ખાનગી ટયુશન કલાસ વિરુદ્ધ ભુજ મા થયેલી કાયદાકીય કાર્યવાહી બાદ આજે વિધાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. રસ્તા રોકો આંદોલન સાથે હાથ માં બેનરો સાથે વિદ્યાર્થીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નો અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ એ પોતાનો વિરોધ સૂત્રોચ્ચાર સ્વરૂપે, રેલી સ્વરૂપે અને લેખિત રજુઆત સ્વરૂપે વ્યક્ત કરીને સરકાર તેમ જ શિક્ષણ વિભાગ સામે સવાલો કર્યા છે.
અમારા ભવિષ્ય સાથે ચેડાં ન કરો..
દેખાવો બાદ જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ પાસે પહોંચેલા વિદ્યાર્થીઓએ તેમની પાસે પોતાના સવાલો ની ચર્ચા કરી હતી. અત્યારે સરકાર દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓની કોમ્પિટીટીવ એક્ઝામ લીધા બાદ જ એન્જીનીયરીંગ, મેડીકલ અને વિજ્ઞાન પ્રવાહ માં આગળ ની કારકિર્દી માટે પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ ને શાળાઓ માં તો કોમ્પિટીટીવ એક્ઝામ નું કંઈ પણ ભણાવાતું નથી. તો અમે વિધાર્થીઓ કરીએ શું? વિધાર્થીઓ એ સીધે સીધી વાત કરી હતી કે કાં તો સરકાર ને કહો NEET, JEE, GUJCET, AIMES જેવી કોમ્પિટીટીવ એક્ઝામ બંધ કરે અથવા તો શાળાઓ માં કોમ્પિટીટીવ એક્ઝામ નું શિક્ષણ આપે. અત્યારે ધોરણ ૧૨ નું વર્ષ વિદ્યાર્થીઓ માટે કારકીર્દી નું મહત્વ નું વર્ષ છે. ત્યારે, ખાનગી ટયુશન સામે ની કાર્યવાહી થી અમારા શિક્ષણ ને અસર પહોંચી રહી છે. આ વિદ્યાર્થીઓ હિમાંશુ બારોટ પાસે ટયુશન લેનાર વિધાર્થીઓ હતા. પણ, તેમણે કાયદા ની પ્રક્રીયા ને આવકારી અને કહ્યું અમને વૈકલ્પિક ભણવાની વ્યવસ્થા કરી આપો પછી ટયુશન પ્રથા બંધ કરાવો. જોકે, આ વિદ્યાર્થીઓએ એવી પણ રજુઆત કરી હતી કે સરકારી શાળા સાથે સંકળાયેલા શિક્ષકો ખાનગી ટયુશન આપતા અન્ય શિક્ષકોની તુલનાએ સારું ટયુશન ભણાવી શકે છે.
શિક્ષણાધિકારીએ પણ માન્યું કે વિદ્યાર્થીઓ સાચા છે,પણ…
વિદ્યાર્થીઓ ની રજુઆત ને પગલે જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે તેમને સમજાવ્યું હતું કે, રાજ્યભર મા કાયદો છે કે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળા ના શિક્ષકો ખાનગી ટયુશન ભણાવી શકતા નથી. તો તેમણે એ વાત પણ માનવી પડી કે કોમ્પિટીટીવ એક્ઝામ નું શિક્ષણ કોઈ શાળાઓ દ્વારા અપાતું નથી. પણ હવે જિલ્લા શિક્ષણ કચેરી કચ્છ ની ઉચ્ચ માધ્યમિક શાળાઓ ના આચાર્યો સાથે બેઠક યોજી ને એક અઠવાડિયા માં કોમ્પિટીટીવ એક્ઝામ ના માર્ગદર્શન માટે આયોજન કરશે.
વાસ્તવિકતા શું છે? જે નિષ્ણાત છે તેઓ જ ખાનગી ટયુશન માં વ્યસ્ત છે..
ખરેખર વાસ્તવિકતા એ છે કે ભુજ માં વિજ્ઞાન પ્રવાહ નું મેથ્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી નું ટયુશન કરાવતા શિક્ષકો ગણ્યા ગાંઠ્યા છે અને તેઓ સરકારી તેમ જ ગ્રાન્ટેડ સ્કૂલ સાથે જ સંકળાયેલા છે. એકાદ શિક્ષક કે શિક્ષિકા નોકરીને બદલે માત્ર ટયુશન જ કરાવે છે. આવી પરિસ્થિતિ માં ટયુશન ની મલાઈદાર આવક જતી કરીને વિદ્યાર્થીઓ ને માત્ર નૈતિકતા સાથે નિસ્વાર્થ પણે ભણાવવા એ કપરું કામ છે. જુની પેઢી ના માસ્તરો નો યુગ હવે નથી રહ્યો.