આમતો કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હાલ આકરો તાપ પડી રહ્યો છે. પરંતુ કચ્છમાં આ વખતે ગરમી જાણે જીવલેણ બની હોય તેમ બે વ્યક્તિના ગરમીમાં ડીહાઇડ્રેશનથી મોત થયાના બનાવો સામે આવ્યા છે. પહેલા રાપરના કિડીયાનગરની વૃધ્ધાનુ મોત અને હવે ગાંધીધામ બી.એસ.એફ નજીક અંજારના રોટરી નગરના એક વૃધ્ધનો મૃતદેહ હ મળ્યો છે અને તેના મોતનુ પ્રાથમીક કારણ પણ ગરમીથી મોત થયાનુ સામે આવ્યુ છે. આમ બન્નેના મોત પાછળ આકરી ગરમી અને પાણી-ખોરાક ન મળવાથી તેના મોત થયા હોવાનુ પ્રાથમીક રીતે સામે આવતા આ વખતની ગરમી આકરી હોય તેમ લાગી રહ્યુ છે તો બે વ્યક્તિના મોત સાથે સનસ્ટ્રોક લાગવાના પણ અનેક કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે આ જીવલેણ ગરમી તમારા માટે પણ મુશ્કેલી ન વધારે તે માટે ના કેટલાક ઉપાયો અવશ્ય કરો જીલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી પી.પી.પાંડેએ વધેલી ગરમીને ધ્યાને લઇ એક પત્ર બહાર પાડ્યો છે. જેમાં ગરમીથી બચવાના ઉપાયો જણાવાયા છે. જે ગરમી સામે તમને રક્ષણ આપી શકે છે.
ગરમીથી બચવા આટલુ જરૂર કરજો
ઉનાળાની ઋતુમાં ભુજ શહેર સહિત કચ્છ જિલ્લાના તાલુકામાં બપોરે ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહયું છે અને લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહયા છે. લૂ લાગવાથી બચવાના ઉપાયો અંગે ગરમીના કારણે શરીર ઉપર વિપરીત અસરોથી બચવા માટે શકય તેટલું વધારે પાણી પીવું જોઇએ અને બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવું જોઇએ. ભારે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઉંચા સ્તર સુધી પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હિટ સ્ટ્રોકની પરિસ્થિતિ સર્જાય છે. વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનીકર્તા છે. ગરમીના વધારાના કારણે લૂ લાગવાના કેસો નોંધાઇ શકે છે. લૂ લાગવાના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે. જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યકિતના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે જેવી કે શરીર અને હાથ પગમાં અસહય દુખાવો, ખુબ જ તરસ લાગી, ગભરામણ થવી, ચકકર આવવા, શ્વાસ ચડવો, હદયના ધબકારા વધી જવા. ગરમીના સમયે પણ બપોરે મજુરી કરતા લોકોને લૂ લાગવાની શકયતાઓ વધુ રહેલી છે. લૂ લાગવાથી બચવા માટે શકય હોય તો બપોરના બહાર નિકળવાનું ટાળવું જોઇએ.
લૂ લાગવાના ઉપાયો અંગે ઉનાળા ઋતુ દરમ્યાન ખુલતા કપડા પહેરવા જોઇએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વડીલો, અશકત વ્યકિતઓએ તડકમાં ફરવું નહીં. દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઇએ. શકય હોય તો લીંબુનું સરબત બનાવીને પીવું જોઇએ. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાય તો અવારનવાર ભીના કપડાથી શરીર લૂછવું જોઇએ. ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું જોઇએ. માથાનો દુખાવો, બેચેથી, ચકકર, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ તથા ડોકટરની સારવાર લેવી જોઇએ. ઉનાળાની ગરમી અને લૂથી બચવાના પગલાઓ અંગે મુખ્ય અધિકારી ડો.પંકજકુમાર પાંડેની યાદીમાં જણાવાયું છે.