કચ્છમા એરફોર્સના પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ અગાઉ પણ બની ચુકી છે પરંતુ, મુંદરાના બેરાજા નજીક તારીખ ૫ મી જૂને બનેલી એ ઘટના કચ્છ ક્યારેય નહી ભુલે, કેમકે આ ઘટનામાં દેશે એક ઉચ્ચ તાલીમી,અનુભવી અને શુરવીર અધિકારી ગુમાવ્યા છે. ૫ મી જૂને એરફોર્સના ફાઇટર પ્લેને ઉડાન ભરી પરંતુ કોઇ યાંત્રિક ક્ષતિના કારણે પ્લેન કચ્છના બેરાજા ગામ પાસે ક્રેશ થયુ જેમાં જામનગર એરબેઝના કોમોડોર સંજય ચૌહાણ વીરગતિ પામ્યા. એરફોર્સની તપાસ દરમ્યાન ફાઇટર પ્લેનના ટુકડાઓની સાથે તેમનું શરીર પણ ટુકડાઓમાં વિખરાયેલું મળ્યું. તેમના પાર્થિવ દેહના છુટા અવયવોને એરફોર્સે સન્માન સાથે જામનગર મોકલ્યા. જ્યાં ગુરુવારે તેમના પરિવારની હાજરીમાં એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોએ વિરગતી પામેલા કોમોડોર સંજય ચૌહાણને ભીની આંખે અંતિમ વિદાય આપી હતી. એરફોર્સમાં સલામી સાથે તેમની અંતિમયાત્રા નિકળ્યા બાદ જામનગરના સ્મશાનગૃહમાં તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી.
કચ્છમાં પણ અપાઈ અંજલી
એરકોમોડોર સંજય ચૌહાણનું ફાઇટર પ્લેન જ્યાં ક્રેશ થયું હતું તે બેરાજા અને તેની આસપાસના ગ્રામજનોએ પણ તેમને અંજલી આપી હતી.
પોતાની લશ્કરી કારકીર્દી દરમ્યાન વીરતા બદલ વાયુસેના મેડલ મેળવી ચુકેલા એર-કોમોડર સંજય ચૌહાણ વિરગતી પામતા રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય પ્રધાનોએ તેમને અંજલી આપીને આ ઘટનાને દુખદ ગણાવી દેશે એક શુરવીર, બાહોશ અને અનુભવી લશ્કરી અધિકારી ગુમાવ્યા હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. એરકોમોડોર સંજય ચૌહાણની અંતિમવિધિ માદરે વતનમાં શક્ય ન હોતા તેમને જામનગર મધ્યે અંતિમ વિદાય અપાઈ હતી. અંતિમયાત્રા દરમ્યાન ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા, કેમકે દેશે એક બહાદુર અને ફાઇટર પ્લેન જેવાજ એક ફાઇટર કોમોડોરને પણ ગુમાવ્યા છે…. અમર જવાનને સો સો સલામ… જય હિંદ..