મુંબઈમાં આમ તો બે દિવસ થયા ભારે વરસાદ પડી રહ્યો છે તે વચ્ચે ગઈકાલે સોમવાર ની રાત થી વિરાર, નાલાસોપારા વચ્ચે ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. સોમવારે ભુજ થી મુંબઇ જતી કચ્છની ટ્રેનો અધવચ્ચે અટકી ગઈ છે. સોમવારે સાંજે ભુજ થી નીકળેલી એ.સી. ટ્રેન બાંદ્રા સુપરફાસ્ટ આજે મંગળવારે મુંબઈના વિરાર સ્ટેશન પાસે અટકી ગઈ છે. તો સોમવારે રાત્રે ભુજ થી રવાના થયેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેન આજે મંગળવારે સવારે વલસાડ પાસે રોકી દેવાઈ છે. મુંબઈના વિરાર અને બોરીવલી વચ્ચે ભારે વરસાદ ને કારણે લોકલ ટ્રેન વ્યવહાર આજ સવાર થી જ બંધ થઈ ગયો છે. આ ઉપરાંત સોમવાર ના સાંજે નીકળેલી ભુજ દાદર વાયા પાલનપુર ટ્રેન તેમ જ રાત્રે ઉપડતી ભુજ દાદર સયાજી એક્સપ્રેસ ટ્રેન પણ અધવચ્ચે અટકી ગઈ છે. કચ્છ થી મુંબઇ જતા પ્રવાસીઓએ ન્યૂઝ4કચ્છ સાથે કરેલી ટેલિફોનિક વાતચીત માં જણાવ્યા પ્રમાણે ટ્રેનના પ્રવાસીઓને રેલવે દ્વારા સતત સૂચના અપાઈ રહી છે કે મુંબઈમાં ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર બંધ છે અને ટ્રેન મુંબઇ નહીં જાય. સોમવારે ભુજ થી મુંબઇ માટે રવાના થતી ચારેય ટ્રેનોના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ ગયા છે. સામાન સાથે વરસાદ અને ભરાયેલા પાણી વચ્ચે પ્રવાસીઓને ઘેર કેમ પહોંચવું એ ચિંતા છે તો તેમના પરિવારજનો પણ વરસાદ બહુ હોઈ રેલવે ઉપરાંત રોડ વ્યવહાર પણ બંધ હોઈ તેઓ કેમ ઘેર પહોંચશે તેના થી ચિંતિત છે. જોકે, ઘણા પ્રવાસીઓને તેમના પરિવારજનો એ મુંબઈમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હોઈ અત્યારે જ્યાં હોય ત્યાં જ રોકાઈ જવા અને પાણી ઓસરે પછી જ ઘેર મુંબઇ આવવા જણાવ્યું છે. દરમ્યાન આજે મંગળવારે મુંબઇ થી ઉપડતી ભુજ ની ટ્રેનો મુંબઈથી નહીં ઉપડે અને ગુજરાતમાં જ્યાં અટવાઈ છે ત્યાંથી જ ઉપડશે એવું જાણવા મળી રહ્યું છે.