છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલા વી.એચ.પી. ના આંતર રાષ્ટ્રીય પ્રમુખ ડો.પ્રવીણ તોગડીયા પ્રમુખ પદની ચૂંટણી હારી જતા સંગઠનમાં સોપો પડી ગયો હતો જોકે તોગડીયાના પરાજય બાદ તેના સમર્થકોમાં નારાજગી સાથે રાજીનામાનો દોર શરૂ થયો છે રાજ્યભરમાં છુપી નારાજગી વચ્ચે કચ્છના સંગઠને ડો.તોગડીયાની સાથે રહીને તેમની લડતને ટેકો જાહેર કર્યો છે.
વર્ષો સુધી વિશ્વ હિંદુ પરિષદના સર્વેસર્વા રહ્યા બાદ પ્રવીણ તોગડિયા ચૂંટણીમાં કદ પ્રમાણે વેતરાઈ ગયા છે. વીએચપીના ઈતિહાસમાં પહેલી વાર યોજાયેલી ચૂંટણીમાં તોગડિયા ગ્રુપના સૂપડા સાફ થઈ ગયા છે. આ પરિણામ બાદ તોગડિયાએ જાહેરાત કરી છે કે, તેઓ 17 એપ્રિલથી અમદાવાદમાં અનિશ્ચિતકાળ માટે ઉપવાસ પર બેસશે. તોગડિયાએ એમ પણ જણાવ્યું છે કે, તેઓ ખેડૂતો, મહિલાઓ તેમજ મજૂરોની માંગો માટે અનશન પર બેસી રહ્યા છે. વીએચપીના નવા સંગઠનમાં તેમના ખાસ કહેવાતા રાઘવ રેડ્ડીને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. સંગઠનના નવા આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમાર હશે તેવી જાહેરાત સંગઠન દ્વારા કરાઈ છે.
વીએચપીની સ્થાપના બાદના 52 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં તોગડિયા જૂથનો સફાયો થઈ ગયો હતો. જ્યારે વિષ્ણુ સદાશિવ કોકજેની વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. આ પરિણામ બાદ પ્રવીણ તોગડિયાએ વ્યથિત થઈને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે હવે હું વિશ્વ હિન્દુ પરિષદમાં નથી. તેમણે સરકાર પર કરોડો લોકોનો અવાજ દબાવવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે, ‘સત્તાના નશામાં દેશ અને હિન્દુ ધર્મને દબાવવામાં આવ્યો છે. મને સત્તાધારી પાર્ટીએ વીએચપી છોડવા મજબૂર કર્યો છે. હવે સાચી લડાઈની શરૂઆત થઈ છે.’ તોગડિયાએ વધુમાં કહ્યું હતું કે હવે મોટી લડાઈની શરૂઆત થઈ છે. એટલું જ નહીં તેમણે રામમંદિર મુદ્દે ઉપવાસ કરવાની પણ જાહેરાત કરી હતી. વડાપ્રધાન સામે આડકતરા આક્ષેપો કરીને વિશ્વ હિન્દુ પરિષદને ફરી ચર્ચામાં લાવનાર પ્રવીણભાઈ હવે શું રણનીતિ અપનાવશે એની ચર્ચા વિપક્ષ સહિત આમ જનતામાં પણ છે ક્યાંક અહમ અને ક્યાંક જીદની આ લડાઈ આવનારી લોકસભા ચૂંટણીને અસર કરશે કે નઈ એ પણ જોવું રસપ્રદ બનશે
કચ્છનું સંગઠન પ્રવિણભાઈની સાથે
વી.એચ.પી કચ્છ એકમ ના અગ્રણીઓ શશીકાંત પટેલ અને બળવંતસિંહ
વાઘેલાએ ડો.પ્રવીણ તોગડિયાની લડતને ટેકો જાહેર કર્યો છે ટેલિફોનિક વાતચીત દરમ્યાન શશીકાંત પટેલે જણાવ્યું હતુંકે 17 એપ્રિલના કચ્છના દરેક તાલુકા મથકોના થઈને 250 જેટલા કાર્યકરો ડો.તોગડિયાના ઉપવાસમાં જોડાશે તેમણે આગામી દિવસોમાં કચ્છમાં ધર્મ સભાનું આયોજન પણ ગોઠવાઈ રહ્યું હોવાની વાત કરતા જણાવ્યું હતું કે અમે અને કચ્છના કાર્યકરો હિન્દૂ સમાજ માટે દાયકાઓથી લડતા એવા હિન્દૂ હ્ર્દય સમ્રાટ પ્રવિણભાઈની સાથે જ છીએ.