મુંબઈમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અંધેરી સ્ટેશનનો પુલ તૂટી પડતા મુંબઈની વેસ્ટર્ન રેલવેના લોકલ ટ્રેનની સાથે બહારગામ થી આવતી મેલ અને એક્સપ્રેસ ટ્રેનનો વ્યવહાર ખોરવાયો છે. આ અંગે કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહે ન્યૂઝ4કચ્છ સાથે ટેલિફોનિક વાતચીતમાં આપેલી માહીતી અનુસાર કચ્છ અને મુંબઈના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનના ઉપડવાના સ્થળ અને સમયના કરાયેલા ફેરફાર વિશે કચ્છ પ્રવાસી સંઘના જણાવ્યા પ્રમાણે આજની મંગળવારની કચ્છ એક્સપ્રેસ ટ્રેન બાંદ્રા પહોંચી શકી નથી અને બોરીવલી(મુંબઇ) થંભાવી દેવાઈ છે,અને હવે તે બોરીવલી થી જ ઉપડશે. જ્યારે આજની મંગળવારની ભુજથી ઉપડેલી સયાજીનગરી ટ્રેનને દહાણું રોકી દેવાઈ હોઈ કચ્છ થી મુંબઇ જતા પ્રવાસીઓ હેરાન પરેશાન થયા હતા. એ જ રીતે આજની સયાજીનગરી ટ્રેન દાદર(મુંબઇ) થી ઉપડવાને બદલે દહાણું થી ઉપડવાની જાહેરાત કરાઈ છે. એટલે સયાજીનગરી ટ્રેનમાં મુંબઇ થી કચ્છ સુધીની ટિકિટો બુક કરાવનાર પ્રવાસીઓ પરેશાન થયા છે. જોકે, મુંબઈમાં પુલ તૂટવાની ઘટના બાદ રેલવે વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ હોઈ એકાદ દિવસમાં જ મુંબઇ અને કચ્છ વચ્ચેનો અપ અને ડાઉન ટ્રેન વ્યવહાર પૂર્વવત થઈ જશે એવી શક્યતા છે.