ભુજ નગરપાલિકા સામે સફાઈ કામદારોએ આદરેલી લડત દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહી છે. હવે આ લડતમાં અખિલ કચ્છ વાલ્મિકી સમાજે ઝુકાવીને કચ્છ જિલ્લા ભાજપની ઑફિસે જઈને ભુજ નગરપાલિકા ના શાસન વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરીને લેખિતમાં ભ્રષ્ટાચારના ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.આ લડતમાં જોડાયેલા કચ્છના વાલ્મિકી સમાજ આજે સમગ્ર કચ્છમાં સફાઈની કામગીરીથી અળગો રહ્યો હતો અને આ લડતને ટેકો આપ્યો હતો. છેલ્લા ૨૨ દિવસ થી ભુજ નગરપાલિકા ની કચેરી સામે દરરોજ ૫ સફાઈ કામદારો દ્વારા કરાતા પ્રતીક ઉપવાસ અને ૨૫૦ જેટલા સફાઈ કામદારોની આ લડતમાં હવે કચ્છના વાલ્મિકી સમાજે ઝુકાવતાં હવે કોકડું વધુ ગૂંચવાયું છે.એક બાજુ નગરપાલિકા નમતું જોખવા તૈયાર નથી, બીજી બાજુ ૨૫૦ સફાઈ કામદારો તેમની માંગણી મજૂર ન થાય ત્યાં સુધી કામે ચડવા તૈયાર નથી. જોકે, આ સામસામી જિદ માં ભુજ આજે કચરા ના ગંજ વચ્ચે ‘ડર્ટી સીટી’ માં ફેરવાઈ ગયું છે.
ખુદ કર્મચારીઓના જ ભુજ પાલિકા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો..
સમગ્ર લડતનો મુદ્દો સફાઈ કર્મચારીઓના આક્ષેપ પ્રમાણે સફાઈ કોન્ટ્રાક્ટનો છે. અખિલ કચ્છ વાલ્મિકી સમાજે કચ્છ ભાજપને આપેલી લેખિત રજુઆતમાં આક્ષેપ કર્યો છે કે પાલિકા ૨૫૦ સફાઈ કામદારો ને દર મહિને ૯૪૦૦ રૂપિયા લઘુતમ વેતન આપતી હતી તેનો ખર્ચ દર મહિને ૨૩ લાખ ૫૦ હજાર રૂપિયા થાય. પણ ભુજ નગરપાલિકા એ સફાઈનો કોન્ટ્રાક્ટ ૪૬ લાખ રૂપિયામાં ખાનગી પાર્ટીને આપી દીધો છે.તો દર મહિને ૨૨ થી ૨૩ લાખ રૂપિયા શા માટે વધુ ચૂકવાય છે. વાલ્મિકી સમાજે સ્પષ્ટ રીતે દર મહિને ૨૨ થી ૨૩ લાખ રૂપિયા કોના ખિસ્સામાં જાય છે?એવા સવાલ સાથે ભ્રષ્ટાચાર ના આક્ષેપો કર્યા છે. તો,સફાઈ કોન્ટ્રાક્ટર સામે દલિત સફાઈ કામદારો ને દર મહિને માત્ર ૬૪૦૦ રૂપિયા આપીને શોષણ કરવાનો આક્ષેપ કર્યો છે. ભુજ નગરપાલિકાના શાસકોના કારણે સફાઈ કોન્ટ્રાકટ લેનારને બે હાથ માં લાડુ છે, એક બાજુ વધુ રૂપિયા નગરપાલિકા આપે અને બીજી બાજુ સફાઈ કામદારોને ઓછા રૂપિયા ચૂકવવાના. કડવું સત્ય તો એ છે કે, સફાઈના નામે સરકારની ગ્રાન્ટ અને પ્રજાના કરવેરા ના રૂપિયાની તિજોરી ભાજપના યુવા શાસકો સાફ કરી રહ્યા છે અને જિલ્લા ભાજપ ના આગેવાનો ધૃતરાષ્ટ્રની જેમ બેઠા બેઠા જોઈ રહ્યા છે.
દલિત પ્રમુખના રાજ માં જ અન્યાય ? નગરપાલિકાના પ્રભારીઓ ક્યાં છે ?
સફાઈ કામદારોએ ન્યાય માટે જીજ્ઞેશ મેવાણી પાસે પણ ધા નાખી છે.પ્રમુખ અશોક હાથી દલિત હોવા છતાંયે દલિત સમાજના સફાઈ કામદારોને અન્યાય થઈ રહ્યો છે. તેમના કાર્યકાળના અંતિમ તબક્કામાં ભ્રષ્ટાચારના આક્ષેપો અને લાંબા સમયથી ચાલતી આ હડતાલ તેમના શાસન માટે કાળી ટીલ્લી બનશે ? ભુજ નગરપાલિકા ના સુશાસન માટે બે ઝોન માં શહેરને વહેચી ને જુના જોગીઓ બાપાલાલ જાડેજાને અને નરેન્દ્ર મેઘજી ઠક્કર ને સંકલન ની જવાબદારી સોંપાઈ હતી. પણ, શાસક પક્ષના નેતા ડો રામ ગઢવી હોય કે બાપાલાલ જાડેજા અને નરેન્દ્ર મેઘજી ઠક્કર વહીવટમાં દખલ કરવા તૈયાર નથી ? શા માટે ? ભાજપ ના અનેક નગરસેવકો, મહિલા નગરસેવિકાઓ એકહથ્થુ શાસન થી નારાજ છે. ભાજપ ની આંતરિક ગુસપુસ હોય કે પછી પાલિકાના કર્મચારીઓની ચર્ચા હોય દરેકનો સુર એજ છે કે, પાલિકામાં અત્યારે શૈલેન્દ્રસિંહ જાડેજા અને ધીરેન ઠક્કરનું વહીવટ ઉપર વર્ચસ્વ છે અને પ્રમુખ અશોક હાથી પણ તેમનું જ માને છે. ખરી વાસ્તવિકતા એ છે કે જિલ્લા ભાજપે ભુજ ના લોકોને સુશાસન મળે તે માટે યુવા ભાજપ ને તક તો આપી પણ, ભુજ ની પ્રજાને પહેલાં કરતાંયે વધુ પીડા મળી. ખુદ ભુજ ના ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા ભાજપ પણ આ સત્યને જાણે છે અને અનેકવાર જાહેરમાં નારાજગી પણ વ્યક્ત કરી ચુક્યા છે.