આરોગ્ય અધિકારીને ભાજપનો ખેસ પહેરાવી તેમની ચેમ્બર અને જિલ્લા પંચાયતમાં ભાજપના બેનરો લગાવવા સહિત જંગીના ખેડૂતોને નવી જંત્રી મુજબ વીજ કંપની વળતર ચૂકવે તેવી માંગ સાથે કોગ્રેસે આજે હલ્લાબોલ કરી આક્રમક દેખાવો કર્યા હતા. કોગ્રેસમા ધણા સમય પછી આવી આક્રમકતા જોવા મળી હતી. આજે કોગ્રેસે વિવિધ દરમ્યાન અધિકારીને ભાજપના ખેસ પહેરાવવાના પ્રયત્ન સાથે કચેરીમાં ભાજપ કાર્યાલય લખેલ બેનરો માર્યા હતા. જો કે પોલિસ બંદોબસ્તમાં રહેલા કર્મચારીઓએ તેમને અટકાવવા પ્રયત્ન કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.કે હુંબલના નેતૃત્વ હેઠળ જિલ્લા મથકે જંગી ગામના ખેડૂતોને વીજ લાઈન મુદ્દે અન્યાય, તેમજ જિલ્લા પંચાયત અને આરોગ્ય શાખાના ભાજપીકરણના મુદ્દે કોંગ્રેસપક્ષ દ્વારા કલેક્ટર, તથા જિલ્લા વિકાસ અધિકારી, તથા જિલ્લા આરોગ્ય અધિકારીને રૂબરૂ પ્રતિનિધિ મંડળ સ્વરૂપે તબક્કાવાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસી આગેવાનોએ ઘસી જઈ અંજાર ક્ષેત્રના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના લોકાર્પણમાં ભાજપની ચાપલૂસી મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારીને ભાજપનો ખેસ પહેરાવી અને જિલ્લા પંચાયત કચેરી તથા આરોગ્ય શાખામાં ભાજપ કાર્યાલય ના બેનરો લગાવી નવતર વિરોધ કર્યો હતો આ તબક્કે ઉગ્ર બોલાચાલી સૂત્રોચાર દરમિયાન વાતાવરણ તંગ બન્યુ હતું. આ બાબતે વિ.કે.હુંબલે જણાવાયું હતું કે જંગી ગામના સાત થી આઠ વર્ષ પહેલા વીજ પોલ નાખવામાં આવેલ તેમાં વીજ રેશા હવે નાખવામાં આવેલ છે ત્યાં ગેટકોની મિલીભગતથી પોલીસ દ્વારા ખેડૂતો પર દમન કરી જુના જંત્રી ભાવે વળતર સ્વિકારવા દબાણ કરાય છે તેમજ કોઈ જ પરવાનગી કે નોટિસો વગર પોલીસ મારફતે ખેડૂતોને દબાવી ધમકાવવામાં આવે છે આ બાબતે ન્યાય આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી નવા જંત્રી મુજબ વીજ કંપનીઓ વળતર ચૂકવે તેવી માંગ કરતાં સૂચવ્યું હતું કે કલેકટર તથા વીજ કંપનીઓ સંકલન કરી ખેડૂતોને સાથે રાખી યોગ્ય વળતર ચૂકવવા અને કનડગત બંધ કરવા સુનાવણી યોજવામાં આવે. તો સાથે અંજાર શહેરમાં ત્રણ હેલ્થ એન્ડ વેલને સેન્ટર ના લોકાર્પણમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા બે મહિલા સદસ્યોની બાદબાકી કરી આમંત્રણ ન અપાતા ઉપરાંત ભાજપના હોદ્દેદારોના નામ આમંત્રણ કાર્ડમાં નાખવા મુદ્દે કોંગ્રેસપક્ષના જિલ્લા પંચાયત સદસ્યો સાથે જિલ્લા વિકાસ અધિકારી કચ્છની કચેરીએ ઘસી જઈ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ફુલમાલીની ચેમ્બરમાં ઉગ્ર સૂત્રોચાર કરી તેઓની કચેરીને ભાજપ કાર્યાલય કમલમના પ્લેકાર્ડ ચોંટાડી ઉગ્ર વિરોધ બાદ જિલ્લા આરોગ્ય અધિકારીને ભાજપનો ખેસ પહેરાવી દેતા વાતાવરણ તંગ બન્યું હતું.કોંગ્રેસ આગેવાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે અગાઉ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જે તે વિસ્તારમાં કાર્યકૃમ યોજાય ત્યાંના જિ.પ સભ્યોને ફરજીયાત નિમંત્રણ આપવું પરંતુ તેનો અમલ કરાતો નથી. સતા પક્ષના હોદેદારો ગરિમા જાળવ્યા વિના અધિકારીઓની ખુરશી પર બેસી જતા હોવાનો પણ પાઠવેલ પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. તો ડી.ડી.ઓ સાથે જીલ્લા પંચાયત પ્રમુખને પણ વિવિધ મુદ્દે રજુઆત કરાઇ હતી. કોગ્રેસના અચાનક આક્રમક વલણથી રાજકીય જાણકારો સ્તબ્ધ થઇ ગયા હતા.