Home Current ભુજ પાલિકાએ આપેલ ૧૫ લાખનો કોન્ટ્રાક્ટ ગેરકાયદે – ઝોન કમિશનરે ચુકાદામાં શાસકોના...

ભુજ પાલિકાએ આપેલ ૧૫ લાખનો કોન્ટ્રાક્ટ ગેરકાયદે – ઝોન કમિશનરે ચુકાદામાં શાસકોના પકડ્યા કાન

1955
SHARE
ભુજ નગરપાલિકા દ્વારા કરાતા ઠરાવો અને વિવાદ એ સિક્કા ની બે બાજુઓ છે. જોકે, શાસક પક્ષ ભાજપ સામે વિપક્ષ કોંગ્રેસ ‘વહીવટ’ ના મુદ્દે હમેંશા આક્ષેપો કરે છે,પણ તેની સામે કાયદાકીય પડકાર ન થતા આક્ષેપો રાજકીય બની જાય છે. દરમ્યાન કોંગ્રેસના યુવા આગેવાન હાસમ સમા એ ન્યૂઝ4કચ્છ ને આપેલી માહીતી પ્રમાણે તેમના પત્ની અને કાઉન્સિલર મરિયમબેન સમા અને નગરસેવક કાસમ સમા એ ભુજ પાલિકાના શાસકો દ્વારા કરાયેલ ઠરાવો ને પડકારતા ઝોન કમિશનર દ્વારા કલમ ૪૫ ડી હેઠળ ટેન્ડર વગર અપાયેલ ઠરાવને રદ કરવાનો ચુકાદો આપ્યો છે.

ત્રણ ઠરાવો, મોટર રીપેરીંગ, પાણી ટેન્કરના કોન્ટ્રાક્ટ અને ભારાપર બોર મેન્ટેનન્સ સામે ફરિયાદ

રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા વિરુદ્ધ ની ફરિયાદો માટેની સતા કલેકટરને બદલે ઝોન કક્ષાએ રાજકોટ પ્રાદેશિક કમિશનર ને અપાયા બાદ કચ્છ માટેનો પ્રથમ ચુકાદો ભુજ પાલિકાના કેસનો આવ્યો છે. વોર્ડ નંબર એક ના નગરસેવક મરિયમબેન સમા અને કાસમ સમા એ ભુજ નગરપાલિકા ની અગાઉની બોડી દ્વારા ગત તા/૧૧/૧૦/૨૦૧૭ ની સામાન્ય સભા માં કરાયેલ ૩ ઠરાવો નંબર ૧૧૬, ૧૧૭ અને ૧૪૧ ટેન્ડર પ્રક્રિયાનો ભંગ કરાયો હોઈ રદ કરવા દાદ માંગવામાં આવી હતી. જેમાં ઠરાવ નંબર ૧૧૬ મા એરપોર્ટ સમ્પ ઉપરની મોટર માટે કરાયેલ ખર્ચ ₹ ૧,૮૨,૯૮૪ પાણી પુરવઠા બોર્ડ ને બદલે ભુજ નગરપાલિકાએ કેમ કર્યો? તે સિવાય ઠરાવ નંબર ૧૧૭ માં ભારાપર પાણી યોજના ના ૬ બોર માટે ટેન્ડર વગર અપાયેલ વાર્ષિક ૧૫ લાખ ₹ ના કોન્ટ્રાકટ વિરુદ્ધ તેમ જ ઠરાવ નંબર ૧૪૧ માં પીવાના પાણીના ટેન્કર માટે ૧૦ લાખ ₹ માં અપાયેલ કોન્ટ્રાક્ટ નિયમ નો ભંગ કરી અપાયો હોવાની ફરિયાદ કરાઇ હતી.

૫ હજાર થી વધુ રકમની સરકારની ગ્રાન્ટ નો ઉપયોગ કરવા ટેન્ડર જરૂરી

નગરપાલિકા રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર ગૌરાંગ મકવાણાએ ત્રણ પૈકી ના એક ઠરાવ ને નિયમ વિરૂદ્ધ ગણાવીને રદ કરવાનો હુકમ કર્યો છે. ઠરાવ નંબર ૧૧૭ મા ભારાપર પાણી યોજના ના ૬ બોરની ફસાયેલી મોટરને બહાર કાઢવા અને સફાઈના મેન્ટનસ માટે મનજી રામજી ખેતાણી ને અપાયેલ વાર્ષિક ૧૫ લાખ ₹ નો કોન્ટ્રાકટ રદ કરવાનો હુકમ કર્યો છે. ચુકાદામાં સ્પષ્ટપણે એવું જણાવાયું છે કે, સરકારશ્રી ની ગ્રાન્ટ માં થી જો ૫ હજાર થી વધુ રકમનો ખર્ચ કરવાનો થાય તો નગરપાલિકા અધિનિયમ ની કલમ ૪૫ ડી હેઠળ કરી શકાય નહીં. આ ચુકાદા સંદર્ભે નગરસેવક કાસમ સમાએ ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું કે, ૧૫ લાખ ₹ મનજી રામજી ખેતાણી પાસે થી અથવા તો આ કોન્ટ્રાકટ જેમણે ગેરકાયદેસર આપ્યો છે તેમની પાસે થી નૈતિકતાના ધોરણે વસૂલવા જોઈએ. હવે, કલમ ૪૫ ડી હેઠળ ટેન્ડર વગર પાલિકાના શાસકો દ્વારા મનમાની રીતે અપાતા કોન્ટ્રાકટ અટકશે.