Home Current નોટબંદી દરમ્યાન અમિત શાહ, જયેશ રાદડિયા સહિત અન્ય નેતાઓની બેંકમાં ૩૧૧૮ કરોડ...

નોટબંદી દરમ્યાન અમિત શાહ, જયેશ રાદડિયા સહિત અન્ય નેતાઓની બેંકમાં ૩૧૧૮ કરોડ ₹ ભરાયા?કચ્છ યુથ કોંગ્રેસે વિરોધ કરતાં અટકાયત

1154
SHARE
નોટબંધીની સફળતા સામે અનેક સવાલો પુછાઈ રહ્યા છે અને વડાપ્રધાન મોદી સહિતના ભાજપના નેતાઓ અને રિઝર્વ બેન્કના જવાબો વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. પણ, હવે આરટીઆઇ દ્વારા કરાયેલા ખુલાસાને પગલે કોંગ્રેસે ભાજપ સામે રાજકીય યુદ્ધ છેડી દીધું છે. કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભુજમાં કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી) સામે વિરોધ પ્રદર્શન કરીને નોટબંધી દરમ્યાન જમા કરાયેલા રૂપિયા અંગે આંકડાકીય માહિતી માંગી હતી. જોકે, આક્રમક મૂડ સાથે યુથ કોંગ્રેસ દ્વારા રોડ ઉપર ચક્કા જામ કરાયો હતો. રસ્તો બંધ કરાવાતા પોલીસે યુથ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી. કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ રમેશ મહેશ્વરીએ ૫૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયતને પ્રજાનો અવાજ રૂંધવાની કોશિશ ગણાવી હતી.

નોટબંધી દરમ્યાન ગુજરાત ભાજપના નેતાઓની બેંક માં ૩૧૧૮ કરોડ રૂપિયા ભરાયા?

કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસે પોતાના લેટેરપેડ ઉપર રાજ્યપાલને પત્ર લખીને નોટબંધીના સમય દરમ્યાન માત્ર ૫ જ દિવસમાં ગુજરાત ભાજપના નેતાઓની રાહબરીમાં ચાલતી સહકારી બેંકોમાં ૩૧૧૮ કરોડ ₹ ભરાયા તેની સામે તપાસની માંગણી કરી છે. શરૂઆતના દિવસોમાં સામાન્ય લોકો નોટબંધીથી પરેશાન થઈને બેંકોની લાઈનમાં ઉભા હતા ત્યારે સહકારી બેંકોમાં ૧૦/૧૧/૨૦૧૬ થી ૧૪/૧૧/૨૦૧૬ દરમ્યાન માત્ર પાંચ જ દિવસમાં કરોડો રૂપિયાના કાળા નાણાંને ભાજપના નેતાઓએ ધોળા કર્યા હોવાનો યુથ કોંગ્રેસે લેખિત આંકડાઓ સાથે આરોપ મૂક્યો છે. અમિત શાહ જેની સાથે સંકળાયેલ છે તે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંકમાં ૭૪૫.૫૮ કરોડ ₹, જયેશ રાદડિયા જેની સાથે સંકળાયેલા છે તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંકમાં ૬૯૩.૧૯ કરોડ ₹, સુરત અને સાબરકાંઠાની ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંકમાં ૩૬૯.૮૫ / ૩૨૮.૫૦ કરોડ સાથે ગુજરાતની ભાજપ શાસિત કુલ ૧૧ સહકારી બેંકોમાં ૩૧૧૮.૫૧ કરોડ રૂપિયા જમા કરાવાયા હોવાનો આક્ષેપ યુથ કોંગ્રેસે કરીને કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી) ની તપાસ ની માંગ કરી છે. જોકે, પાંચ દિવસ બાદ કેન્દ્ર સરકારે જિલ્લા સહકારી બેંકોને નાણાં લેવાની મનાઈ કરી દીધી હતી પરંતુ આ પાંચ દિવસમાં દેશભરમાં ભાજપ શાસિત સહકારી બેંકોમાં ૧૪,૨૯૩.૯૧ કરોડ ₹ ભરીને ભાજપના નેતાઓએ વ્યાપક પ્રમાણમાં કાળા નાણાંને ધોળા કર્યા હોવાનો ખળભળાટ સર્જતો આક્ષેપ યુથ કોંગ્રેસે કર્યો છે.આ વિરોધમાં કચ્છ યુથ કોંગ્રેસના દિપક ડાંગર, આદિત્ય ઝુલા, હનીફ જત, ઉમર સમા ઉપરાંત પ્રદેશ ડેલીગેટ રફીક મારા, મહિલા આગેવાન માનસી શાહ સહિત અન્ય યુવા કાર્યકરો જોડાયા હતા.