Home Current કચ્છમાં સૈનિક શાળા સ્થપાશે,પાંજરાપોળો ને આર્થિક મદદ કરાશે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

કચ્છમાં સૈનિક શાળા સ્થપાશે,પાંજરાપોળો ને આર્થિક મદદ કરાશે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

1298
SHARE
એક દિવસ ના કચ્છ ના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રવાસની શરૂઆત રણ સરહદે આવેલા ભેડિયા બેટ હનુમાન મંદિરના દર્શન કરીને કરી હતી.રણ સરહદે BSF ના જવાનો ધોમધખતા તાપ અને વિકટ પરિસ્થિતિમાં જે ફરજ બજાવે છે તેની તેમણે સરાહના કરી હતી.જવાનો માટે વોટરકુલર અને એરકુલર અર્પણ કરતા મુખ્યમંત્રીએ જવાનોની રાષ્ટ્રભક્તિ ને બિરદાવી હતી અને આવનારા સમય માં ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં સૈનિક સ્કૂલ સ્થાપવાની જાહેરાત કરી હતી.ભેડિયાબેટ ઉપર આયોજિત આ કાર્યક્રમ માં અહીં સરહદે હનુમાન મંદિર ના ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી રૂપાણીએ નવા હનુમાન મંદિરને “સરહદ ના હનુમાન” નામ આપવાનો સુઝાવ આપ્યો હતો.તો, ભુજ ના સ્વામિનારાયણ મંદિરની સેવાઓને બિરદાવી હતી. ગુજરાતમાં શેરી એ શેરી એ હનુમાનજી બેઠા છે અને અહીં સરહદે પણ હનુમાનજી બિરાજમાન છે એટલે ગુજરાત સુરક્ષિત હોવાની લાગણી મુખ્યમંત્રી એ પોતાના પ્રવચનમાં વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર ગૌધન માટે ચિંતિત છે એ દર્શાવતા મુખ્યમંત્રી શ્રી રૂપાણી એ પાંજરાપોળોને આર્થિક મદદ આપવાની પણ જાહેરાત કરી હતી.રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા જળ સંચય અભિયાન ને લોકો વેગવંતુ બનાવે એવી અપીલ કરતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ‘જળ અભિયાન’ એ ‘જન અભિયાન’ બને તેવી આપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન,જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, સાંસદ વિનોદ ચાવડા, મંત્રીશ્રી વાસણભાઇ આહીર,પૂજ્ય આચાર્ય મહારાજ તેજેન્દ્રપ્રસાદજી,મહંત સ્વામી ધર્મનંદનદાસજી,પાર્ષદ સ્વામી જાદવજી ભગત, સ્વામિનારાયણ મંદિરના સંતો, BSF ના IG અજય તોમર, ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય,BSF ના DIG આઈ.કે.મહેતા ઉપસ્થિત રહ્યા હતા.