મુસ્લિમ સમાજની દરગાહોમાં તોડફોડના બનાવો બાદ હવે રાજગોર સમાજના સ્મશાનમાં કોઈ
અસામાજિક તત્વોએ તોડફોડ કરતા પોલીસ દોડતી થઈ છે ભુજમાં સરપટ નાકા બહાર આવેલા
રાજગોર સમાજના સ્મશાનગૃહમાં આવેલી ભગવાનની પ્રતિમાઓને ખંડિત કરીને તોડફોડ કરાઈ છે આ ઘટનાને પગલે રાજગોર સમાજ સહિત સમગ્ર હિન્દૂ સમાજમાં ચકચાર સાથે રોષની લાગણી વ્યાપી ગઇ છે ભુજ ના રાજગોર સમાજના સ્મશાન ગૃહ માં બનેલા આ બનાવ વિશે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા ભુજ સમાજના ટ્રસ્ટી ભરતભાઇ ગોરે જણાવ્યું હતું કે સ્મશાન ગૃહમાં આવેલ હિન્દૂ દેવતાઓની મૂર્તિઓ તોડી પડાઈ છે ભુજ રાજગોર સમાજના આગેવાનોએ એ ડિવિઝન પોલીસ માં ફરિયાદ કરી છે,તે પ્રમાણે મંગળવાર ની રાત ના ૮ વાગ્યાથી બુધવાર સવારના ૮ વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા હિન્દુ દેવી દેવતાઓની ૮ થી ૯ જેટલી મૂર્તિઓ ને તોડી પાડવા માં આવી છે. ભાંગફોડીયા તત્વોના આવા કૃત્યને કારણે શ્રદ્ધાળુઓ ને ભારે ઠેસ પહોંચી છે.આવું દુષ્કૃત્ય આચરનારા અસામાજિક તત્વોને પોલીસ તાત્કાલિક પકડી પાડે એવી માંગ કરાઈ છે. આ ઘટનાને પગલે સમાજના આગેવાનોએ ભુજ પોલીસને જાણ કરતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને આ ઘટનાને અંજામ આપનારા તત્વોનું પગેરું શોધવાનો વ્યાયામ આદર્યો હતો ડોગ સ્ક્વોડ સહિત એફ.એસ.એલની મદદ લેવાઈ છે
આથી અગાઉ દરગાહ તોડફોડ ના બનાવો અંગે મુસ્લિમ સમાજ દ્વારા નારાજગી સાથે વિરોધ વ્યક્ત કરાયો હતો. જોકે, અમુક દરગાહોની રીપેરીંગ કરવામાં હિન્દુ સમાજે સહયોગ આપ્યો હતો.તો મુસ્લિમ સમાજના વિરોધ માં પણ જોડાઈને હિન્દુ સમાજે કચ્છની કોમી એકતાને બરકરાર રાખવામાં સહયોગ આપ્યો છે. ત્યારે મુઠીભર અસામાજિક તત્વો ને પકડવાનો પશ્ચિમ કચ્છ પોલીસ સામે હજીયે પડકાર છે.