અલ્લાહની ઈબાદત અને ઈશ્વરની પ્રાર્થના આમ તો સૌ કોઈ દરરોજ કરતા હોય છે. એના માટે કોઈ વિશેષ દિવસ કે સમયની જરૂર નથી હોતી પરંતુ દરેક ધર્મમાં પોતાના આરાધ્ય દેવ માટે ઉપાસના, વ્રત, પૂજા માટે તહેવારો નું વિશેષ મહત્વ રહેલું છે.મુસ્લિમ સમાજમાં પણ રમઝાન માસ દરમ્યાન અલ્લાહની બંદગી નું વિશેષ મહત્વ રહેલું છે. આ વર્ષે મુસ્લિમોના પવિત્ર માસ ગણાતા રમઝાન માસ અને હિન્દુઓના પવિત્ર એવા પુરુષોત્તમ માસ એ બન્ને નું સાથે સાયુજ્ય સર્જાયું છે. આમતો ચાંદના દીદારથી શરૂ થતા રમઝાન માસનો પ્રારંભ ૧૬ મે બુધવાર થી થશે. જેમાં એક માસ દરમ્યાન મુસ્લિમ બિરાદરો રોઝા દ્વારા અલ્લાહ ની બંદગી કરશે. ઇસ્લામ ધર્મના આ વ્રત દરમ્યાન દિવસભર અન્ન, જળને ત્યજવાની સાથે આ ઉપાસના પાછળ રહેલો ઉદેશ્ય ધર્મ સાથે કર્મ,સંયમ અને આત્માની ઉન્નતિ અને મુક્તિ માટેનો છે,સાથે સાથે પરોપકાર અને એકબીજા પ્રત્યે સહાનુભૂતિની અને માનવતાનો પણ છે. એવીજ રીતે અધિકમાસ પણ એજ પ્રણાલી અને પરંપરાને જાળવીને પ્રભુ સ્મરણના માધ્યમ દ્વારા માનવીય સંવેદનાની સાથે આત્માની ચેતનાઓ જાગૃત કરવાનો મહિનો છે આ વર્ષે પણ બન્ને સમુદાયના પવિત્ર મહિનાઓ એક સાથે હોઈ ભાઈચારાની ભાવનાનો સંદેશ પણ આ ઉજવણીમાં ઝીલાશે. રમઝાન દરમ્યાન કચ્છના વિવિધ વિસ્તારોમાં તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે વિવિધ સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓ આ ઉજવણી દરમ્યાન રોઝેદારો માટે જરૂરી વ્યવસ્થામાં વ્યસ્ત બન્યા છે ભુજમાં પણ છેલ્લા ઘણા સમયથી સેવા આપતા કાસમભાઈ ચાકી આ વર્ષે પણ બિસ્મિલ્લાહ સંસ્થાના બેનર તળે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ કે તેમની સાથે આવેલા બરદાસીઓ માટેની સેવામાં જોડાશે. તો બીજી તરફ અધિક માસના આયોજન માટે કચ્છના પવિત્ર સ્થળોએ પણ તૈયારીઓ કરાઈ છે પુણ્યના આ પવિત્ર અવસરે થનારા આયોજનમાં પણ વિવિધ દેવ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પણ આયોજન સાથે ઉજવણીમાં વ્યસ્ત બનશે.
વર્તમાન સમયને અનુરૂપ રમઝાન દરમ્યાન રોઝેદારોએ શું રાખવી કાળજી?
રમજાનના સમયમાં રોજા રાખનાર બિરાદરોએ ખાવા પીવામાં ખૂબ સતર્ક રહેવું જોઈએ સેહરી(વહેલી સવારે લેવાતો ખોરાક) થી લઈને ઈફ્તારી(સાંજનુ ભોજન) સુધીના ખાવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. તો આવો જાણી લઈએ કે આ દરમિયાન એક રોઝેદારે શુ ખાવુ જોઈએ અને કંઈ કંઈ વસ્તુઓથી દૂર રહેવુ જોઈએ ?
આ વસ્તુઓથી રહો દૂર – ચિકન – પરોઠા – બટાકાથી બનેલી વસ્તુઓ – વધુ કોફી કે સોડાથી પરેજ – પીનટ બટર.
આ વસ્તુઓનુ કરો સેવન – સેવઈ(સેહરી) – નારિયળ પાણી – ખજૂર – તાજા ફળ – દૂધ અને દહી.
આ ઉપરાંત ઈફ્તારમાં ખજૂર ખાવી લાભકારી રહે છે. કારણ કે તેમા આયરન અને બીજા પોષક તત્વ હોય છે. ઈફ્તારી સમયે તળેલા ભોજન ખાવાથી બચો. તેનાથી રોજામાં મુશ્કેલી આવી શકે છે અને ઓડકાર આવવાની શક્યતા વધે છે.
રમઝાન માસ નો સંદેશ
મુસ્લિમ સમાજમાં પવિત્ર રમઝાન મહિનાનું મહત્વ સવિશેષ છે. આમતો, પવિત્ર રમઝાન માસનું ધાર્મિક મહત્વ અને ઉપદેશ ઘણો જ છે.પણ સહેજ ટૂંકાણ માં પવિત્ર કુરાન ગ્રંથની સૂર:બકરહની ૧૮૩ મી આયાતને ટાંકીને લખીએ તો અલ્લાહે માહે રમઝાન રોઝા ફર્ઝ કર્યા છે કે,જેથી મુસ્લિમોમાં સંયમના ગુણ પેદા થાય.
પુરુષોત્તમ મહિનો (અધિકમાસનું મહત્વ અને તહેવારો)
સૂર્યના સિદ્ધાંત અનુસાર દર ત્રણ વર્ષે અધિકમાસ આવે છે જ્યોતિષ વિજ્ઞાન અને શાસ્ત્રમાં થયેલા ઉલ્લેખ મુજબ 12 માસમાં એક માસ બેવડાય છે તે અધિક માસ તરીકે ઓળખાય છે અને ઉપનિષદ મુજબ પુરુસોત્તમ માસ કહેવાય છે આ માસ દરમ્યાન ભાગવત કથા શ્રવણ સહિત દાન પુણ્યને મહત્વ અપાયું છે આ માસમાં પિતૃ તર્પણથી માંડીને તીર્થ યાત્રાનું ફળ પણ વિશેષ હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
અધિક જ્યેષ્ઠના ઉત્સવો – 16 મે અધિક જ્યેષ્ઠ ચંદ્રોદય – 25 મે પદ્મિની એકાદશી – 26 મે પ્રદોષ વૃત – 29 મે અધિક જ્યેષ્ઠ પૂર્ણિમા.
અધિકમાસ નો સંદેશ
અધિકમાસ દરમ્યાન પવિત્ર ધાર્મિક સ્થળોએ કથાનું મહત્વ સવિશેષ હોય છે. પિતૃઓના મોક્ષાર્થે યજમાન પરિવારો ભાગવત કથાનું આયોજન કરે છે.પરિવાર માં ધર્મ,નીતિ,સંયમ,દાન, પુણ્ય નું આચરણ રહે તે ઉદ્દેશ્યથી ભાગવત કથાનું આયોજન કરાય છે.કચ્છમાં નારાયણ સરોવર મધ્યે ભાગવત કથા અને સરોવર પૂજન થાય છે. જેમાં ખેડૂતો નારાયણ સરોવરના કાંઠે જમીન પર મુઠીભાર ધાન્ય વાવીને તેના ઉપર પવિત્ર નારાયણ સરોવરનું પાણી રેડીને ખેતી કરતા હોય એજ રીતે જમીન ઉપર લીટા કરી ખેતી કરે છે. આના પાછળની માન્યતા વર્ષ દરમ્યાન સારું ધન-ધાન્ય થાય તે છે. હિન્દુ ધર્મમાં નારાયણ સરોવર પવિત્ર સરોવર હોઈ અહીં અધિક માસ દરમ્યાન લોકોની અવરજવર વધુ રહે છે.