આજે યાંત્રિક વાહનોના જમાનામાં ચોપગા જાનવરોને જોડેલી ગાડીમાં કોઈ રાજકીય પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ફરતા જોઈને સૌને આશ્ચર્ય થાય જ !!! ભુજના જાહેર માર્ગો ઉપર પણ લોકોએ જ્યારે કચ્છ કોંગ્રેસના નેતાઓને ગધેડા ગાડીમાં અને ઊંટ ગાડીમાં ફરતા જોયા ત્યારે આશ્ચર્ય થયું. જોકે, આ સમગ્ર કાર્યક્રમ એ કોંગ્રેસ દ્વારા કરાઈ રહેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામેના વિરોધ સંદર્ભે હતો. કેન્દ્રની ભાજપ સરકારના રાજમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાન ને આંબી રહ્યા છે,ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને વિરોધ દર્શાવ્યો હતો.કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી અને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલે પેટ્રોલ ડીઝલના ભાવો ને કારણે લોકો પરેશાની વેઠી રહ્યાં છે અને મોંઘવારી વધી છે એવો આક્ષેપ કરી કેન્દ્રની મોદી સરકારને નિષ્ફળ ગણાવી હતી.કચ્છ કોંગ્રેસે અચ્છે દિનની ઠેકડી ઉડાડતા કહ્યું હતું કે ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી અને ભાજપના નેતાઓ મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવો વિશે સવાલો કરતા હતા પણ આજે ભાજપના રાજમાં શુ પરિસ્થિતિ છે? પેટ્રોલ,ડીઝલ,રાંધણગેસના ભાવ ભડકે બળે છે, મોંઘવારી વધતા લોકો પરેશાન છે,ગૃહિણીઓ હેરાન છે અને વડાપ્રધાન વિદેશયાત્રાઓ માં વ્યસ્ત છે.કોંગ્રેસના શાસનમાં મોંઘવારી કાબૂ માં હતી.
સતત ત્રીજા દિવસે કચ્છ કોંગ્રેસે ભાજપ સરકાર સામે વિરોધ કાર્યક્રમ યોજીને આક્રમક મિજાજ સાથે રાજકીય લડત શરૂ કરી છે.શિક્ષણના ખાનગીકરણ, ખેડૂતોના પ્રશ્નો બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરીને કોંગ્રેસે લોક લાગણી જીતી ભાજપને ઘેરવાની સફળ રણનીતિ અપનાવીને એ સંકેત આપ્યો છે કે ૨૦૧૯ પહેલા ભાજપ સરકારને ઘેરવા કોંગ્રેસ સજ્જ છે. આ વિરોધ કાર્યક્રમ માં નરેશ મહેશ્વરી,વી.કે.હુંબલ,પી.સી.ગઢવી,ગની કુંભાર, મુસ્તાક હિંગોરજા રાજેન્દ્રસિંહ જાડેજા સહિત કચ્છ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યા માં જોડાયા હતા.