વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેડિયો દ્વારા કરાતી ‘મન કી બાત’ માં કચ્છ છવાયેલું રહ્યું. ‘મન કી બાત’ ના પોતાની ૫૦ મી રેડિયો ટોક માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખપત ની સાથે કચ્છને ખાસ યાદ કર્યું હતું. તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વળતો પ્રતિસાદ આપતા કચ્છી માડુઓ એ સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ એકઠા થઈને ‘મન કી બાત’ નું પ્રવચન ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું. ભુજ ના નારાણપર ગામે સાંસદ વિનોદ ચાવડાની ખાસ ઉપસ્થિતિ માં ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ હરીશ ભંડેરી, ઉપપ્રમુખ હિતેશ ખંડોર, કચ્છ ભાજપ ના આગેવાનો શૈલેન્દ્રસિંહ જાડેજા, રાહુલ ગોર, ધનજી ભુવા સહિત આસપાસના ગામો ના સરપંચો અને વિશાળ સંખ્યા માં એકઠા થયેલા ગ્રામજનોએ રેડિયો ઉપર ‘મન કી બાત’ સાંભળી હતી. તો, સમગ્ર દેશમાં કચ્છ નું નારણપર (ભુજ) છવાયું હતું, તેનું કારણ દૂરદર્શન ઉપર નારણપર માં ‘મન કી બાત’ સાંભળતા કચ્છી માડુઓ નું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું. દૂરદર્શન દિલ્હી ની ટીમ દ્વારા દેશના પશ્ચિમ ભાગ માં આવેલા સરહદી કચ્છ જિલ્લા નું ખાસ કવરેજ કરીને ‘મન કી બાત’ ની લોકપ્રિયતા દર્શાવાઇ હતી. જોકે, સવારે ૧૦/૩૦ થી ૧૧/૩૦ સુધી ચાલેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ ના રેડિયો પ્રવચન દરમ્યાન વચ્ચે લાઈટ ગુલ થતા ૧૦ થી ૧૫ મિનિટ વિક્ષેપ સર્જાયો હતો. પણ, ફરી તરત જ પ્રસારણ પૂર્વવત થઈ ગયું હતું. લોકોએ વારંવાર વડાપ્રધાન મોદીની તાળીઓ થી વધાવી ને કાર્યક્રમ ને જીવંત બનાવી દીધો હતો.
PM મોદીએ લખપત વિશે અને કચ્છ માટે શું કહ્યું?
‘મન કી બાત’ ની આ રેડિયો ટોક ૫૦ મી હોવાનું કહેતા વડાપ્રધાન મોદીએ પોતાના આ કાર્યક્રમને યાદગાર ગણાવ્યો હતો. રેડીયોની સાથે દૂરદર્શન ઉપર પણ જીવંત પ્રસારિત થતા ‘મન કી બાત’ ના કાર્યક્રમ દ્વારા પોતે સમગ્ર દેશ ના લોકો સાથે જોડાયેલા રહેતા હોવાનું કહેતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ઘણી વખત તેમને લોકો માં થી પ્રેરણા મળી છે. લોકો ‘મન કી બાત’ સાંભળી ને પોતાને પત્ર લખે છે,અને પોતે દરેક પત્ર વાંચે છે એવી લાગણી વડાપ્રધાને વ્યક્ત કરી હતી. ખાસ કરીને હમણાં જ ગયેલી દેવદિવાળી અને ગુરુ નાનક જ્યંતી ના સંદર્ભે નરેન્દ્ર મોદીએ લખપત ના ઐતિહાસિક ગુરુદ્વારાને યાદ કર્યું હતું. પોતાના મુખ્યમંત્રી તરીકે ના કાર્યકાળ દરમ્યાન લખપત ના ગુરુદ્વારા નું સમારકામ થયું અને આજે દેશભરમાં થી લોકો તેના દર્શને આવે છે એવું કહેતા મોદી એ જાહેરાત કરી હતી કે આવતા વર્ષે ગુરુ નાનક જ્યંતી પ્રસંગે દેશભરમાં ખાસ ઉજવણી કરાશે અને લખપત મધ્યે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન થશે. વડાપ્રધાને કચ્છ ના ટુરિઝમ ને પણ ખાસ યાદ કર્યું હતું અને કચ્છ પ્રત્યેનો પોતાનો વિશેષ લગાવ ફરી એકવાર દર્શાવ્યો હતો.