Home Current લોકોના પૈસા ડૂબાડનાર નેશનલ કન્સ્ટ્રક્શનના માલિકો સામે પોલીસ કાર્યવાહી નહીં કરે તો...

લોકોના પૈસા ડૂબાડનાર નેશનલ કન્સ્ટ્રક્શનના માલિકો સામે પોલીસ કાર્યવાહી નહીં કરે તો આત્મવિલોપનની ચીમકી : છેતરપિંડીના આક્ષેપ સાથે કરાઈ રજુઆત

3417
SHARE
કચ્છની જાણીતી નેશનલ કન્સ્ટ્રકશન કંપની સામે છેતરપિંડીના કિસ્સામાં કંપની અને ભોગ બનનારા વતી લડત ચલાવનારાઓની કાયદાકીય લડત ફરી સપાટી પર આવી રહી છે. લોકોના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનો જેના પર આક્ષેપ થઈ રહ્યો છે એવા કંપનીના માલિક ખીમજી હરજી પટેલ તથા તેના પુત્ર રમેશ ખીમજી પટેલ સામે લોકોએ પોલીસને આપેલી અરજીઓ અને ફરિયાદ બાદ પણ કોઈ કડક કાર્યવાહી ન થતી હોવાની ફરિયાદ સાથે ફરી ભોગ બનનારા લોકોએ જિલ્લા પોલીસવડાને આવેદન પાઠવી 7 દિવસમાં કાર્યવાહી કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે લોકોએ આપેલા આવેદન પત્રમાં ભોગ બનનારાની ફરિયાદ લઇ FIR નોંધીને તાત્કાલિક અસરથી ધરપકડ કરવાની માંગ કરાઈ છે. જો ૭ દિવસમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાય તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ભોગ બનનાર મહિલાઓ દ્વારા અપાઈ છે.
આજે ભુજ મધ્યે એકઠા થયેલા ભોગ બનનાર લોકોએ રેલીના આયોજન સાથે પોલીસને આવેદન આપવાનું આયોજન કર્યું હતું જોકે પોલીસે રેલી કરવા ન આપી હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવાયું હતું આ સમગ્ર રજુઆત દરમ્યાન ન્યુઝ4કચ્છ સમક્ષ વાત કરતા ભોગગ્રસ્ત લોકો વતી કાયદાકીય લડત ચલાવનાર ધારાશાસ્ત્રી જેમિની પટેલે પોલીસ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અગાઉ કંપનીના માલિક પિતા પુત્ર સામે ફરિયાદ કરેલી હોવા છતાં પોલીસે ધ્યાન નથી આપ્યું અને કંપનીના માલિકો દ્વારા ભોગગ્રસ્તોને ધાક ધમકીઓ કરાઈ રહી છે.
જોકે આ સમગ્ર પ્રકરણમાં કચ્છના 200થી પણ વધારે ભોગ બનનારા લોકોએ પોલીસમાં અરજી ફરિયાદો કરી હતી. સાથે સાથે કોર્ટ કાર્યવાહી દરમ્યાન કંપનીના માલિકના બંગલા પર ધારાશાસ્ત્રી એસ.ટી.પટેલે કબ્જો પણ કર્યો હતો આ સમગ્ર પ્રકિયા કોર્ટના ડાયરેક્શન મુજબ થઈ હોવાનો દાવો ધારાશાત્રી શ્રી પટેલ દ્વારા કરાયો હતો. ત્યારબાદ કંપનીના માલિકના પુત્ર રમેશ પટેલની પણ પોલીસે ધરપકડ કરી હતી અને અત્યારે તેઓ જામીન પર છે. સામે પક્ષે કંપનીના માલિકો દ્વારા ધારાશાસ્ત્રી એસ.ટી.પટેલ સામે પણ બંગલાના ખોટા દસ્તાવેજો ઉભા કરવાની પોલીસ ફરિયાદ કરાઈ છે. ત્યારે આ સમગ્ર કિસ્સામાં બન્ને પક્ષે ન્યાયિક લડત ચલાવતા વ્યક્તિઓની લડાઈ વચ્ચે ફરી ભોગ બનનાર લોકોએ પણ પોતાની માંગણીઓ સાથે પોલીસને અલ્ટીમેટમ આપ્યું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસ આ પ્રકરણમાં શું કાર્યવાહી કરે છે? આ સમગ્ર કિસ્સામાં છેલ્લા ઘણા સમયથી પોતાના રૂપિયા કંપનીને આપનાર મધ્યમ વર્ગ પીડાઈ રહ્યો છે એ પણ હકીકત છે.