લાગે છે કે હવે અન્ય ચૂંટણીઓની જેમ શૈક્ષણિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ હંગામો સર્જનારી બની રહી છે. તેમાંયે હવે મુંબઇ, દિલ્હી જેવા મોટા શહેરોની યુનિવર્સિટીઓની જેમ જ કચ્છ યુનિવર્સિટીમાં પણ ચૂંટણીઓના કારણે વિદ્યાર્થી વર્ગનો મિજાજ ગરમ બની રહ્યો છે. આગામી મહિને યોજાનારી કચ્છ યુનિવર્સિટીની સેનેટ સભ્યોની ચૂંટણી સંદર્ભે નારાજ એબીવીપીની વિદ્યાર્થી પાંખે આજે ઉગ્ર વિરોધ સાથે ડખો કરતા કચ્છ યુનિવર્સિટીમાં હંગામો મચી ગયો હતો. સેનેટની ચૂંટણીમાં અનેક વિદ્યાર્થીઓના મતદાર લિસ્ટ માંથી નામ નીકળી જતા એબીવીપીની વિધાર્થી પાંખે સેનેટ ચૂંટણીના કોઓર્ડીનેટર પ્રો. ગીરીન બક્ષીનું મોઢું કાળું કરીને ઉગ્ર વિરોધ દર્શવ્યો હતો. દરમ્યાન પ્રોફેસર ગીરીન બક્ષીએ મોઢું બળતું હોવાની ફરિયાદ કરતા તેમને તાત્કાલિક સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રો. બક્ષીએ પોતાના ચહેરા ઉપર જ્વલનશીલ પદાર્થ ફેંકાયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જોકે, યુનિવર્સિટી ના સ્ટાફ દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલમાં અત્યારે દાખલ કરાયા છે.
કુલપતિ સી.બી. જાડેજા શું કહે છે?
ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. બી. જાડેજાએ આ ઘટનાને વખોડી હતી.આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હોવાનું કહેતા ડો જાડેજાએ કહ્યું હતું કે આજેજ યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કાઉન્સિલની બેઠક બોલાવી છે. પ્રો. બક્ષી હોસ્પિટલમાં દાખલ થયા હોઇ નિયમ પ્રમાણે પોલીસ કેસ અને કાયદાકીય કાર્યવાહી પણ થશે. એબીવીપીના ૧૫ થી ૨૦ વિધાર્થીઓ આ કૃત્ય માં સંડોવાયેલા હોવાનું કુલપતિએ જણાવીને આ ઘટનાને દુઃખદ ગણાવી છે.