સખત ગરમી વચ્ચે આ વખતે ગુજરાતમાં ચોમાસુ સંભવતઃ વહેલું આવે તેવી શકયતા વચ્ચે જિલ્લા કલેકટર રેમ્યા મોહને ભુજ મધ્યે વિવિધ વિભાગો સાથે પ્રિમોન્સૂન બેઠક યોજી હતી. આ બેઠક માં વરસાદ ની પરિસ્થિતિ ને પહોંચી વળવા આગોતરી તૈયારી અંગે ચર્ચા વિચારણા સાથે કલેકટરશ્રી એ વિવિધ કચેરીઓના વડાને જરૂરી સુચના ઓ આપી હતી. જે અનુસાર કચ્છ જિલ્લામાં કોઈ આંગણવાડીઓ કે શાળાઓના મકાનો જો જર્જરિત હોય તો તે અંગે આઈ.સી.ડી.એસ. અને શિક્ષણ કચરીને સર્વે કરીને રિપોર્ટ આપવા જણાવાયું હતું. ચોમાસા દરમ્યાન જિલ્લામાં ક્યાંયે રોગચાળો ફાટી ન નીકળે તે માટે જિલ્લા આરોગ્ય અધિકારીને તેમ જ પશુઓ માં રોગચાળો ફાટે નહી તે માટે જિલ્લા પશુપાલન અધિકારીને આગોતરા પગલાં ભરવા તાકીદ કરાઈ હતી. જિલ્લા ના શહેરી વિસ્તારોમાં ક્યાંયે પાણી ન ભરાય તે માટે નાળા સફાઈની કામગીરી વ્યવસ્થિત રીતે પુરી થાય તે જોવા નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને સૂચના આપી હતી. સમગ્ર જિલ્લામાં પીવાના પાણી ની વ્યવસ્થા બરાબર જળવાઈ રહે, પાણીની લાઈનોમાં ભંગાણ ન પડે તે જોવા માટે પાણી પુરવઠા અધિકારીઓને સતર્ક રહેવા જણાવાયું હતું. જિલ્લા ના નાની અને મોટી સિંચાઈ ના ડેમ માં ક્યાંયે લીકેજ કે ભંગાણ હોય તો તે પુરવા અંગે ની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા સિંચાઈ વિભાગને જણાવાયું હતું.તો,વીજ પુરવઠો ચોમાસા દરમ્યાન ખોરવાય નહિ તે માટે અત્યારથી જ જરૂરી કામગીરી પૂર્ણ કરવા PGVCLના અધિકારીઓને જણાવાયું હતું. પોલીસ તંત્ર પણ આફ્તની પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા સતર્ક રહે તેની ચર્ચા કરાઇ હતી. એકંદરે આ બેઠકમાં ચોમાસાને ધ્યાને લઈને તે અંગે પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી,જેમાં કચ્છની તમામ સરકારી કચેરીઓના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેકટરે લીધેલા ‘ક્લાસ’ પછી શું સ્થાનીક તંત્ર કરશે અસરકારક કામગીરી ?
આમ તો, પાછલા બે વર્ષથી કચ્છમા ભારે વરસાદ રહ્યો નથી. પરંતુ આ પહેલા ભારે વરસાદ દરમ્યાન અબડાસા, બન્ની વિસ્તારમાં સારા વરસાદથી અનેક ગામો તબાહ થયા હતા અને જાન માલ ને ભારે નુકસાન થયું હતું. ત્યારે ભારે વરસાદથી કોઇ જાનમાલને નુકસાની ન જાય તે માટે તમામ પાલિકા સહિત સંલગ્ન તંત્ર સાથે આજે કલેકટરે આગોતરી બેઠક યોજી ને જરૂરી સૂચના આપી તે આવકાર્ય છે.પણ થોડા જ વરસાદમાં શહેરોમાં ભરાતા પાણી અને વીજપુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા કાયમી છે. આવી બેઠકો દર વખતે થાય છે.પરંતુ વરસાદ દરમ્યાન તંત્રના વિવિધ વિભાગો વચ્ચે સંકલન નો અભાવ અને જિલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા માહિતી મેળવવાની મુશ્કેલીનો અનુભવ થાય છે,ત્યારે પ્રજાને પડતી મુશ્કેલી પ્રજાજનો જ જાણે છે,આવી બેઠક ની ફલશ્રુતિ ત્યારે ગણાય ત્યારે લોકોને વરસાદની મુશ્કેલી દરમ્યાન તંત્રની અસરકારક કામગીરીનો અનુભવ થાય.જિલ્લા કલેકટર રેમ્યા મોહને બોલાવેલી પ્રિમોન્સૂન બેઠક આવકાર્ય છે. પરંતુ આફતના સમયે યોગ્ય સંકલન થાય તો જ આવી બેઠકો સફળ ઘણી શકાય.