિ અને કંપની દ્વારા રજૂ કરાયેલી વિગતોની સ્થળ તપાસ કરવી જરૂર હોવાનું જણાવી મંજૂરી અને ઉત્પાદનના આંકડાઓની તપાસ માગી કંપનીને આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરી અને સંચાલન સંમતિની શરતોનું પાલન થયું છે કે નહીં,તેમજ ઉત્પાદન કઈ તારીખથી શરૂ થયું અને તે સમયે જરૂરી પ્રદૂષણ નિયંત્રણ વ્યવસ્થાઓ કાર્યરત હતી કે નહીં તેની તપાસ કરવા રજૂઆતમાં ભાર મુકવામાં આવ્યો છે.. સાથે વીજ વપરાશ, કાચા માલની ખરીદી, ઉત્પાદન, વેચાણ, જથ્થા અને અન્ય મૂળ દસ્તાવેજોની ચકાસણી કરવાની પણ માંગ કરાઈ છે.
પાણીના વપરાશ અને ગંદા પાણીના નિકાલમાં વિસંગતતા
કંપની દ્વારા દર્શાવાયેલા પાણીના વપરાશ, ગંદા પાણીના ઉત્પાદન અને પુનઃવપરાશના આંકડાઓમાં વિસંગતતા હોવાનો મુદ્દો રજૂઆતમાં સામેલ છે.પાણીના મીટર,બિલ, પાણીના સ્ત્રોત અને ભૂગર્ભજળ ઉપાડવા અંગેની મંજૂરીઓની તપાસ કરવાની માંગ સાથે ગંદા પાણીનો નિકાલ ક્યાં અને કેવી રીતે થાય છે તેની પણ ચકાસણી કરવા સહિત અને મુદ્દાઓ ટાંકી કરાયેલ રજૂઆતમાં પ્રદૂષણ નિયંત્રણની તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી કંપનીની ઉત્પાદન પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવા,વીજળી અને પાણીનો પુરવઠો બંધ કરવા કાયદેસર નિર્દેશો આપવા માંગ કરાઈ છે.આ ઉપરાંત સ્થળ પરની તમામ ભઠ્ઠીઓ,બેટરી તોડવાની મશીનો અને અન્ય પ્રક્રિયા-સંબંધિત સાધનોની યાદી તૈયાર કરી તપાસ કરવા,હવા,ગંદા પાણી,જમીન, ભૂગર્ભજળ અને પાકનાં નમૂનાઓ માન્યતાપ્રાપ્ત પ્રયોગશાળા મારફતે ચકાસવા તથા ધુમાડાના ઉત્સર્જનનું મશીન આધારિત નિરીક્ષણ કરી ખેડૂતોના પાક,જમીન અને જળસ્ત્રોતોને થયેલા સંભવિત નુકસાનનો સંયુક્ત સર્વે કરાવી વળતર અપાવવા, અસરગ્રસ્ત જમીન અને જળસ્ત્રોતોના પુનઃસ્થાપનનો ખર્ચ કંપની પાસેથી વસૂલવા તથા ઉત્પાદન, કાચા માલ, વેચાણ, પાણી, જોખમી કચરો અને પર્યાવરણીય મંજૂરી સંબંધિત તમામ મૂળ દસ્તાવેજો સુરક્ષિત રાખી તેની તપાસ કરાવવાની પણ માંગ કરાઈ છે.