સુજલામ સુફલામ જળસંચય યોજનાના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોની અટકાયતે ખળભળાટ સર્જ્યો છે. મળતી માહિતી પ્રમાણે આજે મુંદરાના ભુજપુર ગામે રાજ્ય કક્ષાના પાણી પુરવઠા અને સિંચાઈ મંત્રી પરબત પટેલની ઉપસ્થિતિમાં પર્જન્ય યજ્ઞનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમ્યાન મુંદરા તાલુકા ભારતીય કિસાન સંઘના આગેવાનો મનજી કરસન પટેલ,વિરમ ગઢવી, રામ ગઢવી અને અન્ય કિસાનો નર્મદાના પાણી, સિંચાઈ, PGVCL ના વીજ પ્રશ્નો, જીરાનાં ભાવ સહિતના અન્ય મુદ્દે રજુઆત કરવા માંગતા હતા. દરમ્યાન ભારતીય પરંતુ તેમની રજુઆત પહેલાં જ પોલીસે આગોતરા અટકાવતાં વાતાવરણ ઉગ્ર થયું હતું અને એક તબક્કે ઘર્ષણ ઉભું થયું હતું અને નારાજ કિસાનોએ આક્રોશપૂર્વક પોતોનો વિરોધ દર્શાવ્યો હતો. જોકે, ભારતીય કિસાન સંઘ મુંદરા તાલુકાના પ્રમુખ મનજીભાઈ પટેલે ચાર જેટલા ખેડૂત આગેવાનોને પોલીસે નજરકેદ રાખ્યા હોવાનો અને મંત્રી પરબતભાઇ પટેલને કિસાનોના પ્રશ્નોની રજુઆત કરતા પોલીસે અટકાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. મનજીભાઈ પટેલે ૩૦ જેટલા કિસાનોની પોલીસે અટકાયત કરી હોવાનો દાવો કર્યો હતો. અગાઉથી મંજુરી ન હોઈ ૧૫ જેટલા કિસાનોની અટકાયત કરાઈ હોવાનો ખુલાસો મુંદરા પોલીસે કર્યો હતો. જોકે, આખોયે કાર્યક્રમ હેમખેમ અને શાંતિપૂર્વક પૂર્ણ થયો હતો.આર.એસ.એસ.ની જ કિસાન પાંખ એવી ભારતીય કિસાન સંઘ ઘણા લાંબા સમયથી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારથી નારાજ છે. જેની અસર કચ્છમાં પણ વરતાઈ રહી છે.