Home Social ‘મેળાવો’ ૩માં મળીએ શ્રી ઈશ્વરભાઈ રાજારામભાઈ સોલંકી વાદ્યના ડોકટરને

‘મેળાવો’ ૩માં મળીએ શ્રી ઈશ્વરભાઈ રાજારામભાઈ સોલંકી વાદ્યના ડોકટરને

1413
SHARE
ધૈર્ય છાયા દ્વારા: ફેસબુક અને ન્યૂઝ બેઝ વેબસાઈટ https://news4kutch.in/ ‘ના માધ્યમથી દર રવિવારે પ્રસિદ્ધ થતી ઈ કૉલમ ‘મેળાવો’ના એપિસોડમાં સ્વાગત. ‘મેળાવો’ના ૩માં મળીએ શ્રી ઈશ્વરભાઈ રાજારામભાઈ સોલંકીને.. રાજવી સમયમાં ‘ઢાલ’ બનવતો એમનો પરિવાર આજે ઢોલ અને ‘તાલ’ બનાવી આપે છે.. હા.. સંગીતના વાદ્યો. ભુજ કચ્છ કે સૌરાષ્ટ્રમાં સંગીત ક્ષેત્રના કોઈ પણ કલાકાર હોય રાજારામભાઈનું નામ પ્રચલિત છે. મારા સસરા પક્ષના એટલેકે બુચ પરિવારના ગૌરવ અને સંગીત ક્ષેત્રે પ્રગતિ કરી છે એવા મારા સાળા  તસ્મિન રમેશભાઈ વોરાએ કરાવી આપ્યો આજનો ‘મેળાવો’. આજે પણ તબલા, ઢોલ કે હાર્મોનિયમ લેવા હોય કે રિપેરિંગ કરવા હોય.. રાજારામભાઇની દુકાને જઈએ છીએ એમ જ કહેવાય છે. એક સમયે તો એવું કહેવાતું કે લોકોના સેવાભાવી ડોક્ટર એટલે ડૉ. રાજારામભાઇ અને તબલાના ડોક્ટર એટલે રાજારામભાઇ.
ચાર ચાર સદીઓથી તબલા બનાવવા અને રિપેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ઢાલગરા ડબગર જ્ઞાતિના સ્વ. રાજારામભાઇ મુળજીભાઈ સોલંકીના પરિવારથી. મૂળે રાજસ્થાનના રાજપૂત જ્ઞાતિનું ઢાલગરા ડબગર પરિવાર સંગીત વાદ્યો બનાવવા અને રિપેરિંગ કામ સાથે જોડાયેલી છે. લડાઈઓ વખતે રાજાને તલવારની સાથે ઢાલની જરૂર પડતી.. ત્યારે આ પરિવાર ઢાલ બનાવી આપતું.. સમયાંતરે ઢાલના સ્થાને તાલ બનાવી આપવામાં માહિર બની છે.
કચ્છ સૌરાષ્ટ્રમાં કોઈ એવું નહિ હોય કે ચાર સદીઓથી એકજ વ્યવસાય સાથે સંકળાયેલા રાજારામભાઇના પરિવારને ઓળખતા ના હોય.
રાજકોટના વતની એવા આ સોલંકી પરિવારે ૧૯૫૨માં કચ્છમાં આગમન કર્યું., સ્વ. રાજારામભાઇ મુળજીભાઈ સોલંકી કચ્છ આવ્યા એના નિમિત્ત બન્યા ભુજ તાલુકાના નારાણપર ગામનું સ્વામિનારાયણ મંદિર અને ત્યાંના બાવા પૂજ્ય જીવણપુરીજી. તેઓ રાજારામભાઇને ત્યાં રાજકોટ તબલા ખરીદવા કે રિપેરિંગ કરવા કે ખરીદવા જતા. એ દરમ્યાન કચ્છ આવવા નોતરું અપાયું અને સૌ પ્રથમ નારાણપર ગામે તબલાં રિપેરિંગનું કામ શરુ કર્યું. સમયાંતરે ભુજ કબીર મંદિર દ્વારા તબલાં રિપેરિંગનું કામ મળતું.. અને ભુજના ઓટલા ઉપર બેસી તબલાં રિપેરિંગનું કામ શરુ કર્યું. આજે પ્રભુ અને વડીલોના આશીર્વાદથી ભુજના પાળેશ્વર ખાતે ત્રણ દુકાનો કાર્યરત છે જેમાં વાદ્યોનું રિપેરિંગ કામ અને વેચાણ થઇ રહ્યું છે.
સ્વ. રાજારામભાઈના બંને પુત્રો પૈકી ઈશ્વરભાઈ અને જીતેન્દ્રભાઈ પણ આજ વારસો ટકાવ્યો છે તો ઈશ્વરભાઈના બંને સુપુત્રો કલ્પેશ અને મોહિત તેમજ જીતેન્દ્રભાઈનો સુપુત્ર રાજ પણ વારસો ટકાવી રાખવા કટીબઘ્ધ છે. સંગીતના વાદ્યો બનાવનારા આ પરિવાર ખાસ સંગીત શીખ્યા નથી.. પરંતુ લોહીમાં, વારસામાં જે કળા આવી એમાંથી ગાવા અને વગાડવા વાળા ક્યા સુર તાલમાં છે એ પારખી લે છે. ઈશ્વરભાઈ ૧૩-૧૪ વર્ષના હતા ત્યારથી જ સ્વ. રાજારામભાઇ પાસેથી તાલીમ મેળવતા આવ્યા છે. સૌ પહેલા માટીના તબલાં બનાવતા. કુંભાર માપ પ્રમાણે બનાવી આપે એ પછી ઉપર સહી ચડાવી તાલ ગોઠવવાનું કામ ‘રાજારામ’ પરિવારનું. એ પછી જીવારી તબલાં એ પછી બાયું અને ભોટણ જેવી જાતો બની. માટી, ત્રામ્બા અને લાકડાના વિવિધ જાતના તબલાં બનાવ્યા. રાજવી સમયમાં પખવાજ હતા.. એ પરથી તબલાંની ઉત્પત્તિ થઇ. સ્વ. રાજારામભાઇ ના પિતાશ્રી સ્વ. મુળજીભાઈ અને એમના પણ પિતાશ્રી સ્વ. ધનાબાપા પણ તબલાંના વ્યવસાય સાથે સંકળાયેલા હતા એ રીતે ચાર સદીઓથી સતત સંગીત અને કલાકારો સાથે જોડાયેલા રહયા છે. ભજન અને ઓરરક્રેસ્ટ્રા ક્ષેત્રે સંકળાયેલા લગભગ તમામ કલાકારો આજેય પણ રાજારામ પરિવાર સાથે નાતો અતૂટ રાખ્યો છે. પૂજ્ય નારાયણસ્વામી કબીર મંદિરના દર્શને આવ્યા ત્યારે સ્વ. રાજારામભાઇ પાસે ‘મેળાવો’ કરતા.
૭૧ના યુદ્ધ વખતે થોડી પરિસ્થિતિ પર અસર પડી. બ્લેકઆઉટ વખતે લગભગ ભુજ ખાલી જેવું થતું હતું ત્યારે વારસાગત ચાલતા આ વ્યવસાય પર કેવી અસર પડશે ? એવો પ્રશ્ન ઉભો થયો હતો કચ્છ છોડી મુંબઈ જવું પડશે એવી ચર્ચા ઘરમાં થઇ. ત્યારે કબીર મંદિરના પૂજ્ય શ્યામદાસ સાહેબ અને મિત્ર દેવકૃષ્ણ શુક્લજીએ સ્વ. રાજારામભાઇ પરિવારને મંદિરમાં આસરો આપ્યો અને પરિસ્થિતિ બદલતા રહી ગઈ. તેઓના પરિવારે ભુજના વ્યાયામશાળા ખાતે મકાન બનાવ્યું છે. નૂતન મકાન બન્યું તે જ અરસામાં પાળેશ્વર સ્વામિનારાયણ મંદિરનો મહોત્સવ વ્યાયામશાળામાં યોજાયો હતો જેનો કોઠાર એમના ઘરે રાખવો એવું નક્કી કરાયું હતું.. આમ એ પ્રસાદી ઘર છે.
આજે શ્રી ઈશ્વરભાઈ રાજારામભાઇ સોલંકી રાસના તબલાં, ભજન, સુગમ – શાસ્ત્રીય સંગીતના તબલાં રિપેરિંગ પણ કરે છે અને વેચાણ પણ કરે છે. પંજાબી, દિલ્હી, કલકત્તાના હાર્મોનિયમ પણ. સાથે રિધમને લગતાં દરેક વાદ્યો. ઈશ્વરભાઈના મતે આ કાર્યમાં એકાગ્રતા મુખ્ય ભાગ ભજવે છે. પર્યટન સ્થળ આયના મહેલ જવાના રસ્તે જ એમની ત્રણ દુકાનો આવેલી છે.. ચહેલ પહેલ વાળા વિસ્તારમાં એકાગ્રતાપૂર્વક કાર્ય કરે છે., તબલાં બનાવતી વખતે મૂળે સહી ચડાવતા ત્રણ કલાકથી વધુ સમય લાગે.. ખુબ મહેનતનું કામ. સહી થી જ તાલ આવે. કલકતામાં આજેય પણ માટીના બનાવટના તબલાંનો ઉપયોગ થાય છે. ઈશ્વરભાઈએ છેલ્લી ત્રણ પેઢી થી ઉપયોગ કરાતી ૧૫૦ વર્ષ જૂની હથોડીના દર્શન કરાવ્યા. એમનું પૂજન કરાય છે.
તબલાંની સાથે ઢોલનું પણ સારું કામ ચાલી રહ્યું છે. પંજાબી ઢોલ, કચ્છી ઢોલ, દેશી ઢોલ પણ બનાવી આપે છે. ભારતમાં મુખ્યત્વે દેશી ઢોલનો જ ઉપયોગ કરવામાં આવે છે. આકાશવાણી ભુજ દ્વારા વખતો વખત ટાઉનહોલમાં કાર્યક્રમો યોજાતા. જેમાં દેશના નામી કલાકારોની અવરજવર રહેતી.. સ્વ. રાજારામભાઇને ખાસ પાસ આપવામાં આવતો ત્યારે કલાકારો રાજારામભાઇની દુકાનની અવશ્ય મુલાકાત લેતા. પશ્ચિમી સંગીતના વધતા જતા ક્રેઝ સામે ભારતીય સંગીતની પણ એટલીજ બોલબાલા છે તેવું શ્રી ઈશ્વરભાઈ રાજારામભાઇ સોલંકીએ ઉમેર્યું હતું. સાચે જ ભારતીય સંસ્કૃતિને સાચવી બેઠેલા ‘રાજારામ પરિવાર’ને ધન્યવાદ.