Home Current કચ્છમાં “ગન” કલ્ચર ભવિષ્યમાં લોહિયાળ અને ઘાતક સાબિત થઈ શકે છે ...

કચ્છમાં “ગન” કલ્ચર ભવિષ્યમાં લોહિયાળ અને ઘાતક સાબિત થઈ શકે છે : તંત્ર નિંદ્રામાં 

3251
SHARE
પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણની આડઅસરોના અનેક કિસ્સા આપણી સમક્ષ આવે છે પરંતુ તેમાથી બોધપાઠ લીધા વગર આપણે ઝડપથી ભવિષ્યના જોખમોને ભુલી તેના અનુકરણમાં આગળ વધી રહ્યા છીએ. ત્યારે અમેરીકાની જેમ કચ્છમા પણ “ગન” કલ્ચર ભવિષ્યમાં જોખમી સાબિત થઇ શકે તેમ છે. પરંતુ તેની સામે નથી પોલિસ તંત્ર કડક કે નથી વહીવટી તંત્ર આમતો આ સ્થિતી લાંબા સમયથી છે. અને છાસવારે મોજશોખ અને પોતાનો રૂઆબ દેખાડવા આવા ફાયરીંગો થતા આવ્યા છે. પરંતુ આજે જ્યારે અંજારમાં એક લગ્નપ્રસંગમાં ફાયરીંગ કરતો વિડીયો વાયરલ થયો એટલે ફરી કચ્છના એ બહુચર્ચીત ફાયરીંગના કિસ્સાઓ નજર સમક્ષ આવી ગયા ચોક્કસ કેટલાક મામલામાં પોલિસે કાર્યવાહી કરી છે પરંતુ કાર્યવાહી પછી પણ આવા કિસ્સાઓ ઘટવાના બદલે વધી રહ્યા છે. તો કેટલાક કિસ્સા તો સામે જ આવતા નથી. પરંતુ આ તમામ બાબતોમાં એક વાત ચોક્કસ છે કે જો કચ્છમાં વધી રહેલા “ગન” કલ્ચર પર રોક નહી લગાવવામા આવે તો કચ્છમાં પણ ભવિષ્યમા મોટી દુર્ઘટના કે હત્યા માટે તે નિમીત બનશે.

કચ્છમાં ફાયરીંગના આ કિસ્સાઓએ ભારે ચકચાર સર્જિ હતી

આમતો પુર્વ કચ્છમાં દેશી હથિયારો વડે ફાયરીંગ હત્યા અને શિકાર એ આમ વાત છે. ભુતકાળમા અનેક આવા કિસ્સાઓ બની ગયા છે. જે ઘાતક સાબિત થયા છે. પરંતુ અમુક કિસ્સાઓ એવા છે. જેમાં માત્ર મોજશોખ અને પોતાનો રૂતબો દેખાડવા માટે કાયદો હાથમાં લઇને આવા ફાયરીંગો કરાયા હોય
(1). કુંદનપર ગામે સ્વામિનારાયણ મંદિરના મહોત્સવ નિમીતે સંતો,રાજકીય અગ્રણી અને પોલિસની હાજરી વચ્ચે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં કેટલાક એન.આર.આઇ અને કેટલાક સ્થાનીક લોકોએ યાત્રાની શોભા વધારવાના નામે હવામા ફાયરીંગ કર્યુ અનેક વિવાદો અને દબાણ વચ્ચે માનકુવા પોલિસ મથકે ફરીયાદ પણ થઇ પરંતુ અત્યાર સુધી એક પણ આરોપીની આ મામલે ધરપકડ થઇ નથી.
(2). ભુજમાં એક પોલિસપુત્રના લગ્નમાં પણ આવોજ એક કિસ્સો બન્યો હતો. કાયદાના રક્ષકોએ જ કાયદાને તોડી ડી.જે.ના તાલે એક પછી એક હવામા ફાયરીગ કર્યા જે મામલે વીડિયો વાયરલ થયા બાદ એલ.સી.બી જેવી મહત્વની શાખામાથી પોલિસ કર્મચારીઓની બદલી પણ કરાઇ અને ઓસ્માણ બજાણીયા જેવા હિસ્ટ્રીશીટરની પણ આ મામલે ધરપકડ કરાઇ હા એ વાત અલગ છે. કે ફાયરીંગ કરનાર કર્મચારીઓ ફરી સારી જગ્યાએ ગોઠવાઇ ગયા
(3). ભુજના પ્રમુખ સ્વામી નગરમાં જુની અદાવતમાં રાપરના એક ક્ષત્રિય આગેવાની ઘટનામાં અત્યાર સુધી કોઇ તપાસ થઇ નથી. જેમાં ફરીયાદીએ જેતે સમયે ફરીયાદ કરવાનુ ટાળ્યુ હતુ પરંતુ ભરચક વિસ્તારમા ફાયરીંગથી ચકચાર સર્જાઇ હતી. તો માધાપર નજીક નાડાપાના રાજકીય આગેવાન પર ફાયરીંગ થયા બાદ થોડા સમયમાંજ તેની હત્યા કરી દેવાની ઘટના પણ બની હતી. તો પૈસાની લેતીદેતી બાબતે ખત્રી તળાવ નજીક થયેલી હત્યાપણ ભુલાય એવી નથી. તાજેતરમાં રાપર વિસ્તારમાં પણ બંદૂક સાથે ધમકાવતા શખ્શોએ થાંભલે બાંધીને એક વ્યક્તિને લાકડીઓથી ફટકારતો વિડિઓ વાયરલ થયો હતો.

રાજકીય આગેવાનો પણ નથી બાકાત આવા ઢીંચકયાઉંથી  

કચ્છમાં આમતો ઘણા રાજકીય સામાજીક આગેવાનો પાસે પણ સ્વબચાવ માટે કાયદેસર હથિયારના પરવાના છે. પરંતુ તાજેતરમાં જ અબડાસા વિસ્તારના પુર્વ ધારાસભ્ય છબીલભાઈ પટેલે માત્ર આંગળીઓ વડે દુશ્મનોને ધમકી આપી અને તેનો પ્રત્યુતર ભાજપનાજ નેતાઓએ સાચી બંધુક દેખાડી આપ્યો અને તે વિડીયો પણ સોશિયલ મીડીયામાં વાયરલ થયો ભલે તે કદાચ ગુન્હો ન ગણાય પરંતુ વાત અહી હથિયારો વડે શક્તિ પ્રદર્શનની છે.
કચ્છમાં સ્વબચાવ માટે 900થી વધુ લોકો પાસે હથિયારના પરવાના છે પરંતુ છાસવારે બનતા ફાયરીંગના કિસ્સા પોલિસ દ્વારા ઝડપાતા ગેરકાયેસર હથિયારના કારખાના અને તમામ ઘટનાઓ જોતા એક વાત ચોક્કસ છે. કે કચ્છમાં હથિયાર સાથે એન્ટ્રી પાડવાની હોડ વધી છે. અને તેના પર કાયદાની કે તંત્રની કોઇ લગામ નથી. જેને ભુતકાળમાં તો અનેક લોકોના જીવ લીધા છે. પરંતુ કદાચ ભવિષ્યમાં તે વધુ જોખમી સાબિત થઇ શકે તેમ છે ત્યારે પોલિસના ધ્યાને ન ચડેલા કિસ્સામાં તપાસ ન થાય તે કદાચ યોગ્ય ગણી શકાય પરંતુ જે કિસ્સાઓ જગ જાહેર છે. તેવા કિસ્સામાં તો અસરકારક કામગીરની જરૂર છે નહી તો બંધુક જેવા હથિયારો સાથે લોહિયાળ ખેલ ખેલાશે અને ત્યારે તંત્ર અને પોલિસ તેને ડામવા લાચાર હશે..એવું ચોક્કસ લાગી રહ્યું છે.

વાયરલ થયેલા વિડિઓ અહીં જોઈ શકો છો