વરસાદ બાદ આમતો કચ્છના અનેક રસ્તાઓ જર્જરીત બનતા વાહન વ્યવહાર ખોરવાયો હતો પરંતુ કુદરતી નહી હવે માનવ સર્જીત સમસ્યાને કારણે વાહનો ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વાત છે કચ્છના હાજીપીર અને લખપતના કોટડામઢ નજીકના માર્ગોની કે જ્યા બિસ્માર રસ્તાને કારણે ટ્રાફીકજામ અને વાહનો ફસાયા હતા.
હાજીપીર નજીક ટ્રાફીકજામ
અવારનવાર જે રસ્તો ચર્ચામાં રહે છે તેવા હાજીપીર માર્ગ પર ફરી એકવાર જર્જરીત રસ્તાને કારણે ટ્રાફીક જામ સર્જાયો છે. નમક ઉદ્યોગો દ્રારા ભારે ઓવરલોડ વાહનો દોડાવાતા બિસ્માર બનેલા રસ્તાથી સપ્તાહમાં ત્રીજી વાર ટ્રાફીક જામ સર્જાયો છે. તાજેતરમાંજ એ વિસ્તારના સક્રિય સરપંચ અને રાજકીય આગેવાનોએ રોડની સ્થિતી અંગે સંબધીત તંત્રને ભષ્ટ્રાચારના આક્ષેપ સાથે ઓવરલોડ વાહનો બાબતે રજુઆત કરી હતી ત્યારે આજે પણ બિસ્માર માર્ગ અને ખરાબ રસ્તાના કારણે વાહનો બંધ પડી જતા કલાકો સુધી ટ્રાફીક જામ સર્જાયો હતો જેમાં કંપનીમાં અવરજવર કરતા વાહનો સાથે સ્થાનીક ગામ તથા એસ.ટી બસ સેવાને અસર પડી હતી. અવારનવાર નબળી ગુણવત્તા અને ભારે વાહનોની કારણે બિસ્માર બની જતા રસ્તા બાબતે ચુંટાયેલા પ્રતિનીધીઓ સબંધીત તંત્રને તથા ઉદ્યોગોને ટકોર કરે તેવી માંગ ઉઠી છે.
કોટડામઢ અને ભાડરા વચ્ચે વાહનો ફસાયા
લખપત તાલુકાના કોટડા,માતાના મઢ અને ભાડરા ને જોડતા માર્ગ ઉપર આલ્ફા (પવનચક્કી) કંપની પોતાના હંગામી કામગીરી માટે એક મહિના પેહલા કરાવેલા સમારકામને કારણે આજે અનેક વાહનચાલકો ફસાયા હતા. કંપની દ્રારા ચીકણી માટી નું ઉપયોગ કરી વાહનો પસાર કરવામાં આવ્યા હતા પરંતુ વરસાદ પડતા ચીકણી માટીમાં અનેક વાહનો ફસાયા હતા.અકસ્માતના જોખમ વચ્ચે આજે વાહનો ત્યાથી પસાર થયા હતા. લખપત અને અબડાસાને જોડતો આ માર્ગ ખુબ અગત્યનો છે. ભાડર,જગડીયા,આશાપાર સહિતના ગામો માટે આરોગ્ય શિક્ષણ સહિતના કામો માટે આ માર્ગ ખુબ અગત્યનો છે. પરંતુ હાલ સબધીત તંત્રએ કામગીરી ન કરતા કંપની દ્રારા નખાયેલ માટીની કારણે અનેક વાહનો ફસાયા હતા તો જોખમને કારણે અનેક વાહનચાલકો પરત ફર્યા હતા
કચ્છમાં રાજ્ય સરકાર દ્રારા લાખો કરોડો રૂપીયાની ગ્રાન્ટ રસ્તાઓ માટે આપવામાં આવે છે પરંતુ સ્થાનીક તંત્ર દ્રારા નબળા કામ સાથે રસ્તાને નુકશાન કરતા ઉદ્યોગો સામે કડક હાથે કામ ન લેવાતા છાસવારે સામાન્ય નાગરીકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આવા સરકારી બાબુઓ સામે કાર્યવાહી સાથે કાયમી સમસ્યાના ઉકેલની આમ નાગરીકો અપેક્ષા રાખી રહ્યા છે.