બદલાતા સમય ની વચ્ચે પણ હજી બાળલગ્નો યોજાઈ રહ્યા છે. હજી હમણાં જ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી એ બે બાળલગ્ન અટકાવ્યા હતા. હવે ફરી ભચાઉ માં બાળલગ્ન યોજવામાં આવ્યા હોવાનો કિસ્સો ધ્યાને આવતાં તંત્ર દોડી ગયું હતું. આ સમગ્ર કિસ્સા અંગે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એન.એસ.ચૌહાણે જણાવ્યું હતું કે ભચાઉના બટિયા તળાવ વિસ્તારમાં રહેતા દેવીપૂજક પરિવાર દ્વારા તેમની ૧૬ વર્ષની સગીર છોકરીને પરણાવવાની કોશિષ કરાઇ રહી છે. એટલે સમાજ સુરક્ષા કચેરી ની ટીમ અને ભચાઉ પોલીસે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી. શ્રી ચૌહાણે આપેલી સત્તાવાર માહિતી પ્રમાણે દેવીપૂજક પરિવાર દ્વારા તેમની ૧૬ વર્ષની છોકરીના લગ્ન નું ૨૫ મી મે એ આયોજન કરાયું હતું. પરંતુ તંત્રને આગોતરી જાણ થતાં બાળલગ્ન પ્રતિરોધક ધારા હેઠળ રેસ્ક્યુ કામગીરી હાથ ધરીને ૧૬ વર્ષીય સગીર છોકરીને ભુજ ના મહિલા કલ્યાણ કેન્દ્રમાં લઈ આવવામાં આવી છે. આમ , બાળલગ્ન યોજાય તે પહેલા થી જ તંત્ર એલર્ટ હોતા આ બાળલગ્ન સફળતાપૂર્વક અટકાવી શકાયા હોવાનો દાવો સમાજ સુરક્ષા અધિકારી એમ.એસ. ચૌહાણે ન્યૂઝ4કચ્છ સમક્ષ કર્યો હતો.