Home Social લોહી જેવા જ ઘટ્ટ માનવીય લાગણીના સબંધો ના તાંતણે યોજાય છે સાજન...

લોહી જેવા જ ઘટ્ટ માનવીય લાગણીના સબંધો ના તાંતણે યોજાય છે સાજન માજન સાથેના અનોખા લગ્ન

1331
SHARE
લગ્નની સીઝન દરમ્યાન આપણે અનેક લગ્નોમાં જતા હોઈએ છીએ.પણ,એ લગ્નો મોટે ભાગે આપણા પરિચિત સ્નેહી સ્વજનોના હોય છે.પણ આજે વાત કરવી છે એક અનોખા લગ્નની,કે જ્યાં પારકી દીકરીને પોતાની ગણીને પોતાના આંગણીયેથી સાસરીયે વિદાય અપાય છે.વાત ભુજના ક.વિ. ઓ.જૈન મહાજન દ્વારા યોજાતા લગ્ન સમારોહની છે. શુક્રવારે સંસ્થાના આંગણીયે પ્રજાપતિ સમાજની દીકરીને સાસરીયે વિદાય અપાઈ ત્યારે સાજન(કન્યા પક્ષ)અને માજન(કવિઓ જૈન મહાજન) ના આંખોમાં હરખના આંસુ હતા.જાણે,મહાજનના પોતાના જ પરિવારની દીકરીના લગ્ન હોય તેવો લગ્નનો માહોલ અને આયોજન હતું.આ લગ્નના માંડવે સપ્તપદીના ફેરે પોતાના ભાવિ ભરથાર સાથે લગ્નના બંધને બંધાનાર કન્યા ચિ. નીલમ નું મામેરું કવિઓ મહાજન ના ટ્રસ્ટીઓ અને સખીવૃંદની બહેનોએ કર્યું હતું. ભુજની આ પ્રજાપતિ સમાજની દીકરીના લગ્નની જાન પાટણ થી આવી હતી.આ લગ્નનું સમગ્ર આયોજન જાનના સ્વાગત થી માંડીને જાનનો ઉતારો,લગ્ન મંડપ,લગ્નવિધિ,ચોરી ફેરા,કરિયાવર જમણવાર,કન્યા વિદાય અને સમગ્ર લગ્ન સમારોહ ની ફોટો તેમજ વિડિયોગ્રાફી સહિતની વ્યવસ્થા ભુજ કવિઓ જૈન મહાજન દ્વારા કરાઈ હતી.લગ્નનો પ્રસંગ ભલે ભુજના કાંતિલાલ પ્રજાપતિ પરિવારની સુપુત્રી ચિ. નિલમ અને પાટણના ત્રિભોવનદાસ પ્રજાપતિ પરિવારના સુપુત્ર ચિ. કિરણના પરિવારજનોનો હતો પણ સાજન માજન ભુજ કવિઓ જૈન મહાજન રહ્યું હતું.

મહાજન નું મામેરું એટલે લોહી જેવો જ ઘટ્ટ માનવીય લાગણીના તાંતણે જોડાયેલો સબંધ..

આપણે સૌ જાણીએ છીએ કે ઘરે આવતો લગ્નનો પ્રસંગ પાર પાડવો એ ખર્ચાળ છે, અને આજના મોંઘવારીના સમયમાં તો ખાસ.. !!! ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા ભુજ કવિઓ મહાજનના અધ્યક્ષ તારાચંદભાઈ છેડા કહે છે કે,મધ્યમ વર્ગીય પરિવારો માટે દીકરીના લગ્નનો પ્રસંગ પાર પાડવો એ આર્થિક અને માનસિક દ્રષ્ટિએ તણાવભર્યું કામ હોય છે.રાજકીય અને સામાજિક ક્ષેત્રે ૪૦ વર્ષો થી જાહેર જીવનમાં સક્રિય તારાચંદભાઈ કહે છે કે,મેં અનુભવ્યું છે કે મોટાભાગના મધ્યમવર્ગીય પરિવારો દીકરીના લગ્નનો પ્રસંગ સારી રીતે પાર પાડવા કરજો કરીને બહારથી ઊંચા વ્યાજે રૂપિયા ઉછીના લે છે.અમે મહાજન પરંપરાને નિભાવવાની ફરજના ભાગ રૂપે મધ્યમવર્ગીય પરિવારોને મદદરૂપ બનવા ૭ વર્ષ પહેલાં “મહાજનનું મામેરું” યોજના શરૂ કરી.અમારો એ પ્રયાસ છે કે,પરિવાર પોતાના ઘેર વ્યક્તિગત રીતે લગ્ન પ્રસંગ જે રીતે ઉજવે એવી જ બધી સુવિધા અને આયોજન અમે કવિઓ ભુજના આંગણે કરીયે છીએ.“મહાજન નું મામેરું” તળે યોજાતા લગ્નમાં જોડાવવા ઇચ્છતા પરિવારો પોતાની આર્થિક ક્ષમતા પ્રમાણે જે કાંઈ રકમ આપે તે સંસ્થા સ્વીકારી લે છે.અહીં અનાથ અને દીવ્યાન્ગ દીકરીઓના લગ્ન પણ યોજાઈ ચુક્યા છે.ઘણીવાર કોઈ પરિવાર પૈસા આપી શકવા અસમર્થ હોય તો નિઃશુલક લગ્ન પણ સંસ્થા કરી આપે છે.અત્યાર સુધીમાં ૨૨૧ લગ્નો સફળ રીતે યોજાઈ ચુક્યા છે,અને હજીયે અનેક પરિવારોના લગ્ન માટેની અરજીઓ આવ્યા કરે છે.વાતનું સમાપન કરતા તારચંદભાઈ કહે છે,મધ્યમવર્ગીય પરિવારોને સામાજિક હૂંફ આપવાનો અમારો આ પ્રયાસ છે. લોહી ના સબંધો જેવો જ ઘટ્ટ માનવીય લાગણીનો આ સંબંધ એ મહાજન પરંપરાને સાચા અર્થમાં ઉજાગર કરે છે.