રવિવારે રાત્રે કેન્દ્રીય ચૂંટણી પંચે વર્તમાન કેન્દ્ર સરકારની ૨૦૧૯ માં પાંચ વર્ષના શાસનની પૂર્ણ થઈ રહેલી મુદ્દતને પગલે લોકસભાની ચૂંટણી ની જાહેરાત કરી. જેને પગલે રાજ્ય અને જિલ્લામાં વહીવટીતંત્ર ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત બની ગયું છે. જો, આપ ૨૦૧૯ની વર્તમાન લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાના હો તો, ન્યૂઝ4કચ્છનો આ વિશેષ રિપોર્ટ આપને વાંચવો અવશ્ય ગમશે જ. આ રિપોર્ટમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે કચ્છ જિલ્લા ને લગતી આંકડાકીય માહિતીની સાથે વહીવટીતંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે કાર્યરત કરાયેલી નવી સુવિધા તેમ જ ઉમેદવારો ઉપર લગામ કસતી આચારસંહિતા વિશેની રસપ્રદ માહિતી છે.
ફોર્મ ભરવા અને મતદાન વચ્ચે ખૂબ જ ટૂંકો ગાળો હોઈ ઉમેદવાર માટે પ્રચાર પ્રસારનો પડકાર?
કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અનુસાર ગુજરાતનો સમાવેશ ત્રીજા તબક્કામાં છે. એટલે કચ્છમાં મતદાનની તારીખ ૨૩ મી એપ્રિલ મંગળવાર રહેશે અને ચૂંટણીનું પરિણામ બરાબર એક મહિના પછી ૨૩ મી મે ના જાહેર થશે. જોકે, સૌથી મોટી સમસ્યા ઉમેદવાર માટે પ્રચાર પ્રસારની રહેશે. આમ નિયમ અનુસાર ૨૮/૩/૨૦૧૯ ના ચુંટણીનું જાહેરનામુ બહાર પડે એટલે ઉમેદવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. લોકસભાની ચૂંટણી લડવા માંગતા રાષ્ટ્રીય કક્ષાના મોટા રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારના નામ મોટાભાગે છેલ્લી ઘડીએ જાહેર કરાતા હોઈ ૨૮ મી માર્ચે અથવા તો ફોર્મ ભરવાના છેલ્લા દિવસની તાણખેંચને પગલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૪ એપ્રિલ ના ઉમેદવાર નું ચિત્ર ક્લિયર થશે. એટલે ઉમેદવાર માટે કચ્છ અને મોરબી જેવા મોટા લોકસભા વિસ્તાર માટે ચૂંટણીના પ્રચાર પ્રસાર નો ગાળો માંડ માંડ ૧૫ થી ૨૦ દિવસનો રહેશે. કચ્છ અને મોરબી ના કુલ ૭ વિધાનસભા વિસ્તારોમાં બે થી ત્રણ અઠવાડિયામાં ફરી વળવાનું કામ ઉમેદવાર માટે ખૂબ જ પડકાર ભર્યું રહેશે. ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ ૮ મી એપ્રિલ છે.
મહિલા મતદારોની સંખ્યા ૮ લાખ ને પાર
કચ્છ લોકસભા બેઠક માં મતદારોની આંકડાકીય માહિતીની વાત કરીએ તો કચ્છ ની ૬ વિધાનસભા બેઠકો ઉપર ૭,૬૫,૨૫૩ પુરુષ અને ૭,૦૧૯,૧૯ મહિલા મતદારો મળીને કુલ ૧૪,૬૭,૧૮૭ મતદારો છે. પણ, મોરબી વિધાનસભા બેઠકનો સમાવેશ કચ્છની લોકસભા બેઠકમાં થતો હોઈ તે વિસ્તારના મતદારોની સંખ્યા ઉમરીએ તો મોરબીના ૧,૩૭,૮૭૧ પુરુષ અને ૧,૨૫,૨૯૩ મહિલા મતદારો મળીને ૨,૬૩,૧૬૬ મતદારો છે. કચ્છ અને મોરબી એમ ૭ વિધાનસભા બેઠકો ઉપર કુલ મતદારોનો સરવાળો ૧૭,૩૦,૩૫૩ છે. હવે આ વખતે કુલ મહિલા મતદારોનો આંક ૮ લાખને પાર કરી ને ૮,૨૭,૨૧૨ થઈ ગયો છે. જયારે પુરુષ મતદારો ૯,૦૩,૧૨૪ છે. આમ, કુલ ૧૭,૩૦,૩૫૩ મતદારો પૈકી મહિલા મતદારોની સંખ્યા ૮,૨૭,૨૧૨ છે. જિલ્લા બહાર નોકરી કરતા હોય તેવા સર્વિસ વોટર (મતદારો)ની સંખ્યા ૩૯૫ છે. સર્વિસ વોટર્સ મતદાન પત્રક થી મત આપી શકશે. જ્યારે અન્ય તમામ મતદારો EVM-VVPAT મશીન થી મત આપી શકશે. કચ્છમાં EVM-VVPAT ની ચકાસણી થઈ ગઈ છે તેમ જ લોકો ને તેના દ્વારા મતદાન કરવા અંગેની સમજ પણ અપાઈ રહી છે. મતદાન કરવા માટે ઓળખપત્ર ફરજીયાત છે. આમ તો ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ સહિત કુલ ૭ અલગઅલગ ઓળખપત્ર દ્વારા મતદાન કરી શકાશે. જોકે કચ્છમાં તમામે તમામ મતદારોને (૧૦૦ %) ઈલેક્શન કાર્ડ મળી ગયા હોવાનો દાવો જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ કર્યો છે.
જો મતદાર કાર્ડ ન બન્યું હોય તો, હજી પણ છેલ્લી તક છે
કચ્છમાં અંદાજીત ૨૨૦૦૦ જેટલા નવા મતદારો વધ્યા છે. લોકસભાની ચૂંટણી માં જો તમે મતદાન કરવા માંગતા હો અને જો તમારું મતદાર કાર્ડ ન હોય તો તમારી પાસે છેલ્લી તક હજી પણ છે. કચ્છ અને મોરબીમાં ૨૩ મી એપ્રિલ સુધી નવા મતદાર કાર્ડ બનાવી શકાશે. દરેક તાલુકા મામલતદાર કચેરી માં ૨૩ એપ્રિલ સુધી નવા મતદાર કાર્ડ બનાવવાની કામગીરી ચાલુ રહેશે. મતદાન મથકોની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં કુલ ૧૮૫૨ (મોરબી વિધાનસભાના આંકડા નથી અપાયા) જેટલા મતદાન મથકો માં મતદાન થશે. એકલા કચ્છ જિલ્લામાં ૪૦૦ જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે, જ્યાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષાની વધુ જરૂર છે. ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા ૨૧ નોડલ ઓફિસરોની નિમણુંક કરાઈ છે. મહિલા કર્મચારીઓ અને પુરુષ કર્મચારીઓ એમ કુલ મળીને ૧૦ હજાર જેટલા કર્મચારીઓ લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા ખડે પગે ફરજ બજાવશે. કુલ ૩૫ જેટલા સખી મતદાર મથકો (દરેક વિધાનસભા વિસ્તાર દીઠ ૫) હશે, કે જેમાં તમામ સ્ટાફ મહિલા કર્મચારીઓનો હશે. કોઈ પણ ઉમેદવારને મત નહીં આપવા માંગતા મતદારો માટે નોટા (NOTA- None Of Above) નો વિકલ્પ પણ રહેશે
ચૂંટણીપંચ દ્વારા શરૂ કરાયેલી આ બે નવી મોબાઈલ એપ વિશે જાણો
ચૂંટણીપંચ દ્વારા ડિજિટલ યુગ સાથે કદમ મેળવીને બે નવી મોબાઈલ એપ લોન્ચ કરાઈ છે. આ બન્ને એપ VOTERS HELPLINE અને C vigil ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. VOTERS HELPLINE માં આપ આપનું નામ મતદાર યાદી માં છે કે નહીં તેની માહિતી મેળવી શકશો. જ્યારે Cvigil એ ફરિયાદ કરવા માટે છે. કોઈ પણ મતદાર ને જો કોઈ રાજકીય પક્ષ કદ ઉમેદવાર સામે ફરિયાદ કરવી હોય તો તે મતદારે પોતાના મોબાઈલમાં GPS સિસ્ટમ ચાલુ કરવાની રહેશે અને જ્યાં કોઈ ગેરરીતિ થતી દેખાય તો તે સ્થળે થી જ ફોટો અથવા તો વિડિઓ પાડીને તે Cvigil એપ દ્વારા જ મોકલવાનો રહેશે. એટલે GPS સિસ્ટમ ના આધારે નજીકની વિજિલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી આવશે. Cvigil એપ કચ્છમાં ૧૮ માર્ચ થી કામ કરતી થશે. આ ઉપરાંત ભુજની જિલ્લા કલેકટર કચેરી મધ્યે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરાયો છે. જેના નંબર ૧૯૫૦ છે, ભુજ સિવાય અન્ય સ્થળે થી ફોન કરનારાઓએ STD કોડ સાથે નંબર 028321950 ડાયલ કરવાનો રહેશે.
ઉમેદવારની ખર્ચ મર્યાદા ૭૦ લાખ ₹, તંત્ર આ રીતે રાખશે નજર
લોકસભાના ઉમેદવારની ખર્ચ મર્યાદા ૭૦ લાખ ₹ નક્કી કરાઇ છે. વહીવટીતંત્ર દ્વારા રાજકીય પક્ષઓ સાથે બેઠક યોજીને બેનર, પોસ્ટર તેમ જ પ્રિન્ટિંગ સાહિત્ય ના ભાવ અને તેની મર્યાદા વિશે ચર્ચા વિચારણા કરવા બેઠક યોજાઇ હતી. જેમાં પેઈડ ન્યૂઝ વિશે ચર્ચા કરીને પ્રિન્ટ તેમ જ ઇલેકટ્રોનીકસ મીડીયા માટે MCMC કમિટીની રચના કરાઈ હોવાનું અને સભ્ય સચિવ તરીકે નાયબ માહિતી નિયામક તેમ જ ટીમ મેમ્બર્સ દ્વારા MCMC નું મોનીટરીંગ કરાશે. જ્યારે ઉમેદવારના ખર્ચ ઉપર નજર રાખવા માટે નોડલ ઓફિસર તરીકે DDO ની નિયુક્તિ કરાઈ છે. ખર્ચ સંબધિત માહિતી કે ફરિયાદ માટે જિલ્લા કન્ટ્રોલ રૂમ ને ફોન નંબર 18002333600 છે. ચૂંટણી ની આચારસંહિતાના પાલન માટે જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર તરીકે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ની નિયુક્તિ કરાઈ છે. જેમના હાથ નીચે ૧૮ નોડલ ઓફિસર કામ કરશે.
કચ્છ લોકસભા બેઠક ની ચૂંટણી માટેની તૈયારી અંગે માહિતી આપવા યોજાયેલ આ બેઠક માં કચ્છ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહન, નાયબ ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિ, માહિતી કચેરીના અધિકારીઓ મોહન માલી, ઘનશ્યામ પેડવા, વિનોદ ભટ્ટ તેમ જ વિવિધ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.