માદરે વતન કચ્છ માટે હમેશાં કચ્છી માડુઓને અનેરી લાગણી રહી છે એ હકીકત ફરી એકવાર મુંદરા તાલુકાના રામાણિયાના યુવાનોએ ચરિતાર્થ કરી છે. રામાણિયા મુંબઈ મહાજનના યુવા ટ્રસ્ટી વિનય ગાલા ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહે છે કે, વતન રામાણિયા થોડા દિવસ રહ્યા તે દરમ્યાન ગૌમાતાના મોત ના બે અલગ અલગ દ્રશ્યો નિહાળીને અમને સૌ યુવાનોને આઘાત લાગ્યો. (૧) દુષ્કાળ હોઈ ગામ માં રખડતી છોડી દેવાયેલી ગાયો, વાછરડાઓ અને નંદી ભૂખ અને તરસના કારણે રોજ એક બે, એક બે ના મોત થઈ રહ્યા હતા. (૨) ખોરાકમાં પ્લાસ્ટિકની થેલીઓ આવી જતા ધીરે ધીરે ખોરાક પચાવી નહીં શકતા ગૌવંશના પ્લાસ્ટિક ના કારણે થઈ રહેલા મોત. અમારા સૌનું હૃદય દ્રવી ઉઠ્યું, સૌને થયું આપણે ગૌમાતા ઓ ને બચાવવા કંઇક કરવું જોઈએ. રામાણિયા મુંબઈ જૈન મહાજન ના પ્રમુખ પ્રેમજી શિવજી રાંભિયા, મંત્રી નિલેશ મણિલાલ રાંભિયા અને અન્ય ટ્રસ્ટીઓ એ રામાણિયા ના પૂર્વ સરપંચ અનોપસિંહ જાડેજા, મુકેશ છેડા વર્તમાન સરપંચ ક્રિષ્નાબા બળવંતસિંહ ગોહિલ અને સ્થાનિકના અન્ય ગ્રામજનો સાથે મળીને બે તબક્કાઓ સાથે ગૌમાતાઓને બચાવવાનું આયોજન ઘડી કાઢ્યું. પૂર્વ સરપંચ મુકેશ છેડાએ આ આયોજન વિશે ન્યૂઝ4કચ્છ ને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગામ માં તરછોડી દેવાયેલા અશક્ત, નિરાધાર ગૌવંશ ને બચાવવા માટે થોડું લાંબા ગાળાનું આયોજન થાય તે જરૂરી હતું અને અમે સૌએ ઢોરવાડો શરૂ કરવાનું વિચાર્યું. સર્વે કર્યો તો નાનકડા રામાણિયા ગામ માં જ તરછોડી મુકાયેલા ગૌવશની સંખ્યા અંદાજિત ૩૦૦ જેટલી થઈ ગઈ. ઢોરવાડો શરૂ પણ કરી દીધો પણ તેની સાથે પ્લાસ્ટિક થી ગાયો ના થતા મોતને અટકાવવા અમે ગામ માં થી પ્લાસ્ટિક થેલીઓ વપરાશ બંધ કરવાનું અભિયાન પણ શરૂ કર્યું. વિનય ગાલા કહે છે કે, ગામ લોકોનો વતન પ્રેમ જાગી ઉઠ્યો અને મુંગા અબોલ પશુઓ ને બચાવવા જીવદયા અને કરુણા ની લાગણી વહેતી થઈ. માત્ર એક જ કલાક મા ૨૫ લાખ ₹ એકઠા થઇ ગયા. જોકે, અછત નો સમય કપરો હોઈ હજી વધુ ફંડ માટે અમે ગામ ના અન્ય આગેવાનો નો સંપર્ક કરી વધુ આર્થિક સહયોગ મેળવીશું.
ઢોરવાડા મા પૌષ્ટિક આહાર, પશુ ડોકટર અને નવકારમંત્ર ની ધૂન
મુંગા પશુઓ ભલે ને નિરાધાર હોય પણ તેમને શ્રેષ્ઠ સુવિધા મળે તેવું આયોજન રામાણિયા ના યુવાનોએ કર્યું છે. દરરોજ સૂકા અને લીલો ચારાનું નિરણ કરાય છે. ભૂખમરા ના કારણે અશક્ત થઈ ગયેલા ગૌવંશ માટે દરરોજ પશુ ડોકટર નું ચેક અપ, પીવા માટે પાણી ના હવાડા, સતત નવકારમંત્ર ની ધૂન તેમ જ દિવસ રાત ઢોરવાડા માં સેવા આપતા સ્વંયસેવક ગૌપ્રેમીઓ સાથે ગૌરક્ષા નું આ અભિયાન શરૂ થઈ ગયું છે. તેની સાથે સાથે આખાયે રામાણિયા ગામ માં પ્લાસ્ટિક થેલી ને કારણે બેહાલ થતી અને ધીરે ધીરે મૃત્યુના મુખમાં ધકેલાતી ગાયોના પોસ્ટરો લગાવાયા છે. સમગ્ર રામાણિયા ગામ માં પ્લાસ્ટિક થેલી નો વપરાશ મોટે ભાગે બંધ થઈ ગયો છે. પ્લાસ્ટિક અંગે વિનય ગાલા કહે છે કે, આપણે જો સાચા ગૌપ્રેમી હોઈએ તો તાત્કાલિક પ્લાસ્ટિક થેલીઓ નો વપરાશ બંધ કરવો જોઈએ અને તે માટે જન જાગૃતિ ઝુંબેશ શરૂ કરવી જોઈએ. વિનયભાઈ ની આ વાત મુદાની છે અને આપણે સૌએ એ દિશામાં વિચારવાની જરૂરત છે. જોકે, પ્લાસ્ટિક જાગૃતિની સાથે રામાણિયાના યુવાનોએ પોતાના ગામના મુંગા પશુઓને બચાવવા આદરેલ ગૌરક્ષા અભિયાનને પણ બીજા ગ્રામજનો અનુસરે વર્તમાન દુષ્કાળના સમયની માંગ છે.