રાજ્કીય કાર્યકરો અને મીડીયાની સાથે હવે ભુજના લોકોમાં પણ એ જ ચર્ચા છે કે ભુજ પાલિકાના પ્રમુખ કોણ બનશે? ૧૨મી જૂનની આડે હવે ગણતરીના જ કલાકો છે ત્યારે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે જુના ચર્ચાતા નામો બદલાતા જાય છે અને નવા નામો બહાર આવતા જાય છે ત્યારે હવે એ જ સવાલ છે કે ભુજ પાલિકામાં પ્રમુખ કોણ બનશે નવો ચહેરો હશે કે પછી જુના ચર્ચાતા નામો વાળા જુના મોહરા? આમ તો, ભુજ પાલિકાના પ્રમુખ તરીકે અત્યાર સુધી ધારાસભ્ય નિમાબેનની નજીક ગણાતા મહિલા સભ્યોમાં સૌથી પહેલી ચર્ચા રેશ્માબેન ઝવેરીના નામની અને તેમની સાથે જ્ઞાતીવાદી સમીકરણોના આધારે ગોદાવરીબેન ઠક્કરનું નામ ચર્ચાતું હતું. તે વચ્ચે એકાએક નીમાબેનના જૂથમાંથી જ શુશીલાબેન આચાર્યનું નામની ચર્ચા શરૂ થઈ. જોકે, અન્ય મહિલા સભ્યોમાં ગણગણાટ પણ શરૂ થઈ ગયો કે ભુજ પાલિકાના ભ્રષ્ટ અને ગેરવહીવટ સમયે ઉપપ્રમુખ શુશીલાબેન કેમ મૌન હતા. હવે જે જુના ૩ મહિલા સભ્યો રેશ્માબેન, ગોદાવરીબેન અને શુશીલાબેનના નામો ચર્ચામાં હતા ત્યાંજ એ જુના મોહરાઓને બદલે પ્રબળ દાવેદારી માં લતાબેન સોલંકીનો નવો ચહેરો પ્રમુખ તરીકે ચર્ચામાં આવી ગયો. જોકે, આ રાજકીય ફેરબદલનું કારણ શું?
ભાજપ પાર્લામેન્ટરી માં બધા ધારાસભ્યોએ એક જ નામ સૂચવ્યું તો ભુજના ધારાસભ્ય એ શું કહ્યું?
એકાએક ભુજ પાલિકાના પ્રમુખના નામમાં લતાબેન સોલંકી પ્રમુખ તરીકે અને ડો રામ ગઢવીનું નામ ઉપપ્રમુખ તરીકે ચર્ચામાં ઉભરી આવ્યું છે, તેની સાથેના રાજકીય સમીકરણોને ખુદ ભાજપના જ નગરસેવકો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની ચર્ચા સાથે જોડે છે,અને કચ્છ ભાજપમાં ચર્ચાતી રાજકીય ગુસપુસનો બંધ હોઠો સાથે હવાલો આપે છે. કમલમમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ
માં માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ માંડવી પાલિકા માટે મેહુલ શાહનું, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ પાલિકા માટે કાનજી ભર્યાનું નામ આપ્યું હતું. એ બન્ને જગ્યાએ ધાર્યું ધરાસભ્યનું થયું. વાસણભાઇ આહિરે અંજાર પાલિકા માટે આપેલી ૩ નામોની યાદીમાં પોતાનું મંતવ્ય વર્ષોથી કામ કરતા એક યુવા નેતા તરફ દર્શાવ્યુ હોવાની ચર્ચા છે. પણ ભુજ પાલિકાનો ભ્રષ્ટાચાર માટે ઉધડો લેવાયા બાદ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ સ્વચ્છ વહીવટ આપી શકે તેવા સક્ષમ મહિલા ઉમેદવારનું નામ આપવાનું કહ્યું પણ ધારાસભ્ય નિમાબેન આચાર્યએ કોઈ નામ સુચવ્યું નહી, જિલ્લા ભાજપ સંગઠનને પણ એકેય નામ ભુજ પાલિકા પ્રમુખ માટે સૂચવ્યું નહીં. આ ચર્ચા વાયુવેગે વહેતી થઈ અને ભુજ પાલિકાના ભ્રષ્ટાચાર માટે ઠપકો મળ્યાની અને સર્વસંમતિથી પ્રમુખ તરીકે કોઈ જ નામ ન આવ્યું હોવાની ચર્ચા તરતજ સમગ્ર કચ્છ સહિત ભુજમાં શરૂ થઈ ગઈ. તે સાથે જ આંતરિક રાજકારણ ભુજમાં ગરમાયું છે અને ચર્ચાતી રાજકીય બાબતોને ધ્યાને લઈએ તો એક એવો તર્ક વહેતો થઈ રહ્યો છે કે ભુજ પાલિકાના પ્રમુખપદ માટે સમાધાન થયું છે. લતાબેન સોલંકી RSS ના દિલીપ ત્રિવેદીના નજદીકના ગણાય છે તો પ્રમુખ તરીકે જો અન્ય જ્ઞાતિ ના ઉમેદવાર હોય તો કારોબારી ચેરમેન તરીકે નીમાબેનની નજદીકના ભરત રાણા અને ધીરેન ઠક્કર આવી શકે તો ભાડાના ચેરમેન તરીકે શંકર ઠક્કરની દાવેદારી પ્રબળ બને. આ બધા વચ્ચે ડો.રામ ગઢવી ઉપપ્રમુખ તરીકે બન્ને જૂથ ને માન્ય હોઈ સ્વચ્છ વહીવટ માટે અને ભુજ પાલિકાના વહીવટમાં લતાબેન જો ક્યાંક ઢીલા પડે તો સંભાળી લે એ રીતે મજબૂત દાવેદાર તરીકે ઉપસી આવ્યા છે.
જ્ઞાતિવાદી સમીકરણ ટર્નિંગ પોઇન્ટ?
રાજકારણમાં જ્ઞાતિવાદી સમીકરણ મહત્વનો ભાગ ભજવી શકે છે,ભુજ પાલિકાના પ્રમુખની ચૂંટણીના અત્યારસુધીના ઉતારચડાવ અને ચર્ચાએ ભુજના લોકોને આનો અનુભવ કરાવ્યો છે. ભુજના સોની સમાજે ચૌલાબેન સોની અને લતાબેન સોલંકી માટે ભાજપ સમક્ષ પ્રતિનિધિત્વ આપવા રજુઆત કરી હતી. જ્યારે ભુજ પાલિકામાં ૭ જેટલા લોહાણા નગરસેવકો ધરાવતા લોહાણા સમાજને સ્વાભાવિકપણે જ પ્રતિનિધિત્વ માટે અપેક્ષા હોય જ. એટલે કદાચ પ્રમુખ પદ નહી મળે તો કારોબારી ચેરમેન અને ભાડા નું ચેરમેન પદ લોહાણા આગેવાનને મળી શકે છે.પરંતુ મજબૂત દાવેદાર માટે શરૂઆતમાં ઉભરી આવેલા રેશ્માબેન ઝવેરી માટે જૈન સમાજ દ્વારા લોબિંગ ન થયું તે કારણ પણ કદાચ કારણભૂત ગણી શકાય.
જોકે, અંતે એક વાત તો સ્પષ્ટ છે કે રાજકારણને સમજવું મુશ્કેલ છે, તેનો અનુભવ ભુજ પાલિકાના મહિલા સભ્યોને તો થઈ રહ્યો છે પણ તેમના પતિ, પુત્ર ,ભાઈ, બહેન, પુત્રી, પુત્રવધુઓ અને વેવાઈઓ તેમ જ સ્નેહીજનો ને થઈ રહ્યો છે કારણકે, લોબિંગ માટે ભલામણ કરનારાઓ ને જે ખાત્રી હતી કે હવે “આપણાંવાળા” પ્રમુખ બનશે તેઓ બીજાના નામ સાંભળીને આશ્ચર્યમાં પડી જાય છે. જોકે, ૧૨ મી એ ૧૧ વાગ્યે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ હશે.