આ સમાચારનું હેડીંગ વાંચીને આપ જો ચમકી ગયા હો તો આ આખા સમાચાર વાંચ્યા પછી આપ ચોંકી જશો. મુંદરા થી અંજાર આવતા જતા કદાચ આપ પણ હાઈ વે લૂંટનો ભોગ બની ચૂકયા હશો? વાત છે, મુંદરાના મોખા ટોલગેટની!! શરૂઆત થી જ વાહનચાલકો સાથે મારામારી અને ઝઘડાના કારણે વિવાદમાં રહેલા મોખા ટોલગેટ વિશે ભદ્રેશ્વર પાસે આવેલા હટડી ગામના આરટીઆઇ એક્ટિવિસ્ટ જયપાલસિંહ જાડેજાએ મેળવેલી માહિતી ચોંકાવનારી છે.
ખુદ સરકાર કહે છે ટોલગેટ નવેમ્બર ૧૮ માં તૈયાર થશે
મુંદરા થી અંજાર સુધીના આ રસ્તાને સ્ટેટ હાઈવેમાંથી નેશનલ હાઈવેમાં ફેરવાયા બાદ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ રોડના વિસ્તરણનું કામ મેસર્સ કે.એમ. ટોલ રોડ પ્રા. લિ. ને અપાયું. પરંતુ, ખુદ સરકાર જ કહે છે કે, આ રોડનું કામ અધૂરું છે,હજી પૂરું થયું નથી. આ માહિતી કચ્છના આદિપુર ગાંધીધામ મધ્યે આવેલી નેશનલ હાઈવે ઓથોરીટીએ લેખિતમાં આપી છે. જયપાલસિંહ જાડેજાને આરટીઆઇ હેઠળ નેશનલ હાઈવે ઓથોરીટીના આદિપુર ગાંધીધામના પ્રોજેકટ ડાયરેકટર પી. કે. સિંઘે આપી છે. તારીખ ૧૫/૬/૨૦૧૮ના લેખિત પત્રમાં સરકાર વતી માહિતી આપતા જણાવાયું છે કે મુંદરા થી અંજાર સુધીના કુલ ૭૧.૪ કિલોમીટર સુધીના આ રોડનું કામ હજી અધૂરું છે હજી સુધી ૬૪.૪૮ કિલોમીટરનો જ રોડ બન્યો છે. જોકે, સનસનીખેજ માહીતી આ સરકારી પત્રના અંતે લેખિતમાં અપાઈ છે એ સમજવા જેવી છે, પ્રોજેક્ટ ડાયરેકટર પી.કે. સિંઘ સરકાર વતી જવાબ આપતા કહે છે કે, મોખા ટોલગેટ ઉપર ટોલ ઉઘરાવવાની કામગીરી હવે પાંચ મહીના પછી નવેમ્બર ૨૦૧૮માં શરૂ કરાશે. હવે જો નવેમ્બર ૨૦૧૮ માં ટોલ શરૂ કરવાનું જો સરકાર ખુદ જ કહેતી હોય તો પછી વાહનચાલકો પાસેથી ટોલ ઉઘરાવવાની પરમીશન મેસર્સ કે. એમ. ટોલ રોડ પ્રા. લિ. ને કોણે આપી?
પરમીશન વગર જ વાહનચાલકોના ટોલની રકમની ગેરકાયદેસર લૂંટનો આંક કરોડોમાં!!
આરટીઆઇ કરનાર જયપાલસિંહ જાડેજાને નેશનલ હાઈવે ઓથોરિટીના ગાંધીધામના પ્રોજેકટ ડાયરેકટર પી.કે. સિંઘે જે લેખિત જવાબ આપ્યો છે તેમાં સ્પષ્ટપણે બતાવ્યું છે કે ૮ કરોડ ૯૨ લાખ ટોલ વસુલાયો છે, હવે તેમના જ જવાબ પ્રમાણે ટોલની વસૂલાત નવેમ્બર ૨૦૧૮ માં કરવાની હોય તો આ રૂપિયા કેમ વસુલાયા? અરજીકર્તા જયપાલસિંહ જાડેજાએ ૨૦૧૬ થી મોખા ચોકડીએ વસુલાતા ટોલટેક્સ ને ગેરકાયદેસર લૂંટ ગણાવીને આ કિસ્સામાં નેશનલ હાઈવે ઓથોરીટીની સામેલગીરીનો આક્ષેપ કરી તપાસની માગ કરી છે. મોખા ચોકડી એ ઉઘરાવતા ટોલટેક્સના વિરોધમાં અનેકવાર ટ્રક એસો.,સ્થાનિક ગામના રહેવાસીઓ સહિત અનેક વાહનચાલકોએ વિરોધ કર્યો છે, ધરણા કર્યા છે, એ સંજોગોમાં ટોલક્સની કાયદેસરતા સામે જ પડકાર ફેંકાયો છે. ભવિષ્યમાં કદાચ આ મુદ્દે કાયદાકીય જંગ પણ ખેલાઈ શકે છે.
રોડનું કામ અધૂરું હોય તો ટોલટેક્સ લેવાનો અધિકાર નથી
મુંદરા વિસ્તારમાં વંચિત અને શોષિત સમુદાયના સામાજિક ન્યાય અને અધિકારીતા માટે લડત ચલાવતા સામાજિક કાર્યકર ઉસ્માન ગની શેરસિયાએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ટ પ્રમાણે જો રોડ રસ્તાનું કામ અધૂરું હોય તો કોન્ટ્રાકટર કંપનીને ટોલટેક્સ વસુલવાનો અધિકાર મળતો નથી ભુજ તાલુકાના પધ્ધર પાસે ટોલટેક્સ વસૂલ કરવાના પ્રયાસનો વિરોધ રોડનું કામ અધૂરું હોઈ કરાયો એટલે ટોલટેક્સ લેવાનો બંધ કરાયો છે. એજ રીતે સૌરાષ્ટ્રના ગડુ થી જૂનાગઢના રોડનું કામ અધૂરું હોવા છતાંયે ટોલટેક્સ વસુલતા લોકોએ ઉગ્ર વિરોધ કર્યો અને ટોલ લેવાનું બંધ થયું. મુંદરા થી અંજાર સુધીના રોડનું કામ ૬ કી.મી બાકી છે, તે ઉપરાંત અનેક જગ્યાએ સર્વિસ રોડનું કામ પણ બાકી છે ત્યારે ટોલટેક્સની વસૂલાત કરવી એક પ્રકારની લૂંટ જ છે. લોકોએ જાગૃત બનીને ટોલટેક્સ વસુલનાર કોન્ટ્રાકટ કંપની મેસર્સ કે. એમ. ટોલ રોડ પ્રા. લિ. દ્વારા વસૂલાતા ટોલટેક્સ સામે અવાજ ઉઠાવવાની જરૂરત છે. નેશનલ હાઈવે ઓથોરીટીએ પણ રોડના કામ અધૂરા રાખનાર કોન્ટ્રાકટ કંપનીની દ્વારા ટોલટેક્સને નામે કરાતી ગેરકાયદે લૂંટને અટકાવવી જોઈએ.