Home Current નર્મદા આંદોલન કરનારા મેઘા પાટકર કચ્છના ત્રગડી(માંડવી) પહોંચ્યા – જાણો તેમની મુલાકાતનો...

નર્મદા આંદોલન કરનારા મેઘા પાટકર કચ્છના ત્રગડી(માંડવી) પહોંચ્યા – જાણો તેમની મુલાકાતનો હેતુ અને નર્મદા વિશેની તેમની વાત

1856
SHARE
મુન્દ્રા-માંડવી તાલુકાનાં દરિયા કિનારે સ્થપાયેલ ટાટા પાવર પ્રોજેકટ દ્વારા માછીમારોને નુકશાન થઈ રહેલ હોઇ તેને લઈને સરકાર સમક્ષને રજૂઆત કરવામાં આવી હતી. પણ, કોઈ ઉકેલ ન આવતા માછીમારો દ્વારા વર્ષે 2010માં વર્લ્ડ બેંક સામે નુકશાની CAO વિભાગને અરજી કરવામાં આવેલ હતી કે વર્લ્ડ બેંક એ ગરીબી દૂર કરવા માટે બનાવવામાં આવેલ બેંક છે જ્યારે ટાટા પાવર પ્રોજેકટના કારણે તો ગરીબ લોકોને હટાવવાનું કામ થઈ રહ્યું છે એટલે તે લોન પાછી લઈ લેવામાં આવે. પણ,વર્લ્ડ બેંક દ્વારા કચ્છના માછીમારોની અરજીને ધ્યાને લેવામાં ન આવી હતી. વર્લ્ડ બેંકની ઓફિસ અમેરીકામાં હોવાથી કચ્છના માછીમાર સમુદાય દ્વારા પરંપરાગત ઉદ્યોગો માછીમારી, ખેતી અને પશુપાલનને થઈ રહેલા નુકસાનને અટકાવવા અમેરિકાની નીચલી કોર્ટમાં વર્લ્ડ બેંકની વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. પણ નીચલી કોર્ટ દ્વારા તે અરજી માન્ય રાખવામા ન આવતા માછીમાર સમુદાય દ્વારા અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં ૮ જજની પેનલમાં ૭ વિરુધ્ધ ૧ થી તે અરજી પસાર થઈ અને કચ્છના માછીમારોની અમેરિકાની સુપ્રીમ કોર્ટ માં જીત થઈ. વર્લ્ડ બેંકની નીતિમાં બદલાવમાં બે કેસમાં સ્થાનિક લોકોને જીત મળી છે તેમાં એક આ માછીમારોના કેસમાં જીત મળી છે કે વર્લ્ડ બેંક પણ કાયદાની ઉપર નથી તેને પણ સ્થાનિક કાયદાનું પાલન કરવું પડશે.

ઐતિહાસિક જીતની ઉજવણી માટે મેઘા પાટકર સાથે અન્ય કર્મશીલ આગેવાનો સૌમ્ય દત્તા, અનુરાધા, જોભાઈ ત્રગડી (માંડવી) પહોંચ્યા

આ ઐતિહાસિક જીત બદલ માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠનના નેજા હેઠળ માંડવી તાલુકાનાં ત્રગડી ગામે વિજય મહોત્સવ ઉજ્વવવામાં આવ્યો હતો. જાણીતા કર્મશીલ આગેવાનો મેઘા પાટકર, સૌમ્ય દતા, જોભાઈ, અનુરાધા, ભરત પટેલ, ઉસ્માનગની, ગજેન્દ્રસિંહ, વગેરેએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમ્યાન જે પિટિશનર હતા તે બધાનું સન્માન કરવામાં આવ્યુ હતું અને ત્યાર બાદ બહારગામ થી ખાસ આ કાર્યક્રમમાં સામેલ થવા આવેલા મેઘા પાટકર, સૌમ્ય દત્તા, જો ભાઈ, અનુરાધા સહિતના અન્ય મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્થાનિક અગ્રણી ભરત પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને આ લડાઈમાં જે જીત મળી તેને લઈને થયેલ પ્રયાસોની વાત કરવામાં આવેલ હતી અને હજી આગળ જતાં આપણે આ કેસમાં વર્લ્ડ બેંકમાં આપણને થયેલ નુકશાન બાબતે વળતર લેશું તેવું જણાવ્યુ હતું.
નવીનાળના સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજાએ દરિયા કિનારે અને મુન્દ્રા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોના પર્યાવરણને નુકશાન પહોંચાડતા ઉધોગો સામે લાલ આંખ બતાવવાનો સમય આવી ગયો હોવાનું જણાવીને ઉધોગો જ્યારે પ્રકૃતિને ભારે નુકશાન કરતા હોય ત્યારે આપણી સૌની ફરજ છે કે આવા ઉદ્યોગોને અટકાવવા જોઈએ. નેશનલ ફિશવર્કર ફોરમના ઉસ્માનગનીએ દરિયા કિનારા આવેલ ટાટા પાવર અને બીજા પ્રોજેકટોને કારણે કચ્છની માછીમારી, ખેતી, પશુપાલન અને મીઠાના વ્યવસાય સાથે જોડાયેલ તમામ લોકોની આવક, રોજગારી અને સ્થાનિક લોકોના આરોગ્ય પર પડી રહેલી ખરાબ અસરની વાત કરી હતી. માછીમાર આગેવાન બુઢા ઈસ્માઈલએ સંગઠનની તાકાતથી આ જીત મેળવી શકાઈ હોવાનું જણાવ્યુ હતું. બીજા માછીમાર આગેવાનોએ પણ એક અવાજે સંગઠન મજબૂત રહે તેવી લાગણી દર્શાવી હતી.
સેન્ટર ફોર ફાયનાન્શિયલ સંસ્થાના અનુરાધાબેને આ કેસ બાબતે થયેલ તમામ પ્રક્રિયાની વિગતવાર માહિતી આપી હતી અને તેમની સંસ્થા માછીમારો કે અન્ય લોકોના આવા પર્યાવરણીય, સ્વરોજગારી જેવા અનેક પ્રશ્નો બાબતે હમેંશા તેમની સાથે રહેશે તેવું જણાવ્યુ હતું. દેશભરમાં દલિત, આદિવાસી અને પ્રાકૃતિક સંશાધનો બચાવવા માટે દેશની અલગ અલગ ચળવળ સાથે કામ કરતાં સંજીવકુમાર દાંડાએ જણાવ્યુ હતું કે આપણી લડાઈ આપણી આજીવિકા માટે છે, કોઈ પોતાનો નફો કમાવવા માટે આપણો રોટલા છીનવી ન શકે અને આવું કરે તો આપણે તેને તેની સામે લડવું પડે. આજે દેશભરમાં લોકો પોતાની આજીવિકા બચાવવા લડાઈ કરી રહ્યા છે.
દિલ્હીના પર્યાવરણવિદ સૌમ્ય દતાએ જણાવ્યુ હતું કે આ પ્રોજેકટ દ્વારા દરિયાના પાણીના તાપમાન કરતાં વધારે તાપમાનવાળું પાણી દરિયાની અંદર છોડવાના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ પર જે ગંભીર અસર થાય છે, તેના લીધે આજે આપણાં દરિયાની સપાટી વધી રહી છે અને મોસમ પરીવર્તનને કારણે આપણે ખરાબ અસરના ભોગ બની રહ્યા છીએ.

મેઘા પાટકરે કહ્યું કે, નર્મદાના પાણી ઉપર પહેલો હક્ક કચ્છના ખેડૂતોનો, ઉદ્યોગોનો નહીં

નર્મદા આંદોલનના કારણે જાણીતા સમાજસેવી મેધા પાટકરે પ્રવચનમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ બેંક જ્યારે લોન આપે છે ત્યારે પર્યાવરણના નિયમો અને સ્થાનિક લોકોની રોજગારીને ધ્યાને લેવામાં આવતી નથી. જેને કારણે આપણા દેશમાં વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવેલ લોનમાં મુન્દ્રા જેવા પ્રશ્નો ઘણી જગ્યાએ ઊભા થયા છે. નર્મદા આંદોલન વિશે વાત કરતાં મેધાજીએ જ્ણાવ્યું હતું કે, જો કચ્છના ખેડૂતોને પાણી મળે તો અમે આદિવાસીઓ આજે પણ અમારી જમીન અને વળતર જતું કરવા તૈયાર છીએ. પણ જો નર્મદાનું પાણી અદાણી-અંબાણી જેવી કંપનીઓને મળવાનું હોય તો અમે હજી લડીશું અને અમારા હક્ક મેળવીશું. નર્મદાના પાણી ઉપર ઉદ્યોગોનો નહીં પણ કચ્છના ખેડૂતોનો હક્ક છે. દેશભરમાં ચર્ચાયેલા નર્મદા આંદોલનને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે, જે નર્મદાને માતા કહીએ છીએ તે નર્મદા નદી આજે લુપ્ત થઈ રહી છે. અત્યારે ભરૂચના ૬૦૦૦ જેટલા માછીમારો ‘નર્મદા બચાવો’ સંઘર્ષયાત્રા કરી રહ્યા છે અને ત્યાં પણ ભાડભૂત ડેમના નામે માછીમારોની રોજી રોટી છીનવવાના પ્રયત્નો ચાલુ છે. આ પરિસ્થિતિમાં આપણે બધાએ એક થઈને સરકારોની કંપની નીતિ સામે લડાઈ લડવી પડશે અને એક અવાજે “હિન્દી, મરાઠી યા ગુજરાતી, સબ એક હી જાતિ” ના ઉચ્ચાર સાથે લડાઈ કરવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે મેધા પાટકરને નર્મદા આંદોલનના કારણે ગુજરાત વિરોધી છે તેવું ઘણા લોકો કહેતા હતા. પણ મેઘા પાટકરે કચ્છના ત્રગડી મધ્યે પોતાના વક્તવ્યમાં પોતે ગુજરાત વિરોધી છે, એ વાતનું ખંડન કર્યું હતું અને નર્મદાના પાણી કચ્છના ખેડૂતોને મળે તે માટે આંદોલન કરનારા કચ્છના ખેડૂત લીડરોને યાદ કર્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન ઉસ્માનગની શેરસીયાએ અને આભાર વિધિ અબ્દુલ્લાભાઈએ કરી હતી.