જો મુદ્દો સાચો હોય અને ન્યાય અપાવવાની તમારી ઇચ્છા પ્રબળ હોય તો કોઇ પણ કામ અશક્ય નથી અને દુનિયાની કોઇ તાકાત કે સરકાર તમારો હક્ક તમારી પાસેથી છીનવી શકે તેમ નથી અને આ સાબિત કર્યુ છે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ. કેમ કે 30-30 વર્ષથી કચ્છમાં જમીનના હક્કો માટે દલિતો લડતા રહ્યા પરંતુ કચ્છનાં કોઈ ધારાસભ્ય કે સાંસદે તેમને ન્યાય ન અપાવ્યો પરંતુ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની માત્ર ચક્કજામની એક ચીમકી તે કામ કરી ગઇ અને 48 કલાકમાં કચ્છનાં તંત્રએ રાપર માંડવી અને અબડાસાની 100એકર જમીનનો કબ્જો સુપ્રત કરી આપ્યો જેને સાબિત કર્યુ કે ક્યાક તંત્રથી ચુક રહી ગઇ છે અને કચ્છના ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમને ન્યાય અપાવવામાં વામણા સાબિત થયા છે.
એક તબક્કે એમ પણ માની લઈએ કે જીગ્નેશની ન્યાય અપાવવા માટેની રીત ખોટી હોય પરંતુ નાક દબાવી ન્યાય મેળવવાની તેની કાર્યશૈલીથી તેણે કચ્છનાં લોકોના દિલ જીતી લીધા છે ત્યારે હવે જોવું એ રહેશે કે કચ્છના ચૂંટાયેલા ભાજપ કે કોગ્રેસના ધારાસભ્ય તેમાથી કોઇ બોધપાઠ લેશે કે નહીં. ભારતીય રાજનીતિ મોટા પરિવર્તનના કાળમાંથી પસાર થઈ રહી છે ત્યારે જીગ્નેશ જેવા નવા નિશાળીયા રાજકારણમાં કાઠું કાઢી રહ્યા છે. આ સંકેત જ કાઈ કહી જાય છે. કે હવે એ જૂની પરંપરાગત રાજકીય સિસ્ટમ બદલાઈ રહી છે.
શુ પ્રશ્ર્ન એટલો જટીલ હતો કે આટલા વર્ષો નિકળી ગયા?
જીગ્નેશ મેવાણીએ ધારાસભ્ય બનતાની સાથે કચ્છમાં તેને પગ મુક્યો અને જમીન હક્કના પ્રશ્ર્નો તેમની સમક્ષ દલિત સંગઠનોએ રજુઆત કરી ત્યારથી તે તેના માટે લડતો રહ્યો અને આજે 14 એપ્રીલ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિએ જ તેને દલિતોને જમીન અપાવી જો કે પ્રશ્ર્ન એ પણ છે કે શુ જમીન હક્કનો મુદ્દો એટલો જટીલ હતો કે તેના ઉકેલ માટે આટલા વર્ષો લાગી ગયા? અને જો નહી તો જીગ્નેશની રજુઆત અને વિરોધ પછી કેમ ગણતરીના દિવસોમાં તેનો ઉકેલ આવી ગયો ત્યારે શુ કચ્છના જન પ્રતિનીધીઓ આવી રજુઆત કે ચીમકી ઉચ્ચારી આવો ન્યાય લોકોને ન અપાવી શકે? તે સવાલ જરૂર ઉભો થાય.
જીગ્નેશ મેવાણીએ આજે શુ કર્યુ અને શુ ચિમકી આપી?
રાપરમાં બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ સાથે આજે જીગ્નેશ મેવાણીએ બાબાસાહેબની જન્મ જયંતિએ પ્રારંભ કર્યો હતો પરંતુ તેને જમીન સુપ્રત કર્યાની જાહેરાત બાદ મોડા ગામે યોજાયેલ કાર્યક્રમમાં પહોચી સાચો દલિતનો હક્ક આપવાનો ઉદ્દેશ પુર્ણ થતા ખુશી વ્યક્ત કરી હતી સાથે રાપરની જ ચાર ગામની જમીન ફાળવવા તંત્રને અલ્ટીમેટમ આપ્યુ અને જો 21 દિવસમાં જમીન નહી ફાળવાય તો 22 મા દિવસે ફરી જીગ્નેશ આંદોલનથી તેનો ન્યાય મેળવશે તો દલિતોને વૈચારિક સુધારાની અપિલ પણ કરી હતી
કચ્છના ધારાસભ્યોને અભિગમ શીખવી ગયો જીગ્નેશ
કચ્છમાં ભાજપ-કોગ્રેસના ચાર અને બે ધારાસભ્યો છે અને કચ્છના 3 તાલુકા સહિત કચ્છમાં અનેક જમીન હક્કના પ્રશ્ર્નો છે પરંતુ આટલો ઝડપી ઉકેલ કોઇ ધારાસભ્ય લાવી શક્યુ નથી તે વાસ્તવિકતા છે કદાચ તેના માટે ચુંટાયેલા પ્રતિનિધિના અભિગમ અને માનસિકતાના ફેરફારની જરૂર છે જે કદાચ જીગ્નેશ તેમને શીખવી ગયો
વાત અહીં કોઇના વિરોધ કે વખાણની નથી પરંતુ કચ્છનાં લોકો સહિત ગુજરાતના લોકોએ પણ એ જોયુ અને મહેસુસ કર્યુ કે જીગ્નેશનો રસ્તો ભલે ન્યાય મેળવવા માટે યોગ્ય ન હોઈ શકે પરંતુ ચમત્કારને નમસ્કારની જેમ જો આ રીતે કામ કરવામાં આવે તો વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવી શકે છે. એવુ પણ નથી કે કચ્છના ધારાસભ્યોએ કોઇ કામ નથી કર્યુ પરંતુ વાત અહી વર્ષોથી થતા અન્યાય અને હક્કોને મેળવવાનો છે જેમા બહારથી આવેલા ધારાસભ્યની ભુમીકાએ કચ્છના ધારાસભ્યોની નિષ્ફળતાની લોકો સમક્ષ પોલ ખોલી નાંખી છે. જો કે દેર આયે દુરસ્ત આયે કહેવતની જેમ આપણે એવી આશા રાખીયે કે કચ્છનાં હાલના ધારાસભ્યો પાસે હવે આવતા પ્રશ્ર્નોના ઉકેલ માટે તેઓ ઝડપી કાર્યવાહી માટે કામ કરશે.