પ્રમુખપદ પછી હવે કારોબારી ચેરમેન માટેની ખેંચતાણ વચ્ચે ભુજ નગરપાલિકાની સામાન્ય સભા યોજાશે કે નહીં તે મુદ્દે રાજકીય ગરમાટો અને ચર્ચાએ જોર પકડ્યું છે. આવતીકાલ ગુરુવારે કારોબારી ચેરમેન સહિત અન્ય સમિતિઓના ચેરમેનની વરણીના એજન્ડા સાથે નવા પ્રમુખ લતાબેન સોલંકીના પ્રમુખપદ હેઠળ પ્રથમ સમાન્યસભા છે. પરંતુ ભાજપના આંતરિક સુત્રોનું માનીએ તો ભુજ નગરપાલિકામાં કારોબારી ચેરમેનના પદ માટે ક્યાંક ને ક્યાંક આંતરિક બળવાના એંધાણ વરતાઈ રહ્યા છે. ત્યારે ભુજમાં ટૉક ઓફ ધ ટાઉન બનેલા આ મુદ્દે ભાજપના આગેવાનો શું કહે છે અને શું માહોલ ચાલી રહ્યો છે એ આપ સૌ સુધી પહોંચાડવા ન્યૂઝ4કચ્છે આ પ્રયાસ કર્યો છે.
હા અમારો દાવો છે-પરાક્રમસિંહ જાડેજા
ભુજનગરપાલિકા ના કારોબારી ચેરમેનના પદ માટે નવાજુનીના એંધાણ વચ્ચે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમના પુત્ર અને નગરસેવક મહીદીપસિંહ જાડેજા માટે તેમણે ભાજપમાં દરેક જગ્યાએ રજુઆત કરી છે. જોકે, પૂર્વ જિલ્લા મંત્રી પરાક્રમસિંહે સામાન્યસભાના મુદ્દે કઈ પણ બોલવાનું ટાળ્યું હતું અંતિમ નિર્ણય ભલે પાર્ટી કરે પણ મહીદીપસિંહ જાડેજાને પણ પૂરતો ન્યાય મળશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
પ્રમુખ-ઉપપ્રમુખ અને ઝોન પ્રભારી શું કહે છે?
સામાન્ય સભા થશે કે નહીં તેવી નગરસેવકોમાં અને લોકોમાં થતી વાતો અને ચર્ચા વિશે ન્યૂઝ4કચ્છે પ્રમુખ લતાબેન સોલંકીનો સંપર્ક કર્યો તો તેમણે સ્પષ્ટ શબ્દો માં કહ્યું હતું કે તમે જોજો આવતીકાલે સામાન્ય સભા થશે અને એજન્ડા મુજબ જ કારોબારી ચેરમેન અને અન્ય કમિટીઓના ચેરમેન ની વરણી થશે. ઉપપ્રમુખ ડો. રામ ગઢવી અને ઝોન પ્રભારી અનિરુદ્ધ દવેએ તો કહ્યું કે અમુક નગરસેવકો નારાજ છે એ વિશે તેમને કંઈ ખબર નથી. સામાન્ય સભા એજન્ડા મુજબ જ ચાલશે અને પાર્ટી નક્કી કરશે એમને જ ચેરમેન પદ મળશે.
શૈલેન્દ્રસિંહ અને અન્ય દાવેદારો શુ કહે છે?
પૂર્વ કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ ક્ષત્રિય લોબી નારાજ છે એ વિશે અજાણતા વ્યક્ત કરી હતી. દરેક દાવેદાર સક્ષમ છે એવું કહેતા શૈલેન્દ્રસિંહે પોતે અધૂરા મુકેલા કામ આગળ ધપાવીને સંગઠન સાથેના સંકલનને મહત્વનું ગણાવ્યું હતું કારોબારી ચેરમેન પદ માટે દાવેદારીમાં ચર્ચાતા અન્ય નામોમાં ભરત રાણા, અશોક પટેલ અને જગત વ્યાસે પોતે દાવેદારી કરી છે એ કબુલ્યું હતું પણ અંતિમ નિર્ણય પાર્ટી ઉપર મુક્યો હતો.