Home Current હવે જિલ્લા પંચાયત કરશે સાસુ-વહુ સંમેલન અને વાનગી હરીફાઈ : જાણો શા...

હવે જિલ્લા પંચાયત કરશે સાસુ-વહુ સંમેલન અને વાનગી હરીફાઈ : જાણો શા માટે?

1006
SHARE
રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર અનેકવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો કરે છે. પણ, ઘણીવાર તેનું અસરકારક પરિણામ મળતું નથી. આવા સમયે અસરકારક પરિણામ માટે અભિગમ બદલવો પણ પડે. કચ્છ જિલ્લા પંચાયત કુપોષણ સામે ના જંગ મા અસરકારક પરિણામ મેળવવા હવે અભિગમ બદલાવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી યુવાન અને ઉત્સાહી છે, કચ્છ મા થી તેમણે શરૂ કરેલી સનદી અધિકારી તરીકેની કામગીરી ને બહુ સમય નથી થયો. પણ, તેમણે દરેક વિભાગો ના સંકલન સાથે સરકારી યોજનાઓ ના અસરકારક અમલ માટે નોંધપાત્ર કામગીરી શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત કુપોષણ સામેના અભિયાન દરમ્યાન તેમણે કચ્છ માં આ માટે અનેકવિધ આયોજન ઘડી કાઢ્યા છે.

કચ્છમાં રોજ સરેરાશ ૧૦ નવજાત શિશુઓના મોત.. પણ કુપોષિત બાળકોની સંખ્યા વિશે અસમંજસ

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડે કહે છે કે કચ્છ માં વર્ષે સરેરાશ ૫૬ હજાર બાળકો જન્મે છે. તેમાંથી સરેરાશ ૮ ℅ નવજાત શિશુઓ મૃત્યુ પામે છે. એટલે કે, સરેરાશ રોજ ૧૦ બાળકો જન્મતા વેંત મૃત્યુ પામે છે, કચ્છમા નવજાત બાળકોના મૃત્યુ નો આ આંકડો વર્ષે ૪૦૦૦ આસપાસ છે. જોકે, મૃત્યુ ના કારણો ઘણાં હોઈ શકે છે, તેમાનું એક કારણ સગર્ભા માતા દ્વારા પોષણક્ષમ આહાર ન લેવાય તો પણ બાળકો નું મૃત્યુ થાય છે. જિલ્લાના આંગણવાડી નું સંચાલન સંભાળતા આઇસીડીએસ શાખા અને આરોગ્ય શાખાના અધિકારીઓની સયુંકત હાજરીમાં પત્રકારો સાથે વાત કરતા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે હવે કુપોષિત બાળકો ને શોધી કાઢવા સમગ્ર કચ્છના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોની તપાસણી નું અભિયાન હાથ ધરાશે. જેમાં તે બાળકની ઉમર અને તે ઉમર પ્રમાણે તે બાળકનું કેટલું વજન હોવું જોઈએ અને ખરેખર કેટલું વજન છે તેને આધારે કુપોષિત બાળક ની ગણતરી હાથ ધરાશે. અત્યારે કચ્છ જિલ્લાની ૨૧૧૬ આંગણવાડીઓનો ૧ લાખ ૭૦ હજાર બાળકો લાભ લે છે એવું કહેતા આઇસીડીએસ ના ઇન્ચાર્જ રવિરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અત્યારે જિલ્લા માં અબડાસા, લખપત, બન્ની અને રાપર વિસ્તાર મા કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. સમગ્ર જિલ્લામાં ૧૨૧૦ બાળકો કુપોષિત છે જેમાં ૩૬૮ અતિ કુપોષિત છે. આ બાળકો પૈકી ૧૯૦ બાળકોને અતિ કુપોષિત પરિસ્થિતિ માંથી બહાર લાવવામાં સફળતા મળી છે. જોકે, સર્વે નો વ્યાપ હવે વધારાશે એટલે કુપોષિત બાળકોની સંખ્યા ના આંકડા વધી શકે છે તેવું અધિકારીઓ પણ માને છે. પરંતુ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીનું માનવું છે કે આંકડો ભલે વધે પણ સહિયારા સઘન પ્રયત્નો થી કુપોષણ સામેનો જંગ લડીને એ જંગ જીતવો પડશે. કારણકે, આ સ્વસ્થ બાળકો આપણા દેશનું ભવિષ્ય છે.

શા માટે સાસુ-વહુ સંમેલન અને વાનગી હરીફાઈ?

કુપોષણ ના કારણે બાળકો મૃત્યુ પામે છે એવું નથી પણ ઘણીવાર ખોડ ખાંપણ વાળા પણ જન્મે છે. બાળકોના જન્મનો સમય ગાળો પ્રસૂતા માતા ના સ્વાસ્થ્ય માટે મહત્વનો છે. ડીડીઓ પ્રભવ જોશી કહે છે કે જિલ્લા પંચાયત દ્વારા દરેક તાલુકે સાસુ વહુ સંમેલન યોજવાનું અમારું આયોજન છે, જે સંમેલન દરમ્યાન અમે સાસુ વહુ બંને સાથે એ કાઉન્સેલિંગ કરીશું કે પ્રસુતિ દરમ્યાન પ્રસૂતા માતા પોષક આહાર લ્યે. અત્યારે સપ્ટેમ્બર માસ ના પ્રથમ અઠવાડિયામાં વડાપ્રધાન દ્વારા પ્રસૂતા માતાઓને આહાર માટે જાગૃત કરવા ‘માતૃવંદના’ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે. એ જ રીતે ઘરમાં નાના બાળકો ને પણ તૈયાર નાસ્તાના પેકેટો, સોફ્ટ ડ્રિંક્સ આપવાના બદલે પોષણ યુક્ત આહાર અપાય તે માટે પોષણ યુક્ત આહાર વિશેની સમજ આપવા વાનગી હરિફાઈનું પણ આયોજન કરીશું. ગામડાઓ મા ખાસ ‘પોષણક્ષમ ગ્રામસભા’ નું આયોજન કરી ગ્રામજનો ને જાગૃત કરાશે. આખરે જો બાળકો સ્વસ્થ હશે તો પરિવાર, સમાજ અને દેશ પણ સ્વસ્થ બનશે. આંગણવાડી માં અપાતા બે ટાઈમ ના આહાર માં પણ બાળકોને લીલા શાકભાજી ખાવા મળે એટલે હવે વનતંત્ર ની મદદ થી માં કીચન ગાર્ડન પણ બનાવશે આ માટે આંગણવાડીઓ મા પાણી ના જોડાણની સુવિધા પણ આપવાનું શરૂ કરી દેવાયું છે. સ્ટાફની ઘટ પુરવા ની દિશા માં પણ કામગીરી કરીને ૧૬૭ જેટલી નવી નિમણુંક કરી છે. જાગૃતિ અભિયાન અંતર્ગત કિશોરી તાલીમ દ્વારા પણ સગીર કન્યાઓને પૌષ્ટિક આહાર વિશે સમજ આપવા ના પ્રયાસો સઘન બનાવાશે. એ જ રીતે મધ્યાહન ભોજન મા સ્વાસ્થ્યપ્રદ આહાર મળે તેની તકેદારી પણ રખાશે.

ગોલ્ડ મેડાલીસ્ટ IAS ઓફિસર પ્રભવ જોશી સ્કૂલ વિઝીટ દરમ્યાન શા માટે મધ્યાહ્નન ભોજનમા જમે છે?

કુપોષણ સામેનો જંગ લડવા સામાજિક જાગૃતિ પણ જરૂરી છે. ડીડીઓ પ્રભવ જોશીએ કહ્યું હતું કે આંગણવાડી મા સંચાલિકા બહેન હોય કે પછી શાળા માં દરરોજ એક શિક્ષક જો બાળકોની સાથે જમે તો ભોજન ની ગુણવત્તા મા ક્યાંય અધૂરાશ હોય તો ખ્યાલ આવે. પોતે સ્કૂલ વિઝીટ દરમ્યાન બાળકો સાથે મધ્યાહ્નન ભોજન મા જમતા હોવાનું આ ગોલ્ડમેડાલિસ્ટ IAS ઓફિસરે કહ્યું હતું. જોકે, આ વાત પોતે પ્રચાર માટે નથી કહેતા એવું કહેતા ડીડીઓ પ્રભવ જોશીએ વાલીઓ ને સ્કૂલ મેનેજમેન્ટ કમીટી ના સભ્યોને અપીલ કરી હતી કે પરિવાર માં આવતા ખુશી ના પ્રસંગોએ સરકારી સ્કૂલના બાળકોને આપણે સ્વાસ્થ્યપ્રદ ભોજન જમાડીએ તો બાળકો પણ ખુશ થશે અને આપણને પણ સારું કામ કર્યાનો સંતોષ થશે. કચ્છમા કુપોષિત બાળકો માટે 11 NRC ન્યુટ્રીશ્યન રિહેબીલીટેશન સેન્ટર પણ કાર્યરત છે અહીં નબળા બાળકોને દાખલ કરી સ્વાસ્થ્યવર્ધક ભોજન અપાય છે. જોકે, જાગૃતિ ને અભાવે તેનો લાભ પ્રમાણમાં ઓછો લેવાય છે. કચ્છ જિલ્લા પંચાયત દ્વારા બાળકો માટે પોષણક્ષમ આહારની જાગૃતિ નું અભિયાન માત્ર એક મહીના પૂરતું નહી પણ કાયમી ચાલે તે માટે સરકાર વતી ડીડીઓ પ્રભવ જોશીએ બાળકોના વાલીઓ, ગ્રામજનો સહિત સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગો અને સમાજને સહકાર આપવાની અપીલ કરી છે.