Home Current ભુજપાલિકામાં પ્રમુખ લતાબેન ઉપપ્રમુખ રામભાઈ જાહેર-જાણો અંદરની વાત

ભુજપાલિકામાં પ્રમુખ લતાબેન ઉપપ્રમુખ રામભાઈ જાહેર-જાણો અંદરની વાત

3826
SHARE
ભારે ઉતાર ચડાવ અને રાજકીય હલચલ બાદ ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી નું સસ્પેન્સ પૂરું થઈ ગયું છે. ભુજ નગરપાલિકાના સભાખંડમાં ડેપ્યુટી કલેકટર રવીન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિ માં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ભાજપના સભ્યો એ બહુમતી સાથે પ્રમુખ તરીકે લતાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ડો રામ ગઢવીને ચૂંટીને પોતાની મંજૂરીની મોહર મારી હતી. આ ચૂંટણી અનેક રીતે રસપ્રદ અને ચડાવઉતાર વાળી રહી હતી. ખાસ કરીને મહિલા સભ્યો માટે !! મોટેભાગે પ્રમુખ તરીકેની દાવેદરીમાં જે મહિલા સભ્યોના નામ ચર્ચામાં હતા તેમને માટે રાજકારણનો આ અનુભવ મીઠો ઓછો અને કડવો વધુ રહ્યો હતો. તેમના માટે એ સમજવું અઘરું હતું કે મોટાભાગના નેતાઓ એ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમનું નામ ફાઇનલ છે ચિંતા નહિ કરતા. પણ, અચાનક નવા નામ અને નવા રાજકીય સમીકરણ કેમ થઈ ગયા ??

અંદરની વાત અને ચાલતી રાજકીય ચર્ચા શું છે?

શરૂઆતમાં ભુજ પાલિકાના પ્રમુખની બેઠક માટે ચાર દાવેદારો રેશ્માબેન ઝવેરી, ગોદાવરીબેન ઠક્કર, શુશીલાબેન આચાર્ય અને પ્રકાશબા જાડેજા હતા. તેમાં છેલ્લું નામ લતાબેન સોલંકીનું ઉમેરાયું એટલે પાંચ દાવેદારો થયા. પ્રમુખની બેઠક એક અને દાવેદારો વધુ હોય એટલે સ્વાભાવિક છે કે હોદા માટે સ્પર્ધા તો હોય જ. એક તબક્કે તો ચારેય પ્રતિસ્પર્ધીઓ ધારાસભ્ય નિમાબેન નું સમર્થન પોતાને રહેશે એવા આત્મવિશ્વાસ સાથે પોતાની પ્રમુખ તરીકેની દાવેદારીને મજબૂત માનતા હતા. પણ, જેમ જેમ નવા નામો આવતા ગયા તેમ તેમ શરૂઆતના ચારેય દાવેદારોએ પોતાની રીતે રાજકીય સંપર્કો સાથે ગાંધીનગર સુધી લોબિંગ શરૂ કરી દીધું. એક માત્ર લતાબેન સોલંકી RSS અને દિલીપભાઈ ત્રિવેદીની સાથે જિલ્લા ભાજપના સંગઠનના ભરોસે ઘેર જ બેઠા હતા અને ક્યાંયે દોડ નહોતી લગાવી. જ્યારે ભાજપના વર્તુળોની ચર્ચાને માનીએ તો ગોદાવરીબેન માટે શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલા સુધી લોબિંગ થયું હતું. ગોદાવરીબેન માટે તેમના પુત્ર મિત ઠક્કર સાંસદ થી માંડીને પૂર્વ ધારાસભ્યો સુધી સતત દોડતા રહ્યા હતા. શુશીલાબેન માટે ખુદ ધારાસભ્ય સમર્થનમાં હોવાની ચર્ચા વચ્ચે તેમના પતિ ડો પી. એન. આચાર્ય RSS ના તેમના જુના સંપર્કો સાથે પ્રદેશ ભાજપના ડોકટર સેલ સાથે સંપર્કમાં હતા. પ્રકાશબા માટે તો તેમના પતિ અને APMCના ચેરમેન મનુભા જાડેજા છેલ્લા દિવસ સુધી ગાંધીનગર માં ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પુરુષોત્તમ રૂપાલા સુધી દોડતા રહ્યા હતા. રેશ્માબેન માટે પૂર્વ ધારાસભ્યો તારચંદભાઈ છેડા અને પંકજ મહેતા એ ભલામણ કર્યાની જ્યારે ભુજ જૈન સમાજના પ્રમુખ મુકેશ ઝવેરી અળગા રહ્યા હોવાની ચર્ચા છે.

શા માટે ફાવ્યા ?

પહેલીજ વાર પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે ભુજ નગરપાલિકાના ભ્રષ્ટાચારની ચર્ચા કરીને કચ્છ ભાજપનો ઉધડો લીધો. એટલે પાર્ટીને જિલ્લા મથક ભુજ માં પોતાનું નાક બચાવવા સ્વચ્છ ઉમેદવાર ની જરૃરત હોઈ પ્રમુખ તરીકે લતાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ડો. રામ ગઢવીની તેમની દાવેદારી મજબૂત બની અને તેઓ ફાવ્યા. હવે એ જોવું રહ્યું કે તેઓ અશોક હાથી અને શૈલેન્દ્રસિંહ જાડેજા ની જેમ ચર્ચાસ્પદ વહીવટ ચલાવશે કે પછી ભુજને સ્વચ્છ વહીવટ આપશે ? ભુજ પાલિકાના પુત્વ શાસકો ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા સંગઠનને પણ ગાંઠતા ન હોવાની ચર્ચા ભાજપ વર્તુળોમાં હોઈ તેની અસર પાર્લામેન્ટરી બોર્ડ માં પડી હોવાની વાતો થઈ રહી છે.